સૌરાષ્ટ્રભરમાં વાવાઝોડાને પગલે એસટી બસોની અનેક રૂટો પર બ્રેક લગાવવામાં આવી હતી. જો કે હવે વાવાઝોડું વીખેરાઈ જતા જે એસટી બસોના રૂટો પર બ્રેક લાગી હતી તેમાં આજથી કચ્છ-જામનગર સિવાય તમામ રૂટોની બસો ફરીથી દોડતી કરવામાં આવી છે.
વેરાવળ, પોરબંદર, માંગરોળતરફના રૂટો ફરીથી શરૂ કરી દેવામાં આવ્યા છે. જયારે ભુજ, દ્વારકા અને જૂનાગઢ તેમજ જામનગર તરફ જતી એસટી બસોના રૂટ શરુ કરવા માટે આજે નિર્ણય લેવામાં આવશે.
વાવાઝોડાના કારણે રાજકોટ એસટીના 450થી વધુ રૂટો રદ કરવામાં આવ્યા હતા અને માત્ર 150 રૂટ જ ચાલુ રાખવામાં આવ્યા હતા. હવે રાજકોટ-ભુજ અને રાજકોટ-જામનગર સિવાયના તમામ રૂટો ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે એસટી તંત્રને છેલ્લે બે થી ત્રણ દિવસમાં અંદાજે 50 લાખથી વધુનું નુકશાન થયું છે.
આ ઉપરાંત વાવાઝોડાને કારણે વેરાવળ, પોરબંદર, જામનગર અને દ્વારકાના 200 જેટલા શેડ્યુઅલ રદ કરવામાં આવ્યા હતા.
હવે જયારે સ્થતિ સામાન્ય થતા વેરાવળ, માંગરોળ અને પોરબંદરના ફરીથી 95 રૂટ શરૂ કરવામાં આવ્યા છે.
અમરેલી ડિવિઝનના મોટાભાગની એસટી બસો ગઈકાલથી ફરી શરુ કરી દેવામાં આવી હતી. બંધ જેટલા રૂટ છે ત્યાં આજ સુધીમાં નિર્ણય કરીને બસો ફરી શરૂ કરી દેવામાં આવશે.