સુરસાંગડાની ગોળાઇમાં તૂફાનને એસ.ટી.બસની ઠોકર લાગ્યા બાદ ટ્રક અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત: જૂનાગઢના પરિવારને નડયો જીવલેણ અકસ્માત
કાલાવડ-રાજકોટ રોડ પર આવેલા સુરસાંગડા ગામની ગોળાઇમાં એસ.ટી.બસ, ટેન્કર અને તૂફાન જીપ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા તૂફાન જીપમાં બેઠેલી ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાર્ટી ભર્યા મોત નીપજ્યા છે. ૧૨ જેટલા મુસાફરો ઘવાતા તમામને
સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.ગમખ્વાર અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગત મુજબ સવારે આઠેક વાગે નિકાવાના લાલા ભરવાડ પોતાની જી.જે.૩આરજે. ૪૬૧૫ નંબરની તૂફાન જીપમાં મુસાફરો સાથે રાજકોટથી કાલાવડ તરફ જઇ રહ્યો હતો ત્યારે કાલાવડથી ૫ કી.મી.દુર સુરસાંગડાની ગોળાઇ પાસે ટેન્કર સાથે અથડાયા બાદ કાલાવડથી રાજકોટ જઇ રહેલી જી.જે.૧૮વાય. ૮૮૮૫ નંબરની એસ.ટી.બસ અથડાતા તૂફાન જીપ પલ્ટી ખાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
તૂફાન જીપમાં બેઠેલા કોડીનારના બળવંતભાઇ ભીખાભાઇ પરમાર નામના પ્રૌઢ સહિત ચારના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે કાલાવડના જામવાડી ગામના ગોરધનભાઇ દેવજીભાઇ, નિકાવાના તૂફાન ચાલક લાલજી ભરવાડ, મધ્યપ્રદેશના વતની અને વાગુદળ ગામે મજુરી કામ કરતા દિલીપ સીંગાર, સાવર કુંડલાના સુજાલ નરસંગ, અજાલ નરસંગ, ઉપલેટાના સીચડ ગામના પ્રતાપસિંહ ભીખુભા, દિવ્યાબેન પ્રતાપસિંહ, ભાયુના દોડમડા ગામના કાચીબેન પાંચાભાઇ, ભાનુબેન મેઘભાઇ, જાલસરના હિતેશ લવજીભાઇ અને રાજકોટના લખમણભાઇ ઠાકરશીભાઇ ઘવાતા તમામને ૧૦૮ની મદદથી કાલાવડ અને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ થતા કાલાવડ પોલીસ ઘટના સ્થળે પહોચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.