તૈયાર થઇ જાવ… ઠંડીનો જબરજસ્ત દોર આવી રહ્યો છે
શિયાળાના પ્રારંભે જ ભારે ઠંડી પડતા આગામી ડીસેમ્બરમાં સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડવાની હવામાન ખાતાની આગાહી: ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ઠંડી ધ્રુજાવશે
ગ્લોબલ વોમિંગની સમસ્યાના કારણે વિશ્વભરના વાતાવરણમાં પરિવર્તનની સાથે ઋતુમાં પણ ભારે ફેરફાર જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે દેશમાં મોડીથી આવેલા ચોમાસાએ દિવાળી બાદ પણ વરસીને અનેક રાજયોમાં અતિવૃષ્ટિ પણ સર્જી હતી. ચોમાસાની વિદાય સાથે શિયાળાની ઋતુનો પ્રારંભથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ વગેરે હિમાલય ક્ષેત્રમાં આવેલા રાજયોમાં ઠંડીએ જોર પકડયું છે. આ રાજયોમાં અનેક સ્થાને હિમવર્ષા થતાં સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જેની અસરથી આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ઠંડી વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
જમ્મુ-કાશ્મીર અને લદાખ ક્ષેત્રમાં દ્રાસમાં ગઇકાલે સીઝનની સૌથી કાતીલ ઠંડી પડી હતી. પારો એકદમ ઘટીને ૧૧.૫ ડીગ્રી સેલશિયસે પહોંચ્યો હતો. કેન્દ્ર શાસિત બનેલા પ્રદેશમાં મોટા ભાગમાં જોરદાર ઠંડીની શરૂઆત થઇ હતી. ઉલ્લેખનીયછે કે પાંચ દિવસ પહેંલા જ પહાડી ક્ષેત્રમાં હિમ વર્ષા થઇ હતી. ઠંડીના કારણે પુરવામામાં ૬૫ વર્ષની એક વ્યક્તિનું મોત થયું હતું. પુલવામા જિલ્લામાં ભૂસ્ખલન થતાં તેના ઘરમાં બરફના ધર પડતાં દટાઇ જવાથી તેનું મોત થયું હતું. હવામાન ખાતાએ આગાહી કરી હતી કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કેટલીક જગ્યાએ છુટો છવાયો વરસાદ પડી શકે છે અને કેટલીક જગ્યાએ હિમવર્ષા પણ થઇ શકે છે. આગામી શુક્રવારે તો શ્રીનગર જમ્મુ હાઇ વે બંધ કરવાની સ્થિતી સર્જાઇ શકે છે.
લદ્દાખના દ્વાર તરીકે પ્રખ્યાત દ્રાસમાં ગઇકાલે લઘુત્તમ ૧૧.૫ ડીગ્રી સેલશિયસ પારો ગગડી ગયો હતો. આમ આ ક્ષેત્રમાં સીઝનનની સૌથી વધુ ઠંડી પડી ગઇ હતી. હજુ તો ડીસેમ્બરનો મહિનો આવશે ત્યારે ઠંડી વધશે તેવું હવામાન ખાતાએ કહ્યું હતુ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લદ્દાખનો લેહ શહેર હજુ પણ માઇનસમાં જ ચાલે છે. આજે ત્યાં તાપમાન માઇનસ ૬.૮ ડીગ્રી સેલ્શિયસ હતું. ઉત્તર કાશ્મીરમાં આવેલા પ્રખ્યાત સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં પારો માઇનસ ૩.૪ ડીગ્રી નોંધાયો હતો. જ્યારે પહેલગામમાં પારો માઇનસ ૨.૩ રહ્યો હતો.
શ્રીનગરમાં ભૂસ્ખલન થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. ગઇકાલે પુલવામા જિલ્લામાં એક મકાન પર મડસ્લાઇડ પડતાં ઘરમાં રહેલા ૬૫ વર્ષના એક વૃધ્ધનું મોત થયું હતું. જ્યારે એક ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે આગાહી કરી હતી કે આગામી થોડા દિવસોમાં આખા દેશમાં ઠંડીમા વધારો થશે. પશ્ચિમી તરફના ઠંડા પવનના કારણે ૨૫ નવેમ્બરે ઠંડી પડશે જે આગામી બે મહિના સુધી જારી રહેશે.