માળીયા હાટીના, સુત્રાપાડામાં ૭ ઈંચ, ઉના, ભેંસાણ, મેંદરડા, વિસાવદર, જામકંડોરણામાં ૪ ઈંચ, તાલાલામાં સાડા ત્રણ, વેરાવળમાં ૩ ઈંચ, જૂનાગઢ, માંગરોળ, બાબરા, જેતપુરમાં અઢી ઈંચ વરસાદ: સવારથી સર્વત્ર મેઘવિરામ
અષાઢ મહિનાના આરંભે જ મેઘરાજાએ સૌરાષ્ટ્રવાસીઓ પર મહેર ઉતારી છે. શુક્રવારે સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા થવા પામી હતી. હળવા ઝાપટાથી લઈ ૯ ઈંચ સુધી વરસાદ વરસી જતા જગતાતમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. શુક્રવારે અનરાધાર હેત વરસાવ્યા બાદ આજે સવારથી મેઘરાજાએ સર્વત્ર વિરામ લીધો છે. જગતાત હોંશભેર વાવણીકાર્યમાં પોરવાયો છે.
આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૩૦ જિલ્લાના ૧૫૭ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથ જિલ્લાના કોડીનારમાં ૨૨૦ મીમી પડયો હોવાનું નોંધાયું છે. આગામી પાંચ દિવસ સુધી હજી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે અષાઢી બીજની હોંશભેર ઉજવણી થઈ રહી છે ત્યારે મેઘરાજાએ સર્વત્ર વિરામ લેતા ખેડુતો અષાઢી બીજના મુહૂર્ત સાચવી વાવણીકાર્યમાં પોરવાયા છે.
રાજકોટ
રાજકોટ જિલ્લામાં શુક્રવારે શ્રીકાર વર્ષા થવા પામી હતી. ધોરાજીમાં ૧૫ મીમી, ગોંડલમાં ૩૫ મીમી, જામકંડોરણામાં ૯૮ મીમી, જસદણમાં ૨ મીમી, જેતપુરમાં ૬૩ મીમી, કોટડાસાંગાણીમાં ૮ મીમી, લોધીકામાં ૪ મીમી, પડધરીમાં ૧૪ મીમી, રાજકોટ શહેરમાં ૨૫ મીમી, ઉપલેટામાં ૭ મીમી વરસાદ પડયો હતો.
જામનગર
અત્યાર સુધી હાલાર પંથકમાં હેત વરસાવવામાં મોડા રહેલા મેઘરાજાએ શુક્રવારે જામનગર જિલ્લાના અમુક તાલુકાઓ પર હેત વરસાવ્યું હતું. જિલ્લાના ધ્રોલમાં ૪ મીમી, જામજોધપુરમાં ૨૫ મીમી, જોડીયામાં ૨ મીમી અને કાલાવડમાં ૨૧ મીમી જેટલો વરસાદ વરસી ગયો હતો.
જુનાગઢ
સોરઠમાં છેલ્લા બે દિવસથી બારે મેઘ ખાંગા થયા હોય તેમ અનરાધાર વરસાદ વરસ્યો છે. ગીરનારના જંગલ વિસ્તારમાં ૨૪ કલાકમાં ૧૭ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ભેંસાણમાં ૮૫ મીમી, જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૫૫ મીમી, કેશોદમાં ૫૦ મીમી, માળીયા હાટીનામાં ૧૭૮ મીમી, માણાવદરમાં ૧૩ મીમી, માંગરોળમાં ૬૫ મીમી, મેંદરડામાં ૧૦૫ મીમી, વંથલી ૩૦ મીમી અને વિસાવદરમાં ૯૬ મીમી વરસાદ વરસી ગયો છે.
ગીર-સોમનાથ
ગુરુવારે ગીર-સોમનાથ જિલ્લામાં અનરાધાર વરસાદ પડયા બાદ શુક્રવારે પણ મેઘરાજાએ જિલ્લામાં તોફાની ઈનીંગ રમી હતી. ગીર-ગઢડા તાલુકામાં ૬૦ મીમી, કોડીનારમાં ૨૨૦ મીમી, સુત્રાપાડામાં ૧૭૪ મીમી, તાલાલામાં ૮૭ મીમી, ઉનામાં ૯૪ મીમી, વેરાવળમાં ૭૬ મીમી વરસાદ વરસી ગયો હતો.
