વારે વારે ન યોજાતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કાર્યક્રમમાં આયોજક વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાની ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીનો ટ્રિનિડાડમાં ક્વિન્સ પાર્ક ઓવલના મેદાન પર બુધવારથી પ્રારંભ થશે.
સત્તાવાર ટેસ્ટ ક્રિકેટ રમવાનો દરજ્જો મેળવવાના 36 વર્ષ બાદ શ્રીલંકાની ટીમનો કેરેબિયન ભૂમિ પરનો આ ફક્ત ચોથો પ્રવાસ છે અને પ્રથમ વેળા તેમાં બેથી વધુ મેચનો સમાવેશ કરાયો છે.
દસ વર્ષ અગાઉ પોતાના છેલ્લા પ્રવાસમાં માહેલા જયવર્દનેના સુકાન હેઠળ શ્રીલંકાની ટીમે ડ્રો નીવડેલી શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝની ભૂમિ પર પોતાનો પ્રથમ ટેસ્ટ વિજય નોંધાવ્યો હતો.
તે સાત મેચ દરમિયાન શ્રીલંકાએ પાકિસ્તાન સામે સંયુક્ત આરબ અમિરાતમાં 2-0થી ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો હતો તથા પ્રગતિ કરી રહેલા બંગલાદેશ સામે એટલા જ તફાવતે ઘરઆંગણે શ્રેણી જીતી હતી.પણ, કેટલાક મુખ્ય ખેલાડીની ગેરહાજરીના કારણે શ્રીલંકાની ટીમની આ વેળાના પ્રવાસ માટેની તૈયારીમાં ભંગ પડ્યો છે.
વધુમાં, 11 મહિનાના સમયમાં ઈંગ્લેન્ડમાં આઈ. સી. સી. વર્લ્ડ કપ રમાનાર હોવાથી કેટલાક સિનિયર ખેલાડીની માવજત માટે પણ શ્રીલંકા ચિંતાતુર છે.ઓપનિંગ બેટ્સમેન દિમુથ કરુનારત્ને તથા ફાસ્ટ બૉલરો દુશ્મન્થા ચમીરા અને નુવાન પ્રદીપ ઈજાના કારણે આગામી પ્રવાસમાં જોડાનાર નથી.
પોતાના પિતાશ્રી અને સ્થાનીક રાજકારણીની ગોળી મારી કરાયેલી હત્યાના કારણે ધનંજય ડી સિલ્વા શ્રીલંકાની ટીમ ગઈ 25મી મેએ પ્રવાસે જવા જ્યારે રવાના થઈ હતી ત્યારે જોડાઈ શક્યો ન હતો અને તે પાછળથી ટીમમાં જોડાનાર છે.
વધુમાં ડાબોડી સ્પિનર રંગના હેરાથ, ભઊતપૂર્વ સુકાની એન્જેલો મેથ્યુઝ અને મધ્યમ ઝડપી ગોલંદાજ સુરાન્ગા લકમલની આગામી ટેસ્ટ શ્રેણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની આશા રખાય છે, પણ શ્રીલંકાના સિલેક્ટરોએ તે ત્રણેની લાંબા સમય માટેની ફિટનેસ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. ત્રણ મેચની શ્રેણીમાં બીજી ટેસ્ટ સેન્ટ લુસિયા ખાતે અને ત્રીજી બાર્બેડોઝમાં રમાશે, કે જે વેસ્ટ ઈન્ડિઝમાં પ્રથમ દિવસ-રાત ટેસ્ટ મેચ બનશે.