શ્રીલંકાએ છેલ્લી અને નિર્ણાયક વનડેમાં ભારતને 110 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણી 2-0થી કબજે કરી
સ્ટાર્સથી ભરપૂર ભારતીય ક્રિકેટ ટીમ 27 વર્ષ બાદ શ્રીલંકા સામે વનડે શ્રેણી હારી છે. શ્રીલંકાએ છેલ્લી અને નિર્ણાયક વનડેમાં ભારતને 110 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણી 2-0થી કબજે કરી. આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને સ્કોરબોર્ડ પર 248/7 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 26.1 ઓવરમાં માત્ર 138 રનમાં જ સમેટાઈ ગઈ હતી. શ્રીલંકાએ છેલ્લે 1997માં ભારત સામે વનડે શ્રેણી જીતી હતી. તે સમયે અર્જુન રણતુંગાની કપ્તાનીવાળી ટીમે સચિન તેંડુલકરની કમાન્ડવાળી ભારતીય ટીમને 3-0થી હરાવીને ક્લીન સ્વીપ કર્યું હતું.
ત્યારથી, ભારત અને શ્રીલંકા વચ્ચે 11વનડે શ્રેણી રમાઈ હતી અને તે તમામમાં ભારતીય ટીમનો વિજય થયો હતો. હવે 27 વર્ષ બાદ ભારતીય ટીમ વનડે શ્રેણી હારી છે. ભારતે નિયમિત અંતરે વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું હતું. કોઈપણ બેટ્સમેને ભાગીદારી બનાવવાનો પ્રયાસ કર્યો ન હતો. અંતે, જો વોશિંગ્ટન સુંદરે 30 રન બનાવ્યા ન હોત તો હારનું માર્જિન મોટું થઈ શક્યું હોત. ફરી એકવાર શ્રીલંકાના સ્પિનરોએ તેમને જીત તરફ દોરી ગયા. દુનિથ વેલાલેગે 5.1 ઓવરમાં 27 રન આપીને સૌથી વધુ વિકેટ લીધી હતી. જણાવી દઈએ કે, શ્રેણીની પ્રથમ મેચ રોમાંચક રીતે ટાઈ થઈ હતી જ્યારે બીજી મેચમાં શ્રીલંકાએ 32 રને જીત મેળવી હતી.
આખી શ્રેણીમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું. રોહિત શર્મા સિવાય કોઈના બેટથી રન ના આવ્યા. ભારતીય કેપ્ટન ત્રણ મેચમાં 157 રન બનાવીને ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. તેના સિવાય શુભમન ગિલ, વિરાટ કોહલી, શિવમ દુબે, શ્રેયસ અય્યર સહિતના દિગ્ગજોએ નિરાશ કર્યા. કેએલ રાહુલ, ઋષભ પંતે પણ તેમને મળેલી તકોને વેડફવામાં કોઈ કસર છોડી ન હતી. ત્રણેય મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ખૂબ જ ખરાબ રહી હતી. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પ્રથમ વનડે શ્રેણી હતી અને તે ચોક્કસપણે આ હારથી ખૂબ નારાજ હશે.