અલગ-અલગ મસાલા માર્કેટમાંથી ધાણાજીરું, તજ, કોકમફુલ જયારે મિસિસ રેસ્ટોરન્ટમાંથી વેજ કડાઈનો નમુનો લેવાયો
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના દેવપરા વિસ્તારમાં શ્રીભગવતી ડેવલોપર્સમાંથી લેવામાં આવેલા શ્રીકાંત પ્રિમીયમ ગાયના ઘીમાં વનસ્પતિ ઘીની હાજરી જોવા મળતા નમુનો પરીક્ષણમાં નાપાસ થયો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. અલગ-અલગ મસાલા માર્કેટમાંથી પણ આજે આરોગ્ય શાખા દ્વારા નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, ૨-દેવપરા સોસાયટીમાં શ્રી ભગવતી ડેવલોપર્સમાંથી શ્રીકાંત પ્રિમીયમ ગાયનાં ઘીનો નમુનો લેવામાં આવ્યો હતો. જેમાં વનસ્પતિ ઘીની હાજરી જોવા મળતાં સબ સ્ટાન્ડર્ડ અને મીસ બ્રાન્ડેડ જાહેર કરાયો છે. હવે વેપારી પાસેથી દંડ વસુલ કરવામાં આવશે. આજે આરોગ્ય શાખા દ્વારા આનંદનગર મેઈન રોડ પર આવેલી મસાલા માર્કેટમાંથી લુઝ ધાણાજીરું પાવડર, ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા ચોકડી પાસેની મસાલા માર્કેટમાંથી લુઝ કોકમપુલ અને લુઝ તજ જયારે યુનિવર્સિટી રોડ પર જલારામ-૪માં આવેલા મીસીસ રેસ્ટોરન્ટ એન્ડ ફાસ્ટફુડમાંથી પ્રિ-પેડ લુઝ વેજ કડાઈનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.