ડ્રાઇવરો પર કામભારણ ઘટાડવા નિર્ણય: એસટી સ્ટેન્ડમાં સફાઇ તથા મુસાફરો માટેની સુવિધાઓની દેખરેખની જવાબદારી ડેપો મેનેજરને સોંપવા ભલામણ
રાજ્યના એસટી તંત્રમાં ડ્રાઈવરોની તંગીને કારણે ઓવરટાઈમ પાછળ દર મહિને રૂ. ૩ કરો઼ડ જેટલી માતબર રકમ ખર્ચવામાં આવે છે. જો કે, આગામી સપ્તાહે ૩ હજાર ડ્રાઈવરોની ભરતીને કારણે આ રકમમાં ઘટાડો થશે અને ડ્રાઈવરોના કામભારણમાં ઘટાડો થશે. એસટી સ્ટેન્ડમાં સફાઈ અને મુસાફરો માટેની અન્ય સુવિધાઓની દેખરેખ માટેની જવાબદારી ડેપો મેનેજરને સોંપવાની ભલામણ કરવામાં આવી છે. હાલમાં એસટીમાં ડ્રાઈવરોનું કુલ મહેકમ ૭૮૦૦નું છે પરંતુ તેમાં ૧૦થી ૧૨ ટકાની ઘટ છે. આ ઘટ પૂરી કરવા માટે આગામી સપ્તાહે ફિક્સ પગારદાર ડ્રાઈવરોની ભરતી કરવામાં આવશે એમ, વાહન વ્યવહાર પ્રધાન વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યું છે.
રાજ્યકક્ષાના વા.વ્ય. પ્રધાન વલ્લભભાઈ કાકડિયાની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એસટીના ડિવિઝનલ કંટ્રોલરની ચિંતન શિબિરમાં બસ સ્ટેન્ડમાં સફાઈ, પીવાનું પાણી સહિતની મુસાફરોની સુવિધા અને એસટીને વધુ સક્ષમ બનાવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા શહેરોના એસ.ટી.સ્ટેન્ડને શોપીંગ મોલ સહિતની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કર્યા છે પરંતુ સફાઈ સહિતની દેખરેખમાં ભારે બેદરકારીને કારણે આ મોલ જેવા સ્ટેન્ડમાં અરાજકતા જોવા મળે છે. આ સંજોગોમાં ડેપો મેનેજરને જ સફાઈ સહિતની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો છે. શિબિરમાં મુખ્યત્વે ડ્રાઈવરોની ઘટ અને તેના કારણે અનેક રૂટ બંધ ન થાય તે માટે ડ્રાઈવરો પાસે ઓવરટાઈમ કરાવવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં અનેક કિસ્સામાં એક ટ્રીપ પૂરી કરીને આવતા ડ્રાઈવરને બીજી ટ્રીપ કરવાની ફરજ પડતી હોવાની ફરિયાદ ઊઠી હતી.
બે ટ્રીપ વચ્ચે જરૂરી સમયમાં ડ્રાઈવરને પુરતો આરામ મળતો ન હોવાથી તેની વિપરીત અસર ડ્રાઈવરના આરોગ્ય પર પડે છે અને ક્યારેક અકસ્માત થવાની શક્યતા વધી જતી હોવાથી આ બાબતને ગંભીર ગણીને ભરતી સહિતની જરૂરી વ્યવસ્થા કરવા પર ભાર મૂકાયો હતો. વા.વ્ય.પ્રધાને જણાવ્યું કે, રૂટ બંધ ન થાય તે માટે હયાત ડ્રાઈવરોને દર મહિને ૨.૫૦ લાખ કલાકનો ઓવરટાઈમ કરવો પડે છે અને એક કલાકના રૂ. ૧૨૦ લેખે કુલ રૂ. ૩ કરોડથી વધુની રકમ ઓવરટાઈમમાં ખર્ચાય છે. ડ્રાઈવરોનો ઓવરટાઈમ ઘટાડવા માટે આગામી સપ્તાહે ૩ હજાર ડ્રાઈવરોની ભરતી કરવામાં આવશે એમ જણાવતાં વા.વ્ય.પ્રધાને ઉમેર્યું કે, ૧૭૦૦ કંડક્ટરોની પણ ભરતી કરવામાં આવશે.