‘અબતક’ની મુલાકાતમાં મશીનના મુખ્ય દાતા રોલેક્સ લિમિટેડના મનીષભાઈ માદેકાનો આભાર માનતા રાજચંદ્ર ફાઉન્ડેશન અને રોટરી ક્લબના પદાધિકારી
સૌરાષ્ટ્રના હેલ્થ હબ બનેલા રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સવલત વધારવા માટે રોલેક્સ રિંગ્સ લિમિટેડ, રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર, અને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિક દર્દીઓ માટે વરદાન રૂપ એલ આર મશીનનું પીડીયુ હોસ્પિટલ બ્લડ બેન્ક ખાતે રવિવારે લોકાર્પણ કરાશે, ‘અબતક’ની મુલાકાતે આવેલા રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના કુણાલભાઈ મહેતા, જયદેવભાઈ શાહ, વિનયભાઈ જસાણી, ડોક્ટર પ્રતિકભાઇ અમલાણી અને દીપભાઈ ભોજાણીએ એલ આર મશીનના લોકાર્પણના કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટમાં શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લગભગ 500થી વધુ થેલેસેમિક બાળકોને નિયમિત લોહી ચલાવવાની કામગીરી થાય છે, ત્યારે થેલેસેમિક બાળકોને પ્યુરીફાઈડ અને માત્ર રક્તકણ જણાવી શકાય તેવા એલઆર મશીનની લાંબા સમયની જરૂરિયાતને ધ્યાને લઈ રોલેક્સ રિંગ્સ લિમિટેડ, રોટરી ક્લબ રાજકોટ ગ્રેટર અને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા થેલેસેમિક દર્દીઓ માટે વરદાન રૂપ એલઆર મશીનનું પીડીયુ હોસ્પિટલ બ્લડ બેન્ક ખાતે લોકાર્પણ કરવામાં આવશે.
રાજકોટની પી.ડી.યુ. સરકારી હોસ્પિટલની બ્લડબેંક ખાતે અંદાજે રૂ.25 લાખની કિંમતનું એલ આર મશીનનું અનુદાન કરવામાં આવ્યું છે. આ મશીનનું લોકાર્પણ 23 એપ્રિલ 2023 ને રવિવારે સવારે 10-30 કલાકે કરવામાં આવશે. આ લોકાર્પણ કાર્યક્રમનું પીડીયુ હોસ્પિટલ ખાતે આવેલી નર્સિંગ કોલેજના હોલમાં આયોજન કરવામાં આવ્યું છે. થેલેસેમીયા રોગમાં દર્દીના શરીરમાં લાલ રક્તકણો બનતા નથી. તેથી તેમને બહારથી લોહી આપવું પડે છે. બહારથી આપવામાં આવતા લોહીમાં લાલ અને સફેદ રકત કણો અને પ્લાઝમા સહિતના કમ્પોનન્ટ હોય છે. તેમાં સફેદ રક્તકણો હોય તો એ દર્દીની રોગપ્રતિકારક શક્તિ પર અસર કરે છે. જેને કારણે તાવ આવવો, ઠંડી ચડવી, ખંજવાળ આવવી વગેરે પ્રકારના એલર્જીક રીએકશન આવતા હોય છે. આ કારણે થેલેસેમીયા અને કેન્સરના દર્દીઓને લ્યુકો રીડયુસ બ્લડ આપવું પડે છે. જે હવે આ એલ આર મશીનની મદદથી શક્ય બનશે. આ મશીનની મદદથી ફક્ત લાલ રક્તકણો ને અલગ કરીને થેલેસેમિક બાળકોને લોહી આપવામા આવશે. જેથી તેમને રીએકશન ન આવે.
રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર અને શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશન છેવાડાના માનવીના આરોગ્ય માટે સતત ચિંતિત રહે છે. રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર આરોગ્ય ક્ષેત્રે લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહે છે. કલબની વિવિધ પ્રવૃતિઓની વિગત આપતા પ્રેસિડેન્ટ રોટેરીયન કુનાલ અશોકભાઇ મહેતા જણાવે છે કે કલબ દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલોમાં આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા પણ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. સંસ્થાના ચેરમેન વિનયભાઇ જસાણી જણાવે છે કે, શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતની મોટાભાગની સરકારી હોસ્પિટલોના લાભાર્થે સંખ્યાબંધ બ્લડ ડોનેશન કેમ્પસના આયોજન સમયાંતરે કરવામાં આવે છે. જેના માધ્યમથી હજારો લોકોને રક્તદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. રક્તદાનની આ પ્રવૃત્તિએ લાખો લોકોને નવું જીવન બક્ષ્ય છે.
થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન, ઓર્ગન ડોનેશન અવેરનેસ, ઉપરાંત જીવદયાના અનેક સેવાકીય કાર્યો ઉપરાંત મેડીકલ અને શૈક્ષણિક સહાય પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ બેંકમાં કોમ્પોનન્ટ મશીન અર્પણ કરવામાં આવ્યું છે. નજીકના ભવિષ્યમાં સરકારી હોસ્પિટલની બ્લડબેંક રકતદાતાનો સરળતાથી સંપર્ક કરી શકે તે પ્રકારનો સોફ્ટવેર તૈયાર કરી ને હોસ્પિટલને અર્પણ કરવામાં આવશે. સંસ્થાના ડો. પ્રતિક અમલાણી, ધવલભાઈ મહેતા, ભાવેશભાઇ જોશી તથા દીપ કોટેચા તમામ સેવાકીય પ્રવૃતિઓ માટે સદાય અગ્રેસર રહે છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના કુનાલ મહેતા, સેક્રેટરી અપુર્વ મોદી, અમિત રાજા, જયદેવ શાહ, શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનયભાઈ જસાણી, ડો.પ્રતિક અમલાણી, ધવલભાઈ મહેતા સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.