આર.અશ્ર્વિન અને રવિન્દ્ર જાડેજાના સ્પીન એટેક સામે શ્રીલંકન બેટ્સમેનો ઘુંટણીયે: ફોલોઓન બાદ શ્રીલંકાએ બીજા દાવમાં પણ એક વિકેટ ગુમાવી દીધી: ભારત બીજી ટેસ્ટમાં પણ જીત ભણી
કોલંબો ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતે ખડકેલા ૬૨૨ રનના તોતીંગ લક્ષ્યાંક સામે શ્રીલંકાની ટીમ પ્રથમ દાવમાં માત્ર ૧૮૩ રનમાં જ ઓલઆઉટ થઈ જતા બીજી ટેસ્ટમાં ભારતની જીત નિશ્ર્ચિત થઈ ગઈ છે. ફોલોઓન બાદ બીજા દાવ માટે મેદાનમાં પડેલી શ્રીલંકાની ટીમે એક વિકેટ ગુમાવી દીધી છે. રવિચંદ્રન અશ્ર્વીન અને રવિન્દ્ર જાડેજાના સ્પીન એટેક સામે શ્રીલંકન બેટ્સમેનો રીતસર ઘુંટણીયે પડી ગયા છે. ટેસ્ટના હજૂ પુરા બે દિવસ બાકી હોય ભારતની જીત નિશ્ર્ચિત મનાઈ રહી છે.કોલંબો ખાતે ગત ૩જી ઓગસ્ટથી શ‚ થયેલી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેતેશ્ર્વર પુજારા અને અંજીકયે રહાણેની શાનદાર સદી, કે.એલ.રાહુલ, અશ્ર્વિન, રિધીમાન સહા અને રવિન્દ્ર જાડેજાની અર્ધી સદીની મદદથી ભારતે પ્રથમ દાવમાં ૯ વિકેટના ભોગે ૬૨૨ રનનો તોતીંગ લક્ષ્યાંક ખડકી પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.ભારતના તોતીંગ લક્ષ્યાંકને જોઈને શ્રીલંકન બેટ્સમેનોનું મનોબળ જાણે તૂટી ગયું હોય તેમ ટેસ્ટના બીજા દિવસે પ્રથમ દાવમાં જ શ્રીલંકાએ માત્ર ૫૦ રનમાં પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. કોલંબો સ્ટેડિયમની પીચે આજે સવારથી ટર્ન લઈ લીધો હતો. રવિચંદ્રન અને રવિન્દ્ર જાડેજાની ફિરકી સામે તમામ શ્રીલંકન બેટ્સમેનો રીતસર ડાન્સ કરતા નજરે પડયા હતા. આજે શ્રીલંકાનો પ્રથમ દાવ માત્ર ૧૮૩ રનમાં સમેટાઈ ગયો હતો. ભારત વતી અશ્ર્વિને ૬૯ રન આપી પાંચ વિકેટ, જાડેજાએ ૮૪ રન આપી ૨ વિકેટ, મહમદ શામીએ માત્ર ૧૩ રન આપી ૨ વિકેટ અને ઉમેશ યાદવે ૧૨ રન આપી ૧ વિકેટ ઝડપી હતી.ભારતને પ્રથમ દાવના આધારે ૪૩૯ રનની તોતીંગ લીડ મળી હતી. પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને ફોલોઓન ન કરનાર ભારતીય સુકાની વિરાટ કોહલીએ આજે બીજી ટેસ્ટમાં શ્રીલંકાને પ્રથમ દાવમાં ફોલોઓન કરી બીજી વખત દાવમાં ઉતાર્યું હતું. ૪૩૯ રનના પહાડી દેવા સાથે મેદાનમાં ઉતરેલી શ્રીલંકાની બીજા દાવમાં શ‚આત પણ ખરાબ રહી હતી. ટીમનો સ્કોર માત્ર ૭ રને પહોંચ્યો હતો ત્યારે થરંગા ૨ રનના વ્યક્તિગત સ્કોરે ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કરુણારત્ને અને મેન્ડીસે લંકાની ટીમનો રકાશ ખાળ્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે શ્રીલંકાની ટીમે ૨૧ ઓવરમાં એક વિકેટના ભોગે ૮૯ રન બનાવી લીધા છે. બીજી વિકેટ માટે કરુણારત્ને અને મેન્ડીસ વચ્ચે અણનમ ૮૨ રનની ભાગીદારી નોંધાઈ ચૂકી છે.ત્રણ ટેસ્ટની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ગાલે ખાતે રમાઈ હતી. જેમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. બીજી ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયા નિશ્ર્ચીત જીત ભણી આગળ ધપી રહી છે. બીજી ટેસ્ટમાં જીત સાથે ભારત ત્રણ ટેસ્ટની શ્રેણીમાં પણ વિજય બની જશે.