રાજકોટ ખાતે આયોજિત જીપીબીએસ 2024 એક્સપોના ત્રીજા દિવસે રિન્યુએબલ સેક્ટરની બીટુબીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખાસ શ્રીલંકન સરકારના રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રીએ હાજરી આપી હતી તેમની સાથે સાથે શ્રીલંકન સરકારના અધિકારીઓ પણ રાજકોટ આવ્યા હતા. શ્રીલંકન સરકારે ગુજરાતનાં સોલાર પેનલ ઉત્પાદકો માટે લાલ જાજમ પાથરી હતી અને શ્રીલંકામાં સોલાર ઉત્પાદનોની નિકાસ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
સોલાર પેનલ ઉત્પાદકોને શ્રીલંકામાં સોલાર ફાર્મ સ્થાપવા સરકારે 68 સ્થળોની પસંદગી
શ્રીલંકન સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રીલંકા અને ભારત વચ્ચેના સંબંધોને કોઈ વ્યાખ્યા આપવાની જરૂર જ નથી. ભારત હંમેશાથી મોટા ભાઈની જેમ શ્રીલંકાની પડખે ઊભું રહ્યું છે. આજે જ્યારે શ્રીલંકા વિકાસના પંથ પર ડગ માંડી રહ્યું છે ત્યારે પણ ભારત શ્રીલંકાની સાથે રહે તે જરૂરી છે. આ માટે ભારતના ઉદ્યોગપતિઓ પોતાના ધંધાને શ્રીલંકામાં વિસ્તારે તે અનિવાર્ય છે. ભારત અને શ્રીલંકા આદિ-અનાદિકાળથી એકબીજાની સાથે સંબંધ ધરાવે છે. બંને દેશો વચ્ચે પુરા-પ્રાચીન યુગથી જ સંબંધો છે, શ્રીલંકા પણ ભારતની જેમ બ્રિટિશ-શાસન નીચે હતું. ભારતની આઝાદી પછી તે આઝાદ થયું ત્યારથી ભારત-શ્રીલંકા વચ્ચે રાજકીય સંબંધો છે આ સંબંધોને હાલ 75 વર્ષ પૂરાં થયાં છે. કે જે બંને દેશો માટે ગર્વની બાબત છે.
શ્રીલંકન સરકારના રાજ્ય કક્ષાના મંત્રી મિ. ઇન્ડિકા અનુરુદ્ધા વતી તેમના સેક્રેટરી એફ. કે. લિયાનગેએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રીલંકાની સરકાર ગુજરાતના સોલાર પેનલ ઉત્પાદકોને શ્રીલંકામાં સોલાર ફાર્મ સ્થાપવા માટે આવકારે છે. આ માટે તેઓ દ્વારા 68 જેટલા સ્થળોની પસંદગી કરવામાં આવી છે. હવે જ્યારે રિન્યુએબલ એનર્જી પર્યાવરણ બચાવવા માટેનો ઉત્તમ વિકલ્પ છે ત્યારે ભારતના રિન્યુએબલ એનર્જી સાથે સંકળાયેલા ઉત્પાદકો પોતાની પ્રોડક્ટને શ્રીલંકામાં નિકાસ કરે તેવી શ્રીલંકન સરકારના રાજ્ય કક્ષાના મંત્રી મિ. ઇન્ડિકા અનુરુદ્ધા દ્વારા વિનંતી કરવામાં આવી હતી. આ બેઠકમાં મોરેશિયશ, નાઈજીરિયા અને કિર્ગિસ્તાનના ભારત ખાતેના કાઉન્સેલર પણ હાજર રહ્યા હતા.
શ્રીલંકન સરકારના રાજ્ય કક્ષાના મંત્રી મિ. ઇન્ડિકા અનુરુદ્ધા દ્વારા ભારતીયોને નિકાસકારોને આકર્ષવા માટે અલગ અલગ પ્રકારની સબસિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ ભારતથી સોલાર પેનલ્સની નિકાસ એટલે કે શ્રીલંકામાં ભારતીય સોલાર પેનલ્સની આયાત કરવા માટેની સમગ્ર પ્રોસીઝર સિંગલ વિન્ડો કરવાની બાહેંધરી પણ આપી હતી.
શ્રીલંકાના ઊર્જા મંત્રી અને તેમનું ડેલિગેશન તથા મોરેશિયશ, નાઈજીરિયા અને કિર્ગિસ્તાનના ભારત ખાતેના કાઉન્સેલર GPBS 2024 એક્સપોની મુલાકાતે રાજકોટ આવ્યા તે માટે તેમનો સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયા, જી.પી.બી.એસ. પ્રમુખ હંસરાજભાઈ ગજેરા, સરદારધામના માનદ્દમંત્રી બી. કે. પટેલ, સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ પરેશભાઈ ગજેરા, જી.પી.બી.એસ. સલાહકાર મૌલેશભાઈ ઉકાણી, એકસ્પોના ઈવેન્ટ પાર્ટનર જીતેન્દ્રભાઈ કથીરિયા સહીત સમગ્ર આયોજક ટીમે આભાર વ્યક્ત કર્યો હતો. આ ઈવેન્ટને સફળ બનાવવા માટે જીપીબીએસ 2024 ના કોર્ડીનેટર વિશાલભાઈ આચાર્ય, નિલેશભાઈ જેતપરિયા, નરેન્દ્રભાઇ સંઘાત, રોનકભાઈ રૈયાણીએ જહેમત ઉઠાવી હતી.
