- નેક્સસ ક્લબ કૌભાંડના SRCના ડાયરેક્ટર-ઈજનેરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
- પોલીસે ડાયરેક્ટર હરીશ કલ્યાણી અને ઈજનેર આત્મારામ ભૂલચંદાણીની કરી ધરપકડ
- પોલીસે બંને આરોપીના રિમાન્ડ મેળવી કૌભાંડની કડી વધુ કડીઓ મેળવવા અંગે તપાસ હાથ ધરી
- રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગાંધીધામ: નેક્સસ ક્લબ કૌભાંડના SRCના ડાયરેક્ટર-ઈજનેરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. એસ.આર.સી. દ્વારા બનાવવામાં આવેલા સિંધુ ભવનમાં લીઝ ઉપર અપાયેલી નેક્સસ ક્લબના સંચાલન મુદ્દે પોલીસે ડાયરેક્ટર અને ઈજનેરની ધરપકડ કરાતાં ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસે બંને આરોપીના રિમાન્ડ મેળવી કૌભાંડની કડી વધુ કડીઓ મેળવવા અંગે તપાસ હાથ ધરી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી સુભાષચંદ્ર જમનાપ્રસાદ સ્વામીએ આરોપીઓ જીતુ હરકિશન ચંદનાની, હરશિન એમ. ચંદનાની, ગુલ ગોપાલદાસ દરિયાણી, માધુરી ગુલ દરિયાણી અને આર.ઓ.એફ.ના એમ.સી. પ્રજાપતિ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓએ મિલ્કત પચાવી પાડવા માટે બનાવટી કરાર કરી ફોર્મ જી બનાવી રજિસ્ટ્રાર ઓફ ફોર્મસમાં વેલ્યુએબલ સિક્યુરિટી તરીકે રજૂ કરી કબજો મેળવવા કારસો રચ્યો હતો. આ કેસમાં તપાસનીશ અધિકારી દ્વારા એસ.આર.સી.ના ડાયરેક્ટરો અને કર્મચારીઓને નિવેદન માટે બોલાવાયા હતા. ગત મોડી સાંજે ડાયરેક્ટર હરીશ પેરૂમલ કલ્યાણી અને સિનિયર એક્ઝિક્યુટીવ એન્જિનીયર આત્મારામ ભૂલચંદાણીની ધરપકડ કરી હતી. તપાસનીશ અધિકારી અંજારના નાયબ પોલીસ વડા મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, બંને આરોપીઓની સંડવણી સ્પષ્ટ થતા ધરપકડ કરાઈ હતી. રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાશે તેવું તેમણે ઉમેર્યું હતું. જો કે, જે પાંચ આરોપી સામે ફરિયાદ થઈ છે, તે તમામ આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે.
અહેવાલ: ભારતી માખીજાણી