- ધો.10નું ગત વર્ષ કરતાં 18% વધારા સાથે રેકોર્ડબ્રેક 82.56% પરિણામ
- ગાંધીનગર જિલ્લાનું 87.22% સૌથી વધુ પરિણામ જ્યારે પોરબંદરનું 74.57% સૌથી ઓછું પરિણામ
- ગત વર્ષ કરતા એ-વન ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી
- છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી
- છેલ્લા 30 વર્ષનું શ્રેષ્ઠ પરિણામ
- સૌથી વધુ દાલોદ અને તલગાજરડા કેન્દ્રનું સૌથી વધુ 100% પરિણામ
- ભાવનગર જિલ્લાના તડ કેન્દ્રનું સૌથી ઓછું 41.13% પરિણામ
રાજકોટ ન્યૂઝ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-10નું રેકોર્ડબ્રેક 82.56% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2023 કરતા 17.94% પરિણામ વધ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું છે. આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી છે. સૌથી વધુ દાલોદ અને તલગાજરડા કેન્દ્રનું સૌથી વધુ 100% પરિણામ અને ભાવનગર જિલ્લાના તડ કેન્દ્રનું સૌથી ઓછું 41.13% પરિણામ આવ્યું છે. ગાંધીનગર જિલ્લાનું 87.22% સૌથી વધુ પરિણામ જ્યારે પોરબંદરનું 74.57% સૌથી ઓછું પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતા એ-વન ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી છે. ગત વર્ષે એ-વન મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 6,111 જ્યારે આ વર્ષે એ-વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 23,247એ પહોંચી છે. બીજીબાજુ વાત કરીએ તો ગત વર્ષે એ-2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 44,480 હતી જે આ વર્ષે વધીને 78,893એ પહોંચી છે. ગત વર્ષે બી-1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 86,611 હતી જે આ વર્ષે વધીને 118710 પર પહોંચી છે.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર ભરીને મેળવી શકશે. રાજ્યમાં ધોરણ-10ની 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ વોટ્સએપ્પ નં.63573 00971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
આ પરીક્ષામાં કુલ 706370 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 699598 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 577556 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 82.56 ટકા જાહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165984 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 160451 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 78715 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 49.06 ટકા આવ્યું છે. આ ઉપરાંત જીએસઓએસ પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 17378 પરીક્ષાર્થીઓ પૈકી 16261 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 4981 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 30.63 ટકા આવેલ છે.
ચાલુ વર્ષે રાજ્યની અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની જેલમાં ગોઠવાયેલ પરીક્ષા કેન્દ્રમાં 73 બંદીવાન પરીક્ષાર્થીઓની પરીક્ષા માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. જેમાંથી 53 બંદીવાન પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત વોકેશનલ 13 (તેર) વિષયની 30 ગુણની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ હતી. જ્યારે 50 ગુણનું પ્રેક્ટિકલ અને 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન જે-તે સંસ્થા કે શાળા દ્વારા કરવામાં આવેલ.
1389 સ્કૂલોનું 100% પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રેકોર્ડબ્રેક 1389 સ્કૂલોનું 100% પરિણામ આવ્યું છે. ગત વર્ષની વાત કરીએ તો 272 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે. જે આ વર્ષે વધીને સંખ્યા 1389એ પહોંચી છે.
વિદ્યાર્થીઓનું 79.12 જ્યારે
વિદ્યાર્થીનીઓનું 86.69% પરિણામ
ચાલુ વર્ષે ધોરણ-10નું પરિણામ ખૂબ જ શ્રેષ્ઠ આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. આ વર્ષે વિદ્યાર્થીઓનું પરિણામ 79.12% આવ્યું છે. જ્યારે વિદ્યાર્થીનીઓનું 86.69% પરિણામ આવ્યું છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે વિદ્યાર્થીઓનું 59.58% જ્યારે વિદ્યાર્થીનીઓનું 70.62% પરિણામ આવ્યું હતું.
70 શાળાઓનું 0% પરિણામ!!!
છેલ્લા 30 વર્ષનું ધોરણ-10નું રેકોર્ડબ્રેક પરિણામ જાહેર થયું છે. જો કે, હજુ 70 શાળાઓ એવી છે કે જેનું ઝીરો ટકા પરિણામ છે. જે આશ્ર્ચર્યજનક પરિણામ છે. 2023ની વાત કરીએ તો 157 શાળાઓ એવી હતી કે જેનું ઝીરો ટકા પરિણામ આવ્યું હતું. જો કે, તેમાં સુધારો થયો છે અને આ વર્ષે 70 શાળાઓનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે.
ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા
એ-વન 23,247
એ-ટુ 7,8,893
બી-વન 1,18,710
બી-ટુ 1,43,894
સી-વન 1,34,432
સી-ટુ 72,252
ડી 6,110
વિવિધ માધ્યમોનું પરિણામ
ગુજરાતી 81.17%
હિન્દી 75.90%
મરાઠી 77.99%
અંગ્રેજી 92.52%
ઉર્દૂ 81.00%
સિંધી 88.00%
ગત વર્ષની તુલનાએ ગેરરીતી કરનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધાયો ઘટાડો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સીસીટીવી કેમેરા અને અન્ય રીતે ગેરરીતી કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગત વર્ષે 681 વિદ્યાર્થીઓ ગેરરીતી કરતા ઝડપાયા હતા. જ્યારે આ વર્ષે આ સંખ્યા 400એ પહોંચી છે.
264 સ્કૂલોનું 30% કરતા પણ ઓછું પરિણામ
ધોરણ-10ના પરિણામમાં 264 સ્કૂલો એવી છે કે જેનું 30% કરતા ઓછું પરિણામ આવ્યું છે. જો કે, છેલ્લા 30 વર્ષનું આ રેકોર્ડબ્રેક પરિણામ છે. માટે ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે 30% કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગત વર્ષે 1084 શાળાઓ એવી હતી કે જેનું 30% કરતા પણ નીચું પરિણામ આવ્યું હતું. જેમાં આ વર્ષે નોંધપાત્ર સુધારો થયો છે અને તેની સંખ્યા 264એ પહોંચી છે.