સૌનો સાથ, સૌનો વિકાસ
રામ મંદિરનું નિર્માણ માટે વડી અદાલતનો ચુકાદો, કેન્દ્ર સરકારનો ખરડો અને મુદ્દા સાથે જોડાયેલા તમામની સહમતી એમ ત્રણ વિકલ્પો જેમાં સર્વ સંમતિ સૌથી શ્રેષ્ઠ: આર્ટ ઓફ લીવીંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર
લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના મામલે વડી અદાલતમાં સુનાવણી ત્રણ મહિના સુધી ટાળવામાં આવી છે. ત્યારે આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર (આર્ટ ઓફ લીવીંગ ફાઉન્ડેશનના સ્થાપક)એ આહવાન કર્યું છે કે રામ મંદિર નિર્માણ સર્વ સંમતીથી કરવામાં આવે.
અયોધ્યામાં રામ મંદિરના મુદ્દાને ઉકેલવા માટે શ્રી શ્રી રવિશંકર ઘણા સમયથી પ્રયત્નશીલ છે. શ્રી શ્રી રવિશંકરે હિન્દુ અને મુસ્લીમ સમાજના વડાઓ તેમજ રાજકારણીઓને મળી રામ મંદિરનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. હાલ શ્રી શ્રી રવિશંકર અમદાવાદના નવા નિકોલ ખાતે વિવિધ ધાર્મિક પૂજનમાં ભાગ લેવા પહોંચ્યા છે. જયાં તેમણે કહ્યું હતું કે, રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ. આ માટે ત્રણ વિકલ્પો છે. જેઓ રામ મંદિરના મુદ્દે સંકળાયેલા છે તેઓની સહમતી જરૂરી છે. બીજો વિકલ્પ એ છે કે, વડી અદાલત આદેશ આપે અને ત્રીજો વિકલ્પ સરકારના ખરડાનો છે. જો કે, તમામની સહમતી બાદ વિવાદનો ઉકેલ આવે તે વધુ સારૂ રહેશે.
દિવાળીના તહેવારો દરમિયાન ધનવંતરી અને લક્ષ્મી પૂજન માટે શ્રી શ્રી રવિશંકર ગુજરાતના પ્રવાસે છે. આવતીકાલે તેઓ રાજકોટના મહેમાન બનવા જઈ રહ્યાં છે. ત્યારે રામ મંદિર મુદ્દે તમામ સમુદાયની સહમતી સાધવાનો તેમના મતને ઘણા લોકો આવકારી રહ્યાં છે. વર્તમાન સમયમાં રામ મંદિરનો મુદ્દો વડી અદાલતમાં ચાલી રહ્યો છે. તમામ પ્રકારની દલીલો થઈ રહી છે.
આર્ટ ઓફ લીવીંગ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અગાઉ પણ રામ મંદિર નિર્માણના વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી ચૂકયા છે. બન્ને પક્ષોના વડાઓને મળી તેમને રામ મંદિર નિર્માણ માટે સહમતી સાધવાનો પ્રયત્ન કર્યો છે. હાલ વિશ્ર્વ હિન્દુ પરિષદ, આરએસએસ અને સંતો સરકારને ખરડો પારીત કરી રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરવા માટે દબાણ કરી રહ્યાં છે. જો કે, મામલો વડી અદાલતમાં હોવાથી સરકાર અત્યારે કોઈ પ્રત્યુતર આપી રહી નથી. દરમિયાન ભાજપના જ કેટલાક મંત્રીઓ ખરડો ઘડી રામ મંદિર નિર્માણ ઝડપથી કરવા માટે તરફેણ કરી રહ્યાં છે.
આગામી લોકસભા ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો મુખ્ય બનશે આ માટે અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે.
ભારતીય જનતા પક્ષે રામ મંદિર નિર્માણનો મુદ્દો ચૂંટણી ઢંઢેરામાં ટાંકયો હતો. હાલ ભારતીય જનતા પક્ષ કેન્દ્રની સત્તામાં છે ત્યારે મંદિર નિર્માણ માટેનો માર્ગ મોકળો થઈ શકે છે. આ માટે વિવિધ સંગઠનો ખરડો પારીત કરવાનો વિકલ્પ સુચવી રહ્યાં છે ત્યારે બીજી તરફ શ્રી શ્રી રવિશંકરે પણ તમામની સહમતીથી રામ મંદિર નિર્માણ કરવાનું આહવાન કર્યું છે.
અયોધ્યામાં મંદિર નિર્માણ માટે મુસ્લીમ લઘુમતિના મુખિયાની પણ હિમાયત
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે હવે રાષ્ટ્રીય લઘુમતી પંચના વડા ઘાયોરૂલ હસન રિઝવીએ સહમતી દર્શાવી છે. તેમણે કહ્યું છે કે, હાલનું વાતાવરણ હિન્દુ અને મુસ્લીમ સમાજ વચ્ચે તંગદીલી ઉભી કરી રહ્યું છે. માટે રાષ્ટ્રીય લઘુમતી પંચ વડી અદાલતને ઝડપથી સુનાવણી કરવા માટે ભલામણ કરશે. હિન્દુ અને મુસ્લિમ સમાજ ભવિષ્યમાં શાંતિથી એક સાથે રહી શકે તે માટે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવું જોઈએ તેવો રિઝવીનો મત છે.
આગામી સપ્તાહમાં રાષ્ટ્રીય લઘુમતિ પંચની બેઠક મળવા જઈ રહી છે. જેમાં અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણના મુદ્દે વડી અદાલતને ઝડપથી સુનાવણી હાથ ધરવાની ભલામણ કરવા મામલે ચર્ચા થશે. કેન્દ્ર સરકાર આગામી સમયમાં ખરડો પારીત કરીને રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરે તેવો મત પણ રિઝવીએ વ્યકત કર્યો છે.