જેમના પગલે પગલે પુણ્યના નિધાનનું સર્જન અને પરમ પંથની પ્રેરણાનો સ્તોત્ર વહી રહ્યો છે એવા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન પગલાં જ્યારે કોલકત્તાની ધરા પર જ્ઞાનગંગામય ચાતુર્માસ કલ્પ વ્યતીત કરવા પધાર્યા છે ત્યારે શ્રી સમસ્ત કોલકત્તા સ્થા. જૈન સંઘના સહયોગે પારસધામ સંઘના ઉપક્રમે સમગ્ર ચાતુર્માસ દરમ્યાન અનેક પ્રકારના આત્મકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેની મંગલમય શરૂવાત ચાતુર્માસ શુભેચ્છા સમારોહ અને ગુરુપૂર્ણિમાથી કરવામાં આવેલ છે. ગુરુ પરમાત્માના ચરણ શરણમાં સર્વસ્વ સમર્પિત કરી દેવાનો અવસર એટલે ‘ગુરુ પૂર્ણિમા’ પાવન મહોત્સવ જેનો ભવ્યાતિભવ્ય આયોજન 14.07.2019 સવારના 08.30 કલાકથી શ્રી ડુંગર દરબાર નઝરૂલ મંચ, સાઉધનૅ એવેન્યુ, કોલકત્તા ખાતે કરવામાં આવ્યું છે જેમાં દેશ-વિદેશના હજારો ભાવિકો નૃત્ય- ગાન- નાટિકા આદિ કલાના સુંદર માધ્યમે ગુરુચરણમાં ભક્તિની અદ્ભૂત અભિવ્યક્તિ કરવા પધારશે.
પરમાત્માની જ્ઞાનધારાનો એક વચન પણ ભવ્ય જીવોના ભવોભવ માટે ઉપકારક બની જતો હોય ત્યારે ચાતુર્માસના ચાર ચાર મહિના સુધી રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રી પરમાત્માના બોધ વચનોને મધુર વાણીમાં ફરમાવવાનો પરમ ઉપકાર કરશે. આવા જ પરમ ઉપકારક કાર્યક્રમો અંતર્ગત દરરોજ સવારના 7:30 થી 8:30 કલાકે પ્રવચન, દરરોજ બપોરને 03:30 થી 04:30 કલાકે આગમ વાંચનાની સાથે સંધ્યા સમયની ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રભુની જ્ઞાનવાણીથી કોલકત્તાના યુવાન ભાવિકો પણ વંચિત ન રહી જાય તેવા શુભ હેતુથી માત્ર યુવાનો માટે દરરોજ રાત્રિના પૂજ્ય વિનમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી તેમજ યુવતીઓ માટે પૂજ્ય નવ દીક્ષિત મહાસતીજીના શ્રીમુખેથી સવારની ગુરુ ભગવંતે ફરમાવેલી વાણીનું રીવીઝન સેશન લેવામાં આવશે.એ સાથે જ, ચાતુર્માસના પ્રારંભથી જ કલકત્તાના યુવા ભાવિકો માટે 21/07/2019, 23/07/2019, 04/08/2019, 11/08/2019, અને 18/08/2019 આ પાંચ દિવસે રવિવારીય યુવા શિબિરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંતમાં મુંબઈ-મહારાષ્ટ્ર ક્ષેત્રના ભાવિકો માટેની one step up શિબિર, NRI ભાવિકો માટેની શિબિર, દક્ષિણ ભારતના ભાવિકો માટેની self-realisation શિબિર, ગુજરાત-સૌરાષ્ટ્રના ભાવિકો માટેની આત્મકલ્યાણકર શિબિર તેમજ મધ્યભારત અને છત્તીસગઢ ક્ષેત્રના ભાવિકો માટેની first step શિબિર સાથે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ, ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને દિપાવલી પર્વ અનુષ્ઠાનના અદભુત અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમોથી કોલકાતાના ભાવિકોની આત્મધારાને ભક્તિભાવ અને ધર્મ ભાવનાથી નવપલ્લવિત કરવામાં આવશે.
સંત દર્શને હંમેશા જીવનમાં શુભ અને માંગલ્યનું પ્રાગટ્ય થતું હોય છે. કોલકત્તાના પુણ્યોદયે પારસધામમાં 38 સંત-સતીજીઓ આ ચાતુર્માસમાં બિરાજમાન છે ત્યારે દરરોજ સજોડે દર્શનાર્થે આવવા માટેના નિત્ય કપલ દર્શન સવારના 06.30 કલાકે થી સાંજના 05.30 કલાક દરમ્યાન, સપરિવાર સંત દર્શનાર્થે માટે દર રવિવાર સવારના 06.30 કલાકથી સાંજના 05.30 કલાક દરમ્યાન તેમજ નિત્ય શિશુ સંત દર્શનાર્થ માટે દરરોજ સવારના 6:30 થી સાંજના 05.30 કલાકનો સમય નિયોજીત કરવામાં આવ્યો છે. બાળકો માટે સંત દર્શન સાથે જ્ઞાન વૃદ્ધિની આરાધનાઓ પણ નિયોજિત કરવામાં આવી છે. જેના અંતર્ગત 120 દિવસ નિરંતર દર્શન સાથે 125 આગમ ગાથા કંઠસ્થની આરાધના, 120 દિવસ નિરંતર દર્શન સાથે પૂર્ણ પ્રતિક્રમણ સૂત્ર કંઠસ્થની આરાધના, 120 દિવસ નિરંતર દર્શન સાથે અર્ધ પ્રતિકમણ સૂત્ર કંઠસ્થની આરાધના તેમજ 120 દિવસ નિરંતર દર્શન સાથે સામાયિક સૂત્ર કંઠસ્થની આરાધના કરનાર બાળકોની ભૂરી ભૂરી અનુમોદના સ્વરૂપ આકર્ષક ઇનામો આપવામાં આવશે.
પૂર્વ ભારતના આ ક્ષેત્રમાં જ્યારે કદીક જ સંત-સતીજીઓનો યોગ પ્રાપ્ત થતો હોય છે ત્યારે પરમ પુણ્યના યોગે આ ચાતુર્માસમાં 38 સંત-સતીજીઓની સાથે ભવ તારણહાર એવા સદગુરુના યોગની પ્રાપ્તિમાં દરેક કાર્યક્રમ અને દરેક અનુષ્ઠાનમાં પધારી ભવ સાર્થક કરવા માટે શ્રી પારસધામ સંઘ તરફથી દરેક ભાવિકોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.