જયારે અન્ય એક વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
વઢવાણ કોઠારીયા રોડ પર એન્જિનિરીંગ કોલેજના વિદ્યાર્થી ધ્રુવ મકવાણા અને ઋત્વિક પટેલ બાઇક લઇને જતાં એસ.ટી.બસ સાથે અકસ્માત નડ્યો હતો. જેમાં વઢવાણમાં રહેતા માતા-પિતાના એકના એક સંતાન એવા ધ્રુવ મકવાણાનું મોત થયુ હતુ.જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા અને રતનપરમાં રહેતા ઋત્વિક પટેલને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો.
વઢવાણ-કોઠારીયા રોડ પર આવેલ એન્જિનિયરીંગ કોલજના બીજા વર્ષમાં વઢવાણનો વિદ્યાર્થી ધ્રુવ મકવાણા અને બીજો વિદ્યાર્થી રતનપરનો ઋત્વિક પટેલ બાઇક લઇને જતાં હતાં. . જેમાં ઋત્વિક પટેલ બાઇક ચલાવતો હતો અને ધ્રુવ પાછળ બેઠ્યો હતો. ત્યારે વઢવાણ-કોઠારીયા રોડ પર આવેલ નથુરામ કોલેજ અને સી.યુ.શાહ કોલેજ વચ્ચે જ અમદાવાદ તરફથી આવતી એસ.ટી.બસ અને બાઇકનો અકસ્માત થતા બંને વિદ્યાર્થી મિત્રો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતાં. જેમાં 19 વર્ષના ધ્રુવ અલ્પેશભાઈ મકવાણાનું મોત થયુ હતુ.
બનાવની જાણ થતા વઢવાણ પોલીસ મથકના સેકન્ડ પી.એસ.આઈ. એચ.આર.જેઠ્ઠી, શક્તિસિંહ ગોહિલ, અમીતભાઈ મહેતા સહિતની ટીમે ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી આવી હતી. જ્યારે 20 વર્ષના રતનપરમાં રહેતા ઋત્વિક કે. પટેલને ગંભીર હાલતમાં ટીબી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો. બીજી તરફ વઢવાણ રામદરબાર સોસાયટીના અને હાલ મૂળચંદ રોડ પર રહેતા પારૂલબેન અને અલ્પેશભાઈ મકવાણાનો ધ્રુવ એકનો એક પુત્ર હોવાનું બહાર આવ્યુ હતુ્. એકના એક સંતાનના મોતના કારણે એન્જિનિયર તરીકે જોવાની સાથે અભ્યાસ કરાવતા માતા-પિતા પર આભ તૂટી પડયુ હતું.
બીજી તરફ મૃતક વિદ્યાર્થી ધ્રુવની લાશને પી.એમ. માટે ગાંધી હોસ્પિટલે લઇ જવામાં આવી હતી. વિદ્યાર્થીઓનાં બાઇક સાથે અકસ્માત કરનાર એસ.ટી.બસ આમ તો સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોની જ હતી. પરંતુ આ બસની આગળ હિન્દીમાં લખાયેલા રૂટ બોર્ડના કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાયુ હતું. પરંતુ આ બસ ઇન્ટર સ્ટેટ એટલે કે ગુજરાત રાજય બહાર છેક રાજસ્થાનની અંદર હોવાથી હિન્દીમાં હોવાનું ધ્યાને આવ્યુ હતું.