ઓસ્ટ્રલિયાને પ્રથમ વખત ઇનિંગ્સથી ટેસ્ટમાં હરાવ્યું: ડેબ્યુ મેચ રમી રહેલા જયસૂર્યાએ મેચમાં 12 વિકેટ ખેરવી
શ્રીલંકા-ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં છેલ્લા સેશનમાં નાંટકીય વણાંક બાદ ઓસ્ટ્રેલિયાને લંકાએ ચિત્ત કર્યું છે.શ્રીલંકાના યુવા લેફ્ટ આર્મ સ્પિનર પ્રભાત જયસુર્યાની જોરદાર બોલિંગના સહારે શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને ઇનિંગ્સ અને 39 રનથી પરાજય આપ્યો છે. આ સાથે જ બે ટેસ્ટ મેચની સિરિઝ 1-1 ની બરાબરી પર રહી હતી. શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં પહેલી વખત ઇનિંગ્સના અંતરથી હરાવ્યુ છે. રાજકીય અને આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકાના લોકો માટે આ જીત રાહત સમાન છે.
ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઇનિંગમાં 364 રન કર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ દિનેશ ચંદીમલના 206 રનના સહારે 554 રન ફટકારીને 190 રનની મહત્વની લીડ મેળવી હતી. 190 રનના દેવા સાથે ઉતરેલી ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ 151 રન પર સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગમાં 6 વિકેટ ઝડપનાર પ્રભાત જયસુર્યાએ બીજી ઇનિંગમાં પણ 6 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. આમ, ઓસ્ટ્રેલિયાની મેચના ચોથા જ દિવસે હાર થઈ હતી.બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો શ્રીલંકાના યુવા સ્પિનર સામે ટકી શક્યા નહોતા. ટીમના પાંચ બેટ્સમેનો તો ડબલ ફિગર્સ સુધી પહોંચી શક્યા નહોતા. ઓસ્ટ્રેલિયાતરફથી બીજી ઇનિંગમાં સૌથી વધુ રન માર્નસ લાબુશેનનાં 32 રન છે. આ પછી ઉસ્માન ખ્વાજાએ 29 રન કર્યા હતા. ડેવિડ વોર્નરે 24 રન કર્યા હતા, અને કેમરુન ગ્રીને 23 રન કર્યા હતા. પહેલી ઇનિંગમાં સદી ફટકારનાર સ્ટિવ સ્મિથ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.મેચમાં કુલ 12 વિકેટ ઝડપીને પ્રભાત જયસુર્યાએ શ્રીલંકા તરફથી ડેબ્યુ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા 2020-21માં પ્રવિણ જયવિક્રમાએ બાંગ્લાદેશ સામે મેચમાં કુલ 11 વિકેટ ઝડપી હતી. ડેબ્યુ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભારતના નરેન્દ્ર હિરવાણી અને બોબ મૈસીના નામે (16-16 વિકેટ) છે.