એસટી અધિકારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન થઈ જતા મામલો થાળે પડયો
જસદણ તાલુકાના બળધોઈ ગામના પાટીયા પાસે એસ.ટી. ઉભી ન રહેતા એક વિદ્યાર્થીએ પથ્થર ફેંકયો હોવાની ઘટના બની હતી. જેમાં એસ.ટી. અને વિદ્યાર્થી વચ્ચે સમાધાન થઈ જતા આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગારીયાધાર-રાજકોટ રૂટની બસ ગુરુવારે સવારે બળધોઈ ગામના પાટીયા પાસે પહોંચી ત્યારે એક વિદ્યાર્થીએ અચાનક પથ્થરનો જોરદાર છુટો ઘા કરતા બસના આગળના કાચમાં નુકસાન આવતા ત્યાં બસના પ્રવાસીઓ બસ બ્રેક થતા નીચે ઉતરી ગયા હતા અને બીજા વાહનમાં જવાની તેમને ફરજ પડી હતી. ત્યારબાદ આ બસના ડ્રાઈવર ખાલી બસ લઈને આટકોટ પોલીસ સ્ટેશન લઈ આવેલ ત્યાં એસ.ટી.અધિકારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ થઈ નહોતી પરંતુ મુસાફરોનો સમય બગડયો અને હાલાકી ભોગવી આ માટે જવાબદાર કોણ ? એવો લાખ મણનો સવાલ પ્રવાસીઓમાં ઉઠવા પામ્યો છે.