અનંત પ્રેમ અને આધ્યાત્મની યાત્રા
દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીજીની ભવ્ય શોભાયાત્રામાં ભકતોનું ઘોડાપૂર ઉમટયું
મોક્ષદ્વાર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત વિધિથી સામૈયું કરાયુ
માધવપુર ઘેડ મેળાના પાંચમા અને અંતિમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીનો વિવાહ પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણની જાન વાજતે ગાજતે આવી પહોંચી હતી. જેને ઉમળકાભેર આવકારવા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં દ્વારકાના નગરજનો, સામાજિક સંસ્થાઓ વગેરેએ ઉત્સાહભેર સહભાગી થઈ ભગવાન શ્રી કૃષ્ણ તથા રુક્ષ્મણીજીનું ભાવભીનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
માધવપુર ઘેડથી આવેલી ભગવાન શ્રી કૃષ્ણની જાનનું દ્વારાવતી મોક્ષદ્વાર (હાથી ગેટ) ખાતે આગમન થતાં જ આહિર સમાજ દ્વારા પરંપરાગત વિધિથી સામૈયું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કિર્તી સ્તંભ ખાતે મોચી સમાજ, પ્રજાપતિ સમાજ અને સતવારા સમાજ દ્વારા આનંદ ઉલ્લાસ સાથે શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું.
આ શોભાયાત્રા દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા હતા.
આ શોભાયાત્રા જગત મંદિરથી જોધાભા માણેક ચોક ખાતે પહોંચી હતી. જ્યાં વાઘેર સમાજ, ચારણ સમાજ અને સમસ્ત સાધુ સમાજ દ્વારા આવકારવામાં આવી હતી. તિનબતી ચોક ખાતે લુહાર સમાજ, દરજી સમાજ, ખારવા સમાજ, હોટેલ એસોશીએશન, શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ ભદ્રકાલી ચોકમાં રઘુવંશી સમાજ, ક્ષત્રિય સમાજ તેમજ ટ્રાવેલ્સ એસોશીએશન દ્વારા જ્યારે રબારી ગેટ ખાતે રબારી સમાજ, અનુસૂચિત જાતિ સમાજ અને વાલ્મિકી સમાજ દ્વારા રથને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.
ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીની શોભાયાત્રા રુક્ષ્મણીજી મંદિર ખાતે પહોંચતા મંદિરના પૂજારી અને પુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રૂક્ષમણી મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ દ્વારકા સર્કિટ હાઉસ પાછળ દરિયાકિનારે નવ વિવાહિત યુગલ એવા શ્રી કૃષ્ણ- રુક્ષમણીજીના ભવ્ય સત્કાર સમારોહનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજન કરાયું હતું. જેમાં ઉત્તર પૂર્વ રાજ્યો સહિત ગુજરાતના વિવિધ કલાકારોએ રંગારંગ સાંસ્કૃતિક નૃત્યો સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેને બહોળી સંખ્યામાં નાગરિકોએ મન ભરીને માણી હતી.
આ શોભાયાત્રામાં ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલ, સહાયક નિયામક યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વીરેન્દ્ર પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક પૃથ્વીરાજસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલીયા, તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર, મામલતદાર સહિતના જોડાયા હતા.
ઉત્તર-પૂર્વીય અને ગુજરાત રાજ્યના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જમાવ્યો અનેરો રંગ
ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજીના વિવાહ સત્કાર સમારોહમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, આસામ સહિત ગુજરાત રાજ્યના 200થી વધુ કલાકારો સહભાગી થયાં હતાં અને મનમોહક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં ત્રિપુરાના કલાકારો દ્વારા સંગ્રેઈન નૃત્ય, તૂરી બારોટ કલાકારો દ્વારા મીર્ચી નૃત્ય, આસામના બોડો જનજાતિના કલાકારો દ્વારા દશોરી ડેલાઈ લોકનૃત્ય, જામનગર તથા બોટાદના કલાકારો દ્વારા રાસ-ગરબા, નાગાલેન્ડના કલાકારો દ્વારા ઓ નોક્ષી નૃત્ય, દ્વારકાના કલાકારો દ્વારા મિશ્ર રાસ, દેવભૂમિ દ્વારકા તથા જૂનાગઢના કલાકારો દ્વારા તલવાર રાસ, પોરબંદર તથા જુનાગઢના કલાકારો દ્વારા મણિયારો રાસ, અરુણાચલ પ્રદેશના કલાકારો દ્વારા રીખમપાડા નૃત્ય તેમજ કાર્યક્રમના અંતે તમામ કલાકારો દ્વારા ફિનાલે ફ્યુજન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.જે સમગ્ર કાર્યક્રમને ઉપસ્થિત સૌ કોઈએ મનભરીને માણ્યો હતો.