અમરેલી
અમરેલી જિલ્લામાં પણ છેલ્લા ત્રણેક દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. બાબરામાં ૫૬ મીમી, બગસરામાં ૩૮ મીમી, ધારીમાં ૩૦ મીમી, જાફરાબાદમાં ૩૫ મીમી, અમરેલીમાં ૧૪ મીમી, ખાંભામાં ૧૨ મીમી, લાઠીમાં ૧૫ મીમી, લીલીયામાં ૧૯ મીમી, રાજુલામાં ૧૫ મીમી, સાવરકુંડલામાં ૧૧ મીમી અને વડીયામાં ૫૧ મીમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામાં પણ શુક્રવારે હળવા ઝાપટાથી લઈ સવા ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ભાવનગર શહેરમાં ૧૧ મીમી, ઘોઘામાં ૧૪ મીમી, જેસરમાં ૧૬ મીમી, મહુવામાં ૧૩ મીમી, પાલિતાણામાં ૪ મીમી, સિંહોરમાં ૩૧ મીમી, ઉમરાળામાં ૧૮ મીમી અને વલ્લભીપુરમાં ૬ મીમી વરસાદ વરસ્યો હતો.
બોટાદ
બોટાદ જિલ્લામાં ગઈકાલે સામાન્ય ઝાપટાથી લઈ બે ઈંચ સુધી વરસાદ પડયો હતો. ગઢડામાં ૪૭ મીમી વરસાદ વરસ્યો હતો. જયારે રાણપુર, બોટાદ અને બરવાળામાં હળવા ઝાપટા પડયા હતા. સૌરાષ્ટ્રમાં શુક્રવારે શ્રીકાર વર્ષા થવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હેત વરસાવવામાં મેઘરાજાએ કંજુસાઈ દાખવી હતી. અહીં અમુક તાલુકાઓમાં સામાન્ય ઝાપટા પડયા હતા.
ભાદરમાં વધુ બે ફુટ પાણીની આવક: આજી-૧ અને ન્યારી-૧માં નવા નીર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ સિંચાઈ વર્તૂળ પુર એકમના ૧૦ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવા નીરની આવક થઈ છે. રાજકોટની જળજરૂરીયાત સંતોષતા મુખ્ય ૫ પૈકી ૪ જળાશયોમાં નવું નીર આવ્યું છે. ભાદર ડેમમાં વધુ બે ફુટ પાણીની આવક થતા ફુટની દ્રષ્ટિએ ભાદર ડેમ અડધાથી વધુ ભરાઈ ગયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં નવું ૧.૯૭ ફુટ પાણી આવ્યું છે. ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદરની સપાટી ૧૮ ફુટે પહોંચી જવા પામી છે. આ ઉપરાંત રાજકોટની જીવાદોરી મનાતા આજી-૧ ડેમમાં નવું ૧.૨૧ ફુટ પાણી આવતા ડેમની સપાટી ૧૩ ફુટે પહોંચી ગઈ છે. ન્યારી-૧ ડેમમાં પણ વધુ અડધો ફુટ પાણીની આવક થવા પામી છે અને ડેમની સપાટી ૧૩.૬૦ ફુટે પહોંચી જવા પામી છે. ન્યારી-૨ ડેમમાં ૧.૩૧ ફુટ પાણીની આવક થતા ડેમની સપાટી ૧૩.૨૦ ફુટે પહોંચી જવા પામી છે.
આ ઉપરાંત ફોફળ ડેમમાં નવું ૯.૫૮ ફુટ, આજી-૨ ડેમમાં ૦.૯૮ ફુટ, સોડવદરમાં ૦.૯૮ ફુટ, સુરવોમાં ૧.૮૦ ફુટ, ડોડીમાં ૮.૦૪ ફુટ, છાપરવાડી-૨માં ૨૨.૩૧ ફુટ, ઈશ્ર્વરીયામાં ૦.૬૬ ફુટ, કરમાળમાં ૩.૨૮ ફુટ, ભાદર-૨માં ૮.૨૦ ફુટ અને સાકરોલી ડેમમાં નવું ૨.૪૦ ફુટ પાણીની આવક થવા પામી છે. નદી-નાલા છલકાઈ રહ્યા હોય જળાશયોમાં ધીમીધારે પાણીની આવક હજી ચાલુ છે.