જોયસા શ્રીલંકન ક્રિકેટરોને ફિક્સિગંમાં જોડાવા તૈયાર કરતો હતો
શ્રીલંકાના બોલિંગ કોચ અને પૂર્વ તેજ બોલર નુઆને જોયસાને તેમના પદથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આઈસીસીએ તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ખુદ આઈસીસીએ જ તેની જાણકારી આપી છે. આઈસીસીએ આપેલા નિવેદન પ્રમાણે જોયસા પર ૩ કલમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોયસા પર મેચ ફિકસીંગ માટે, ખેલાડીઓને આઈસીસીના ભ્રષ્ટાચારના નિયમ તોડવા પ્રેરિત કરવા અને એન્ટી કરપ્શન યુનિટને સાચા જવાબ ન દેવાના ગંભીર આરોપી લગાવ્યા છે.
આઈસીસીએ જોયસા પાસેથી ૧૪ દિવસની અંદર જવાબ માંગ્યો છે. જેની શરૂઆત આજથી થઈ રહી છે. અગાઉ જોયસાની જેમ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સનથ જયસૂર્યા પર પણ આઈસીસીએ ભ્રષ્ટાચારના બે મામલા દાખલ કર્યા હતા. જયસૂર્યા સામે આઈસીસી ભ્રષ્ટાચારના બે કેસ દાખલ કર્યા છે. આઈસીસીના જણાવ્યા પ્રમાણે જયસૂર્યા પર કલમ ૨.૪.૬ અંતર્ગત મામલો દાખલ કરાયો છે. જેમાં ભ્રષ્ટાચાર વિરોધી શૃંખલા સાથે કોઈપણ જાતના સ્પષ્ટીકરણ વગર તપાસમાં સહયોગ નહીં કરવાનો તેમજ તે અંગેના દસ્તાવેજ પણ ન આપવાનો મામલો દાખલ કરાયો છે.
જોકે જયસૂર્યાએ આઈસીસીના બધા આરોપોને બેબુનીયાદ કહ્યા છે. શ્રીલંકાના મુખ્ય ક્રિકેટર રહી ચુકેલા ૪૯ વર્ષના ખેલાડીએ કહ્યું હતું કે, હું જણાવવા માંગુ છું કે મારા પર થયેલા આ આરોપો મેચ ફિકસીંગ, પીચ ફિકસીંગ કે કોઈ અન્ય ગતિવિધિઓ સાથે જોડાયેલ નથી. તેમણે કહ્યું કે, રમત સાથે જોડાયેલા મામલામાં હું હંમેશા સચ્ચાઈ અને પારદર્શિતાથી વર્તન કરુ છું અને આગળ પણ સાથ સહકાર આપીશ. ઉલ્લેખનીય છે કે એન્ટી કરપ્શન યુનિટના આરોપ બાદ શ્રીલંકન બોર્ડ તત્કાલ અસરથી જોયસાને સસ્પેન્ડ કરી દીધો છે અને તેની સામે તપાસ પણ શરૂ કરી છે. જોયસાને તેની પર મુકાયેલા આરોપોનો જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.