- શુભમન ગીલને ટી20 વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો: રિયાન પરાગનો વનડેમાં સમાવેશ
શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવાઈ છે. કેપ્ટનશિપને લઈને વિવાદોના અહેવાલો વચ્ચે સુર્યકુમાર યાદવને ટી20 ટીમની કેપ્ટનશિપ સોંપી દેવાઈ છે. ત્રણ વનડે અને 3 ટી20 મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં વનડે શ્રેણી માટે રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.
બીજી તરફ ટી-20 સિરીઝ માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટી20 ટીમમાં હાર્દિક પંડ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે શુભમન ગીલને ટી20 વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રેયસ ઐયરની વાપસી થઈ છે અને રિયાન પરાગનો વનડેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમમાં શુભમન ગિલને ટી20 અને વનડે બંને માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે ગીલને ભવિષ્યની યોજનાઓમાં કેપ્ટનશિપ માટે તૈયાર કરવામાં આવી રહ્યોં છે. હાર્દિક પંડ્યાનો વનડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
હાર્દિક પંડ્યા માટે સંકટના વાદળો ઘેરાયા, પત્નીએ પણ ” છુટકારો” દીધો
ગુજરાતના ક્રિકેટ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા તથા નતાશા સ્ટેન્કોવિકે પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. બંનેએ બહાર પાડેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે બંનેએ સંબંધને ટકાવી રાખવા ’પૂરતા અને શક્ય’ પ્રયાસ કર્યા હતા, પરંતુ સાથે રહેવું શક્ય બન્યું ન હતું. આ પહેલાં એવી ચર્ચા હતી કે નતાશાની સોશિયલ મીડિયા પોસ્ટ્સથી બંને વચ્ચે સુમેળભર્યા સંબંધ ન હોવાના અણસાર ફોલોઅર્સને મળ્યા હતા. હાર્દિક અને નતાશાએ ડાયવોર્સની જાહેરાત કરી તેના અમુક કલાકો પહેલાં નતાશા મુંબઈના ઍરપોર્ટ પર દીકરા અગસ્ત્ય અને સામાનની સાથે જોવા મળ્યાં હતાં, જેના કારણે આ અટકળોને વેગ મળ્યો હતો. એટલું જ નહીં હાલ એ વાત સ્પષ્ટ છે કે હાર્દિક પંડ્યા માટે સંકટના વાદળો ઘેરાયા છે કારણકે તેને વન-ડેમાં તો સ્થાન
ન મળ્યું સાથોસાથ પત્નીએ પણ તેને છુટકારો આપી દીધો.
ભારતની ટી-20 અને વન-ડે ટીમ ટી-20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.
વન-ડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રાયન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.