એક્સ્પોથી ઇ 2 ઇ ઇન્કવાયરી ઘણી મળી : સમીર પોપટ
અબતક સાથેની વાતચીતમાં સ્નેક ઇટ ફૂડ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર સમીર પોપટ જણાવે છે કે, અમે બીટ કીટ નામથી બધી પ્રકારના ખાખરા જેવા કે હેલ્ધી ખાખરા,ગ્લુટેન ફ્રી ખાખરા,મલ્ટીગ્રેન ખાખરા બનાવીએ છીએ તથા મખાના,પીનટ્સ, ફ્લેવર્ડ પીનટ્સ વગેરે બનાવીએ છીએ.GPBSમાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે બી ટુ બી ઇન્કવાયરી પણ ઘણી મળી છે.
ખેડૂતોને અને પશુપાલકોને વધુ લાભ મળે તે માટે અમે આ કંપનીની શરૂઆત કરી : ગુલામ કાસિમ સેરસિયા
અબતક સાથેની વાતચીતમાં ગાવડીના ગુલામ કાસિમ સેરસિયા જણાવે છે કે,હાલના સમયમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્ર ડાઉન જઈ રહ્યું છે ત્યારે તેને વધુને વધુ પ્રોત્સાહન મળે અને ખેડૂતોને અને પશુપાલકોને વધુ લાભ મળે તે માટે અમે આ કંપનીની શરૂઆત કરી છે.GPBSની વાત કરીએ તો તેનાથી ખૂબ સારો અમને પ્રતિસાદ મળ્યો છે ખાસ વિદેશથી આવતા એક્ઝિબ્યુટર અમને મળ્યા છે જેથી અમને ખૂબ લાભ થવાનો છે.
GPBSમાં ધાર્યા બહારનું પરિણામ અને સપોર્ટ અમને મળ્યો છે :મેહુલભાઈ આજકિયા
અબતક સાથેની વાતચીતમાં મેહુલભાઈ આજકિયા જણાવે છે કે,અત્યારે અમારી પાસે ચાર પ્રોડક્ટ રેન્જ છે,જેમાં જલધી કોકોનટ વોટર, લીંબુ પાણી,લીંબુ સોડા અને કચા આમ શરબત જે તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે.અમારો પ્લાન્ટ વાવડી ખાતે સ્થિત છે તથા સમગ્ર ગુજરાતમાં 60થી પણ વધારે ડિસ્ટ્રીબ્યુટર છે.GPBSમાં ધાર્યા બહારનું પરિણામ અને સપોર્ટ અમને મળ્યો છે.
માર્કેટમાં ઘણી બ્રાન્ડ પરંતુ અમારી ક્વોલિટી સર્વશ્રેષ્ઠ : અભિષેક
અબતક સાથેની વાતચીતમાં વરદાની બ્રાન્ડના અભિષેક જણાવે છે કે,માર્કેટમાં અત્યારે આ ક્ષેત્રે ઘણી બધી કંપનીઓ કાર્યરત છે.પરંતુ અમે ક્વોલિટીમાં માનીએ છીએ અને આ ક્વોલિટીથી જ અમે જાણીતા બન્યા છીએ અમે પોતે પ્રોડક્ટ બનાવીએ છીએ પોતે ટેસ્ટ કરીએ છીએ અને અપ્રુવલ પછી જ માર્કેટમાં મૂકીએ છીએ અમારી પાસે બધી પ્રકારના મસાલા સ્પ્રેડ વગેરે પ્રોડક્ટ અમે બનાવીએ છીએ.
દ્વિપક્ષીય વ્યાપારે ભારત અને કિર્ગિસ્તાનના રાજદ્વારી સંબંધો મજબૂત બનાવ્યા: કિર્ગિસ્તાન કાઉન્સેલર
એક્સપો’ના ત્રીજા દિવસે એક્સપોની ખાસ મુલાકાતે કિર્ગિસ્તાન દેશના ભારત ખાતેના કાઉન્સેલર અઝમત સીદ બિલાવે પધાર્યા હતા. એક્સપોની મુલાકાત લઈને કિર્ગિસ્તાન દેશના ભારત ખાતેના કાઉન્સેલર અઝમત સીદ બિલાવે એક્સપોના આયોજનથી અત્યંત ખુશ થયા હતા અને તેમણે સરદારધામ સંસ્થાને એક્સપોના જબરદસ્ત આયોજન બદલ શુભકામના પાઠવી હતી. અઝમત સીદ બિલાવે વધુમાં જણાવ્યું હતું કે તેઓ ભરતાં છેલ્લા 2 વર્ષથી નિવાસ કરી રહ્યા છે. અને તેઓ ભારતના લોકોના વ્યવહારથી અભિભૂત થયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના મજબૂત મૂળિયાં જ ભારત દેશના વિકાસ માટે જવાબદાર છે. ફેમેલી વેલ્યૂઝનું સન્માન થતું હોવાથી ભારતના પરિવારો હંમેશા એકબીજાને સહાય કરતાં રહે છે જેનાથી બિઝનેસ સેક્ટરને પણ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ફાયદો થતો હોય છે. ભારત અને કિર્ગિસ્તાનને સદીઓથી સારા સંબંધો છે. બંને દેશો પરસ્પર હિતની ભાવના ધરાવે છે.
સિરામીક સેકટરમાં 500 કરોડથી વધુના એમઓયુ
રાજકોટ ખાતે હાલ સરદારધામ આયોજિત જીપીબીએસ 2024 એક્સપો ચાલી રહ્યો છે. જેમાં બીટુબી મીટીંગના પ્રથમ દિવસે 350 કરોડના સિરામિક પ્રોડક્ટ્સના સોદાઓ થયા હતા. આ મિટિંગમાં ભારતના 190 જેટલા સ્થાનિક સિરામિક ઉત્પાદકોએ દેશ-વિદેશથી આવેલા 200 જેટલા ગ્રાહકો સાથે બેઠક કરી હતી અને સિરામિક પ્રોડક્ટ્સના એક્સપોર્ટ અંગેના સોદાઓ કર્યા હતા. મીટીંગના કોર્ડીનેટર વિશાલભાઈ આચાર્ય અને નીલેશભાઈ જેતપરિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તારીખ 9ના રોજ યોજાયેલ મીટીંગના પાર્ટ-2 દરમિયાન ભારતીય સિરામિક ઉત્પાદક કંપનીઓને કૂલ 250 કરોડથી વધુનો સિરામિક પ્રોડક્ટ્સના નિકાસનો ધંધો કર્યો હતો. આમ બે દિવસની મીટીંગ બાદ 500 કરોડથી વધુના સોદાઓ થયા હતા.
હાલ, મોરબીમાં તૈયાર થઈ રહેલા સિરામિક ઉત્પાદનો અમેરિકા, ઓસ્ટ્રેલીયા, બાંગ્લાદેશ, તાઇવાન અને મધ્ય એશિયાના દેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યું છે પરંતુ જીપીબીએસ 2024માં આયોજિત બીટુબી મીટીંગની સફળતા બાદ ભારતીય સિરામિક ઉદ્યોગ માટે શ્રીલંકા તથા લેટિન અમેરિકાના દેશો ચીલી, મેક્સિકો અને ડોમેનિકન રિપબ્લિકનું બજાર પણ ખૂલ્યું છે. જે મોરબીના સિરામિક ઉદ્યોગને નવો વેગ આપશે.
એક્સ્પોના માધ્યમથી ભારત-મોરેશિયસના વ્યાપારમાં વધારો થશે : હેમાંડોયલ ડિલમ
એક્સપોની ખાસ મુલાકાતે મોરેશિયસ દેશના ભારત ખાતેના રાજદૂત એચ.ઇ. હેમાંડોયલ ડિલમ પધાર્યા હતા. એક્સપોની મુલાકાત લઈને મોરેશિયસના હાઇ કમિશનર હેમાંડોયલ ડિલમ એક્સપોના આયોજનથી અત્યંત અભિભૂત થયા હતા. હેમાંડોયલ ડિલમે વધુમાં જણાવતા કહ્યું હતું કે, ‘ભારત અને મોરેશિયસ ઇતિહાસ, વંશ, સંસ્કૃતિ, ભાષા અને હિંદ મહાસાગરના સહિયારા પાણીથી સંકળાયેલા છે, અને આ મજબૂત વિકાસ ભાગીદારી ગાઢ સંબંધોના મુખ્ય આધારસ્તંભ તરીકે ઉભરી આવી છે. કોવિડ રોગચાળા દરમિયાન ભારતના રસી મૈત્રી કાર્યક્રમ હેઠળ મોરેશિયસ દેશને ભારતે કોવિડની રસી મોકલી મદદ કરી હતી તે બદલ મોરેશિયસ દેશ આનંદ અને આભાર વ્યક્ત કરે છે.
વિકાસ તરફનો ભારતનો અભિગમ મુખ્યત્વે માનવતા કેન્દ્રી છે. ભારત માનવ જાતના કલ્યાણ માટે કાર્ય કરવા ઇચ્છે છે. ઇતિહાસે આપણને શિખવ્યું છે કે વિકાસલક્ષી ભાગીદારીના નામે મોટા રાષ્ટ્રો નાના રાષ્ટ્રોને પરાધીનતાની ભાગીદારીમાં ધકેલી દે છે. તેને કારણે જ વસાહતી વિસ્તારો અને શાસનોનો અસ્તિત્વમાં આવ્યા હતા. પરંતુ ભારતનો વ્યવહાર હંમેશા માનવતા કેન્દ્રી રહ્યો છે. તે ખૂબ જ પ્રશંશનિય બાબત છે.’