ગોરંભાયેલા આકાશ વચ્ચે ઝળુંબતુ જોખમ યથાવત: અધિકારીઓ
ગારો ખુંદતા ગામડાની વાટે, પ્રાથમિક સર્વેની શરૂઆત
જુનાગઢમાં ખાસ કરીને છેલ્લા બે દિવસથી ગોરંભાયેલા આકાશ વચ્ચે મેઘરાજાએ મહદઅંશે વિરામ રાખ્યો હતો. જુનાગઢ સહિત સોરઠ પંથક ગોરંભાયેલા આકાશ વચ્ચે વરાપ જેવા વાતાવરણની શરૂઆત થતા તંત્રના અધિકારીઓ જીલ્લાના ગામડા પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે નિકળી સર્વેની કામગીરી હાથ પર લીધી હતી.
આ અંગે વધુ વિગતો અનુસાર જુનાગઢ તા.૨૦ છેલ્લા એક અઠવાડિયાથી સતત એકધારો વરસી રહેલ વરસાદ કયાંક ખુશી તો કયાંક ગમની પરિસ્થિતિનું નિર્માણ કરી ગયો. જુનાગઢ જીલ્લાના નવેય તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાતા વરસાદી જળથી પ્રભાવિત ગ્રામજનોની વહારે જુનાગઢ જીલ્લાના પ્રભારી મંત્રી જયેશભાઈ રાદડિયા, કલેકટર સૌરભ પારઘી, જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણભાઈ ચૌધરી, તમામ પ્રાંત અધિકારીઓ ઘસી ગયા છે. જુનાગઢ તાલુકાના ખડીયા તોરણીયા અને ચોરવાડી ગામના જળ પ્રભાવિત ગામો અને ગ્રામજનોની મુલાકાત લઈ તેમની સહાયતા માટે તાલુકા વિકાસ અધિકારી, સર્કલ ઈન્સ્પેકટર, બીલખા વડાલ વિસ્તરણ અધિકારી પંચાયતે રૂબરૂ મુલાકાત લીધી હતી.
ખડીયા ગામે તલાટી કમ મંત્રી તથા ગ્રામ આગેવાનો સાથે વરસાદી ચર્ચા કરી પણ આ ગામે વરસાદથી કોઈ નુકસાન થયાની કે સ્થળાંતર કરવા જેવી જરૂરત ઉભી થઈ ન હતી તેવી જ રીતે તોરણીયા અને ચોરવાડી ગામે અધિકારીઓ ટીમ સાથે પહોંચતા સ્થિતિ કાબુમાં હોય વિશેષ કાર્યવાહી કે સ્થળાંતરની આવશ્યકતા ન હોય જો વધુ વરસાદ કે અન્ય તકલીફ જણાય તો ફુડ પેકેટ અને જો વધુ વરસાદ હોય તો સ્થળાંતર વ્યવસ્થા માટે તંત્ર તૈયાર હોવાની ગ્રામજનોને ખાતરી આપવામાં આવી છે.