ભારતને આવતા અઠવાડિયે કોરોના સામેની જંગમાં વેક્સિનના રૂપમાં ત્રીજુ હથિયાર મળી શકે છે. રશિયામાં તૈયાર થયેલી સ્પુતનિક વી વેક્સિન આવતા અઠવાડિયાથી ભારતમાં મળી શકે છે. નીતી આયોગની સ્વાસ્થ્ય સમિતિના સદસ્ય વી કે પોલે કહ્યું કે, સ્પુતનિક વેક્સિન ભારત પહોંચી ગઈ છે. મને આ કહેતા આનંદ થાય છે અને આશા છે કે, આવતા અઠવાડિયાથી તે બજારમાં ઉપલબ્ધ થશે. અમને આશા છે કે આવતા સપ્તાહથી રશિયા તરફથી મર્યાદિત પુરવઠો વેચાણ માટે ઉપલબ્ધ થશે. પોલે કહ્યું કે, આ વેક્સિનની વધુ ખેપ આવશે. તેમણે કહ્યું કે જુલાઇથી ભારતમાં સ્પુતનિક વી રસીનું ઉત્પાદન પણ શરૂ થવા જઈ રહ્યું છે.
ભારતમાં સ્પુતનિક વેક્સિનના 15.6 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. હાલમાં દેશમાં અત્યાર સુધીમાં લગભગ 18 કરોડ કોરોના વેક્સિન આપવામાં આવી છે. અમેરિકામાં સૌથી વધુ 26 કરોડ રસીનનો ડોઝ આપવામાં આવ્યો છે. કોરોના રસીના મામલે ભારત ત્રીજા સ્થાને છે. પોલે કહ્યું કે,અમને આનંદ છે કે, 45 વર્ષથી વધુ ઉંમરના ત્રીજા ભાગના લોકોને કોરોનાથી સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. 45 વર્ષ કે તેથી વધુ વયના લોકોમાંથી 88 ટકા લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. આવી સ્થિતિમાં, આ વય જૂથના લોકોને વેક્સિન આપવી જરૂરી હતી અને તેના પર જ ફોકસ કરવામાં આવ્યું છે.
બીજી તરફ, આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી, લવ અગ્રવાલે કહ્યું છે કે, દેશના 187 જિલ્લાઓમાં છેલ્લા 2 અઠવાડિયામાં કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. યુપી, દિલ્હી જેવા રાજ્યોએ પોઝિટિવિટી રેટ ઘટાડ્યા છે. આ સિવાય બિહારમાં પણ પરિસ્થિતિમાં સુધારો થયો છે અને સક્રિય કેસની સંખ્યામાં એક લાખનો ઘટાડો થયો છે.