કથાકાર સતિષકુમાર શર્મા કૃષ્ણલીલાનું રસપાન કરાવશે: દ્વારકાધીશ પ્રભુનો પાટોત્સવ અને પ્રભુચરણ ગુંસાઈજીનો પ્રાગટયોત્સવ ઉપરાંત નંદ મહોત્સવ, વર્ણાંગી શોભાયાત્રા, સંગીત સંધ્યાના આયોજનો
રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગરોડ મવડી ચોકડી પાસે આવેલ શિવપાર્ક ખાતેની દ્વારકેશ ભવન હવેલીમાં બિરાજતાં દ્વારકેશ પ્રભુના પ્રથમ પાટોત્સવનાં પરિપ્રેક્ષ્યમાં આગામી તા.૨૯ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરી સુધીના આઠ દિવસ દરમ્યાન યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં શ્રીમદ ભાગવત કથા, દ્વારકાધીશ પ્રભુનો પ્રથમ પાટોત્સવ, પ્રભુચરણ ગુંસાઈજીનો પ્રાકટયોત્સવ તથા પૂ.પા.ગો. પ્રબોધકુમારજી મહારાજનો મંગલ ષષ્ટીપૂર્તિ પ્રસ્તાવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાશે, જેમાં વલ્લભકૂળના બાળકો તથા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વૈષ્ણવો, ભાવિકો વિશાળ સંખ્યામાં હાજરી આપીને અવસરનો લાભ લેશે.
આઠ દિવસના સમગ્ર ધર્માયોજનની વિસ્તૃત વિગતો આપતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા જણાવે છે કે શનિવાર, તા.૨૯ ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે આસ્થા રેસીડન્સીથી દ્વારકેશભવન હવેલી સુધીની વિશાળ શોભાયાત્રા વાજતે ગાજતે નીકળશે. તા.૩૦ ડિસે. રવિવારે ૧૦ વાગ્યે દ્વારકાધીશ પ્રભુનો પાટોત્સવ અને પ્રભુચરણ ગુંસાઈજીનો પ્રાકટયોત્સવ અંતર્ગત પલના, નંદ મહોત્સવ, સાંજે ૪ થી ૫ વરણાગી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરશે અને કથા મંડપમાં સમાપન થયા બાદ આપશ્રીના વચના મૃત બાદ ૫ થી ૭ દરમ્યાન શ્રીમદ ભાગવત કથા ૧૦મા સ્કંધની બાલલીલાઓનું શાસ્ત્રીજી સતિષકુમાર શર્માજી રસપાન કરાવશે.
વ્યાસપીઠેથી શર્માજી કથાનું રસપાન કરાવો કથાના પ્રથમ દિવસે વિરામ બાદ ઉપસ્થિત ભાવિકોને કુનવારા મનોરથ દર્શનનો લાભ મળશે.કથાના દ્વિતિય દિન સોમવાર, સવારે ૧૦ વાગ્યે પૂ. પા.ગો. ૧૦૮ પ્રબોધકુમારજી મહારાજનો મંગલ ષષ્ઠીપૂર્તિ પ્રસ્તાવ, કેશરીસ્નાન અને કથા વિરામબાદ પીળીધરા મનોરથ અને રાત્રે ૯.૩૦ વાગ્યે સંગીત સંધ્યાનો કર્ણપ્રિય કાર્યક્રમ યોજાશે. તા.૧,જાન્યુઆરીથી તા.૫ જાન્યુઆરીએ સમાપન થનાર ભાગવત કથાના વિરામ બાદ દરરોજ સાંજે દ્વારકેશ ભવન હવેલીમાં બિરાજતા સ્વરૂપોના મનોરથ દર્શનનો ભાવિકોને લાભ મળશે. તા.૧, મંગળવારે દાનલીલા મનોરથ, તા.૨ બુધવાર છાકલીલા મનોરથ, તા.૩ ગૂરૂવારે ગૌચારણ લીલા મનોરથ, તા.૪ શુક્રવારે રાજદરબાર મનોરથ અને કથા સમાપનમાં તા.૫ શનિવારે જરદોજી બંગલા મનોરથ દર્શન બાદ સત્સંગ ધર્માયોજનાનું સુચારૂ‚ સમાપન થશે. કથા દરમ્યાન દરરોજ સાંજે શ્રાતા સમુદાયને વચનામૃતનો લાભ મળશે.
આ ભગવતોત્સવના સફળ બનાવવા ગોંડલના ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુક, ચેતનાબેન વિઠલભાઈ રાદડીયા, ગુજરાતના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા અને રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે.
આયોજનને સફળ બનાવવા ગોવિંદભાઈ મકવાણાના નેતૃત્વમાં એપલ બેસનવાળા સુખાભાઈ કોટડીયા, વૈષ્ણવ શ્રેષ્ઠીઓ હસુભાઈ ડેલાવાળા, અંતુભાઈ સોની, શ્રીજી ગૌશાળાના સેવક વિનુભાઈ ડેલાવાળા, અરવિંદભાઈ પાયડીયા, ધોળકીયા સ્કુલના જીતુભાઈ, ગોપાલ નમકીનવાળા બિપીનભાઈ હદવાણી, કિર્તનકાર ચિરાગ મહેતા, મહેશભાઈ સોની, ભુપેન્દ્રભાઈ છાંટબાર, રાજુભાઈ વાગડીયા, માધવભાઈ ફીચડીયા, વગેરે સહયોગ આપી રહ્યા છે.
સમસ્ત વલ્લભીયજનો અને ભકતજનોને આ અલૌકિકત અવસરનો લાભ લેવા અનુરોધ કરાયો છે.