કોરોના વિરોધી રસીના અબજો રૂપિયાથી બજાર સર કરવાની અમેરિકા, ચીન, બ્રિટન અને રુસ વચ્ચે ચાલતી હરિફાઈમાં રશિયાનું માર્કેટીંગ સફળ: ૧૨૦ કરોડ ડોઝનો મળ્યો ઓર્ડર
વિશ્વના આર્થિક મંચ ઉપર મહાસત્તાઓ વચ્ચે અત્યારે ‘વેપાર’ ક્ષેત્રના પ્રભુત્વની ચાલતી લાંબા સમયથી સ્પર્ધામાં ફરી એકવાર રશિયા બળવતર પુરવાર થયું છે અને રશિયા માટે ‘કોરોના’ વિરોધી રસી ‘સ્પુટનિક-વી’ વધુ એકવાર શુકનવંતી પુરવાર થઈ છે. રશિયાને સ્પુટનિક-વીના ૧૨૦ કરોડ ડોઝનો ઓર્ડર મળી જતાં રશિયા માટે કોરોનાનો આ કાળ વેપારી દ્રષ્ટિએ લાભકારી બન્યો છે. રશિયા અને સ્પુટનિક નામને દાયકાઓ જુનો સંબંધ છે. અગાઉ વર્ષો પહેલા સ્પુટનિક નામનો ઉપગ્રહ અવકાશમાં તરતો મુકી રશિયાએ અવકાશ ક્ષેત્રે તેના નજીકના હરિફ ગણાતા અમેરિકા અને ચીનને મહાત આપી હતી. ફરીથી આ જ સ્પુટનિક નામથી રશિયાએ પોતાના પ્રભુત્વનો પરચો હરિફોને આપ્યો છે.
સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના મહામારીના સંક્રમણથી માનવજાત ઝઝુમી રહી છે. હજુ સુધી આ બીમારીના એન્ટીંડોટ બજારમાં આવ્યા નથી. કોરોનાની રસી બનાવવા માટે ચીન, અમેરિકા, બ્રિટન, રશિયા લાંબા સમયથી પ્રયત્નશીલ હતા ત્યારે રશિયાએ આ એન્ટીડોટ તૈયાર કરી તેના સફળ પરિક્ષણનો તબક્કો પુરો કરી કોવિડ-૧૯ વાયરસ તરીકે સ્પુટનિક-વીને વિશ્વ આરોગ્ય સંસ્થાની મંજૂરી મેળવી લેવામાં સફળતા મેળવી છે. દુનિયામાં સ્પુટનિક-વી કોરોના ઈલાજ તરીકે પ્રથમ હાથવગી દવા બની છે. રશિયાએ આ ઉપલબ્ધીને રોકડ લાભમાં રૂપાંતર કરવાની તક ઝડપી લીધી છે. રશિયાએ મધ્યપૂર્વ દક્ષિણ અમેરિકા, એશિયાના ૧૦થી વધુ દેશો સાથે સ્પુટનિક-વીના ૧૨૦ કરોડ ડોઝ વેંચવાના કરાર કરી લીધા છે.
વોલ સ્ટ્રીટ જનરલમાં જાહેર થયેલા અહેવાલમાં રશિયાએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે, ભારત, સાઉદી અરેબીયા, મેક્સિકો, બ્રાઝીલ સહિતના અન્ય કુલ ૧૦ જેટલા દેશોને ૧૨૦ કરોડ સ્પુટનિક-વીના ડોઝનો ઓર્ડર મળ્યો છે. અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના રસીની બુલંદ માંગ ઉભી થઈ છે ત્યારે રશિયાએ ઝડપથી આ રસીનો આવિષ્કાર કરીને ૧૨૦ કરોડ ડોઝનો ઓર્ડર મેળવી અબજો રૂપિયાનો આર્થિક લાભ મેળવીને રશિયાએ ફરી એકવાર સ્પુટનિકના સહારે પોતાના વેપાર અને ક્ષમતાને આભે પહોંચાડી દીધી છે. ભારત સાથે રશિયાએ અગાઉ જ સ્પુટનિક-વીના ઉત્પાદન અને તેના વેંચાણ માટે હાથ લંબાવ્યા છે. સ્પુટનિક-વીના વેંચાણ અને પુરવઠા પહોંચાડવા માટે ભારતને ભાગીદાર બનાવી રશિયાએ અગાઉ જ ભારતની મિત્રતાનું ઋણ ચૂકવ્યું હતું.
સ્પુટનિક-વી માટે રશિયાએ ભારતની ભાગીદારીને અગાઉ જ મહત્વ આપ્યું હતું
રશિયાએ બનાવેલી સ્પુટનિક-વી કોરોના વિરોધી રસીની સમગ્ર વિશ્વમાં ભારે માંગ થાય તે સ્વાભાવીક છે. રશિયાએ અગાઉ ભારત સાથે હાથ મિલાવીને વિશ્વની કુલ માંગના ૬૦ ટકાથી વધુ ઉત્પાદન ભારતમાં કરવાનું અને ભારતના માધ્યમથી જ એશિયા અને આફ્રિકાના મોટાભાગના દેશોમાં આ રસી પહોંચાડવા માટે ભારતનો સહારો લીધો હતો. ભારત સ્પુટનિક-વીના નિર્માણ અને વેંચાણ માટે ભારતને મહત્વ આપીને મિત્રતાનું ઋણ ચૂકવ્યું હતું.