અનેક વિદ્યાર્થીઓને અંદાજિત 10 થી 15 માર્કનું પેપર લખવાનું રહી ગયાનો આક્ષેપ
ધોરણ 10ની બોર્ડની પરીક્ષા દરમિયાન સપ્લીમેન્ટરી મોડી પહોંચતા અંદાજિત 40 થી 50 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સમય ઓછો મળ્યાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ગણિત વિષયના પેપરમાં સપ્લીમેન્ટરીનો જથ્થો ખૂટી પડતા વિદ્યાર્થીઓને આશરે 15 થી 20 મિનિટ સુધી સપ્લીમેન્ટરી માટે રાહ જોવી પડી હતી.
રાજકોટની ભરાડ સ્કૂલ ખાતે ધોરણ 10ની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને સપ્લીમેન્ટરી મોડી મળતા પેપર લખવામાં વિલંબ થયો હોય અને આશરે 15 થી 20 માર્કનું લખવાનું રહી જતા વિદ્યાર્થીઓ નિરાશ થઈ ગયા હતા.
જે બાદ વિદ્યાર્થીઓએ વાલીઓને સમગ્ર મામલે જાણ કરતા વાલીઓ દ્વારા ભરાડ સ્કૂલ ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વાલીઓએ ભરાડ સ્કૂલ ખાતે હલાબોલ કરતા શિક્ષણ વિભાગે જ સપ્લીમેન્ટરી મોડી પહોંચાડ્યાનો ખુલાસો શાળા તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ વાલીઓ શિક્ષણ અધિકારીની કચેરી ખાતે દોડી ગયા હતા.
વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે તો તેની પાછળ જવાબદાર કોણ? તેવા સવાલ સાથે વાલીઓએ શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પણ હલાબોલ કર્યો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે સપ્લીમેન્ટરી મોડી મળતા અનેક વિદ્યાર્થીઓને 10 થી 15 માર્કનું પેપર લખવાનું રહી ગયું હતું. તેમાં પણ ખાસ ગણિત જેવા વિષયમાં જ્યારે આટલી ઘોર બેદરકારી દાખવવામાં આવે ત્યારે વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમાય તો તેની જવાબદારી કોણ લેશે.