ટંકારાના નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકોર્પણ માર્ગ-મકાનમંત્રી પુર્ણેશ મોદીના હસ્તે કરાયું
અબતક,ઋષી મહેતા, મોરબી
ટંકારામાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડો. મહેન્દ્રભાઇ મુંજપરા, વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની વિશેષ ઉપસ્થિતિમાં રૂ.166.53 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ ટંકારા એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ પ્રસંગે મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે ટંકારા ઉપરાંત સરા, ગોંડલ તેમજ સાયલાના નવનિર્મિત કુલ 951 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ટંકારા ખાતે ચાર જેટલા બસ સ્ટેશનોના લોકાર્પણ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજ્ય સરકારના એસ.ટી. દ્વારા 16 વિભાગ, 125 ડેપો, 226 બસ સ્ટેન્ડ, 1554 પીક અપ સ્ટેન્ડ ગુજરાતની જનતા માટે સેવારત છે ત્યારે આગામી 2 મહિનામાં 1 હજાર નવી એસ.ટી. બસો જેમાં 500 સુપર ડિલક્સ, 300 ડિલક્સ, 200 ડિલક્સ અને સ્લીપર કક્ષાની બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
હાલમાં દૈનિક 25 લાખ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે ત્યારે મુસાફરી દરમિયાન રોડ સેફ્ટી અંગેની નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જઇ રહી છે. 50 જેટલી ઇલેક્ટ્રીક બસો દોડતી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ટંકારા મુકામે 2646 ચો.મી. જમીન પર રૂા.166.53 લાખના ખર્ચે નિર્માણ પામેલ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવિન બસ સ્ટેશનમાં 5 પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઈટીંગ હોલ, ટ્રાફિક કંટ્રોલર રૂમ, કેન્ટીન (કીચન સહિત), વોટર રૂમ (આર.ઓ. સહિત), પાર્સલ રૂમ, 2 સ્ટોલ કમ શોપ, લેડીઝ રેસ્ટ રૂમ (શૌચાલય સહિત), ડ્રાઈવર કંડકટર રેસ્ટ રૂમ (શૌચાલય સહિત), મુસાફરો માટે શૌચાલય, દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પે. પ્રકારના શૌચાલય, સ્લોપીંગ રેમ્પ સહિતની સુવિધા આપવામાં આવી છે.
વધુમાં પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વધુ 10 બસપોર્ટનું નિર્માણ થશે. તેમજ નવા ડ્રાઇવર અને કંડક્ટરની નિમણૂકની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી બજેટ સત્રમાં આગામી સમયમાં એસ.ટી. બસોના ભાડામાં કોઇ ભાવ વધારો નહીં થાય તેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
એસ.ટી.ની બસોની સુવિધાઓ અંગે જણાવતા તેઓએ જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય અને વાહન વ્યવહારમાં એસ.ટી. બસો ખૂબ જ મહત્વની સાબિત થઇ રહી છે. ખૂબ જ ઓછી કિંમતે અંતરીયાળ વિસ્તારોમાં પણ એસ.ટી. ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ રહી છે. એટલે જ એસ.ટી. એ સમગ્ર ગુજરાતમાં સેવાનું માધ્યમ છે અને ખૂણે ખૂણે એસ.ટી.ની સેવા મહત્વની સાબિત થઇ રહી છે.