પોતાની ધરતી પર અપરાજીત દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવી શ્રીલંકાનો વિજય તિલક સાથે ટેસ્ટ સિરીઝ જીતે તેવી સંભાવના
દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને તેના ઘર આંગણે હજુ સુધી એક પણ દેશની ક્રિકેટ ટીમ ટેસ્ટ સીરીઝમાં હરાવી શકી નથી. ત્યારે શ્રીલંકાની ટીમને આ ઈતિહાસ સર્જવા ૧૩૭ રનની જરૂર છે. દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટમેચની સિરીઝમાં પહેલો મેચ શ્રીલંકાએ કુશળ પરેરાની શાનદાર બેટીંગથી જીત્યો હતો જે બાદ બીજા ટેસ્ટ મેચમા જીતની નજીક પહોચી ગયું છે. દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ પીચો તેમની ટીમને મદદરૂપ થાય તેવી બનાવે છે. જેથીઆ ટીમને તેના ઘર આંગણે હરાવવી મુશ્કેલ ગણાય છે. પહેલા દાવમાં ૨૨૨ રન બનાવનારી દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા દાવમાં ૧૨૮ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
જયારે, શ્રીલંકાએ પ્રથમ દાવમાં ૧૫૪ બનાવ્યા હતા. જેથી દક્ષિણ આફ્રિકાને ૬૮ રનની લીડ મળી હતી. પરંતુ દક્ષિણ આફ્રિકા બીજા દાવમાં માત્ર ૧૨૮ રન બનાવીને ખખડી ગઈ હતી. જેથી શ્રીલંકાને વિજય માટે ૧૯૭ રનની જરૂર હતી. જે બાદ, શ્રીલંકાએ બે વિકેટે ૬૦ રન બનાવી લેતા હવે શ્રીલંકાને ઈતિંહાસ સર્જવાથી માત્ર ૧૩૭ રન જ દૂર છે. મેચને નિર્ણાયક પળોમાં ચેલેન્જ સામે હાર સ્વીકારી લેવાની દક્ષિણ આફ્રિકાની ટીમની માનસિકતા આ મેચમાં પણ પૂરવાર થઈ હતી અને દક્ષિણ આફ્રિકાની ટીમ ફરીથી ચોકર્સ સાબિત થવા પામી હતી.