સૌરાષ્ટ્રમાં બીજા નંબરની સૌથી મોટી ટીપી સ્કીમનું ક્ષેત્રફળ ૩૬૮ હેકટર: ૧૮ મીટરથી લઈ ૬૦ મીટર સુધીના રસ્તા બનશે: ટીપી સ્કીમનો વિસ્તાર ૧૫.૨૪ કિલોમીટરનો, ૪૭ અનામત પ્લોટની લંબાઈ ૯.૯૫ લાખ ચોરસ મીટર અને રોડ-રસ્તાનું ક્ષેત્રફળ ૫.૦૫ લાખ ચોરસ મીટર.
કેન્દ્ર સરકાર દ્વારા શહેરના ૧૦૦ શહેરોમાં સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે. મહાપાલિકા દ્વારા સ્માર્ટ સિટી માટે રૈયા વિસ્તારમાં સ્પેશિયલ ટીપી સ્કીમ નં.૩૨ તૈયાર કરવામાં આવી છે. આજે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ અને ચીફ ટાઉન પ્લાનીંગ ઓફિસર સમક્ષ આ ટીપી સ્કીમને મંજુરી અર્થે રજુ કરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટની પસંદગી સ્માર્ટ સિટી માટે કરવામાં આવ્યા બાદ મહાપાલિકા દ્વારા તા.૧૧/૮/૨૦૧૭ના રોજ શહેરના રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી માટે સ્પેશિયલ ટીપી સ્કીમ બનાવવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. ટીપી સ્કીમ નં.૩૨ (રૈયા) ૯ માસમાં તૈયાર કરવાની હતી દરમિયાન મહાપાલિકાની આ ટીપી સ્કીમ તૈયાર કરવા માટે વધારાનું ૩ માસનું એકસટેન્શન આપવામાં આવ્યું હતું. આજે ટાઉન પ્લાનીંગ શાખાની ટીમ દ્વારા ગાંધીનગર ખાતે રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ અને ચીફ ટાઉન પ્લાનીંગ ઓફિસર સમક્ષ ટીપી સ્કીમ નં.૩૨ (રૈયા)ને મંજુરી અર્થે રજુ કરી દેવામાં આવી છે. આ ટીપી સ્કીમ સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી ટીપી સ્કીમ બની રહેશે જેનો વિસ્તાર ૩૬૭ હેકટર છે. ટીપી સ્કીમનું ક્ષેત્રફળ ૧૫.૨૪ કિલોમીટરમાં વિસ્તરેલું છે. જેમાં નાનામાં નાનો રોડ ૧૮ મીટરનો અને સૌથી મોટો રોડ ૬૦ મીટર સુધીનો રહેશે. આ ટીપી સ્કીમમાં કુલ ૪૭ અનામત પ્લોટ રહેશે. જેનું ક્ષેત્રફળ ૯.૯૫ લાખ ચો.મી. છે. ટીપી સ્કીમના અલગ-અલગ રસ્તાનું કુલ ક્ષેત્રફળ ૫.૦૫ લાખ ચો.મી. રહેશે.
આ ટીપી સ્કીમને આજે રાજય સરકારમાં મંજુરી અર્થે રજુ કરી દેવામાં આવી છે. સરકારની મંજુરી બાદ અહીં સ્માર્ટ સિટીને લગતા પ્રોજેકટ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવશે.