ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં થોડા સમયથી કડવાશ છે. બંને દેશો આર્થિક રીતે એકબીજાના હરીફ છે. જોક, ચીનએ થોડા મહિના પહેલાજ સરહદે કરેલી નાપાક હરકતના કારણે ભારત વધુ સતર્ક થઈ ગયું છે. ચીને ભારતની આસપાસના દેશોને સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરી પોતાના પક્ષમાં કેવાનો પ્રયત્ન કર્યો છે. જેના પરિણામ સ્વરૂપે તાજેતરમાં નેપાળ પણ ભારતને ડારા દેવા લાગ્યું હતું. અલબત્ત, સમયાંતરે ચીન સાથે કરેલી દોસ્તીનો ખ્યાલ ગમે તે દેશને આવી જ જતો હોય છે. આવું જ શ્રીલંકા સાથે બન્યું છે.
શ્રીલંકાએ ભારત સાથેના તેના સંબંધોને વધુ ગાઢ બનાવવા ઉપર ભાર મુક્યો છે. શ્રીલંકાના વિદેશ સચિવ જયનાથ કોલમ્બેજે કહ્યું છે કે શ્રીલંકા તટસ્થ વિદેશ નીતિ અપનાવવા માંગે છે, વ્યૂહાત્મક અને સુરક્ષાના મામલામાં ‘ભારત ફર્સ્ટ’ અભિગમ જાળવશે.
કોલમ્બસે એમ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ (ગોતાબાયા રાજપક્ષે)ના મત મુજબ વ્યૂહાત્મક સુરક્ષાની દ્રષ્ટિએ શ્રીલંકા ‘ભારત ફર્સ્ટ’ નીતિનું પાલન કરશે. શ્રીલંકા ભારત માટે વ્યૂહાત્મક સલામતીનું ધ્યાન રાખશે. ચીન જેવા દેશની મેલી રમતમાં ભારત સાથે શ્રીલંકાના સબંધો બગડે નહીં તેનું ધ્યાન રખાશે.
તેમણે ભારતના સંદર્ભમાં કહ્યું હતું કે, જ્યાં સુધી સલામતીની વાત છે ત્યાં સુધી તમે અમારી પ્રથમ અગ્રતા છો પરંતુ મારે આર્થિક સમૃદ્ધિ માટે અન્ય દેશો સાથે વધુ સારા સંબંધ બાંધવા પડશે.
કોલમ્બેજે જણાવ્યું હતું કે, તટસ્થ વિદેશ નીતિને આગળ વધારવા સાથે શ્રીલંકા ભારતના વ્યૂહાત્મક હિતોનું રક્ષણ કરશે. હેમ્બનટોટા બંદરને ચીનને 99-વર્ષના લીઝ પર આપવાનો નિર્ણય મોટી ભૂલ હતી.