દર્શનની નવી વ્યવસ્થા સરકારની ગાઈડલાઈન મુજબ થશે: સોશિયલ ડિસ્ટન્સ જાળવવા મંદિરમાં રેલીંગ નાખવાનું કામ શરૂ
દરરોજ જયાં લાખો લોકો ઝાંખી કરવાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેવું વૈષ્ણવજનો માટે સુપ્રસિઘ્ધ રાજસ્થાનના નાથદ્વારામાં આવેલુ શ્રીનાથજીનું મંદિર ૧૭મી માર્ચથી બંધ રહ્યા બાદ આગામી ૩૦મી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. તેમ તાજેતરમાં મળેલી જીલ્લા કલેકટરની બેઠકમાં નિર્ણય લેવાયો છે. ૨૦ દિવસ બાદ પણ શકય હશે તો સરકારની ગાઈડલાઈન મુજબ દર્શનાર્થીઓ શ્રીનાથજીની ઝાંખીનો લાભ લઈ શકશે.
સમગ્ર દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત ઉતરોતર થઈ રહેલા વધારાને કારણે સમગ્ર દેશના મોટા મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે તેમાં દેશ-વિદેશમાં વસતા કરોડો વૈષ્ણવોના આસ્થા સમાન શ્રીનાથજી બાવાની ઝાંખી કરવા કરોડો વૈષ્ણવજનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય પણ હાલ કોરોના સંક્રમણને કારણે રાજસ્થાન સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિતીના સદસ્ય અને કલેકટર અરવિંદ પોશવાલની હાજરીમાં મળેલી મીટીંગમાં શ્રીનાથજી મંદિર આગામી ૩૦મી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારની ગાઈડલાઈન મુજબ મંદિર ચાલુ કરવાની તારીખ નકકી કરવામાં આવશે.
સરકારની ગાઈડલાઈન મુજબ જો આગામી ૧લી ઓકટોબરે ચાલુ થાય તો દરરોજ દર્શનાર્થીઓ સવારે મંગળા બપોરે રાજભોગ અને સાંજે આરતી એમ ત્રણ ઝાંખીનો લાભ લઈ શકશે. એક દિવસમાં બે હજાર દર્શનાર્થીઓ ઝાંખી કરી શકશે. આ માટે દર્શનાર્થીઓ ઓનલાઈન બુકિંગ કરી શકે તે માટે અમદાવાદમાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. રેલીંગ બનાવવાનું કામ મંદિરના પરીસરમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વ્યવસ્થાનું જીલ્લા કલેકટર અરવિંદ પાંસવાલે નિરીક્ષણ પણ કર્યું હતું.