યુ-ટ્યુબ પર ચેનલો ચાલુ કરીને પ્રેસનાં નામે ચરી ખાવાના મલીન ઈરાદા ધરાવતા કહેવાતા પત્રકારો તેમજ લોકોને ભરમાવીને પ્રેસ કાર્ડ વહેંચી પૈસા ખંખેરતા લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપતા જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા
મોરબી જિલ્લા માં છેલ્લા ઘણા સમય થી લે ભાગુ તત્વો દ્વારા બોગસ પ્રેસ કાર્ડ બનાવી ૫ હજાર થી ૧૦ હજાર સુધી ની રકમ ખંખેરી લેતા હોવાનું પોલીસ સામે આવતા એસ.પી કરનરાજ વાઘેલા એ લાલ આંખ કરી પ્રજાને આગળ આવી આવા લેભાગુ તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધવાનું જણાવ્યું છે છેલ્લા ઘણા સમય થી પોલીસ દંડ અને ટોલનાકા થી બચવા માટે પ્રેસ કાર્ડનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પ્રેસ કાર્ડનો બેફામ વેપલો ચાલી રહ્યો છે. લેભાગુ તત્વો લોકોને ભરમાવીને રૂ. એક હજારથી લઈને દસ હજાર સુધીમાં પ્રેસકાર્ડ વેચી રહ્યા છે. ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. અને જો આવો કોઈ બનાવ સામે આવે તો પોલીસ ફરિયાદ નોંધાવવા તેઓએ જાહેર અપીલ કરી છે. મોરબીમાં હાલ ઠેક ઠેકાણે વાહનો ઉપર પ્રેસ લખાયેલું જોવા મળી રહ્યું છે. બાઈકથી લઈને ટ્રક સુધીના વાહનોમાં પ્રેસના સ્ટીકર લગાવેલા જોવા મળે છે. જેની પાછળ હકકિતમાં લેભાગુ તત્વોની મેલી મુરાદ કામ કરી રહી છે. ઘણા દૈનિક, સાપ્તાહિક, પખવાડીક કે માસિક પત્રિકા ધરાવતા તેમજ તેની સાથે સંકળાયેલા લેભાગુ તત્વો લોકોને ભરમાવીને ફોસલાવીને પ્રેસ કાર્ડ રાખવાથી પોલીસ દંડ ન ફટકારે તેમજ ટોલ પણ ન ભરવો પડે તેવી પટ્ટી પઢાવીને પૈસા ખંખેરીને પ્રેસકાર્ડ વેચે છે. હકીકતમાં પ્રેસ કાર્ડ માત્ર જે તે મીડિયા હાઉસના કર્મચારીનું ઓળખ પત્ર હોય છે. પરંતુ લેભાગુ તત્વો લોકોને આ કાર્ડ રૂ. ૧ હજારથી લઈને રૂ. ૧૦ હજારમાં વેચે છે.
હાલ મોરબી જિલ્લામાં કારખાનામાં કામ કરતા કર્મચારીથી માંડીને વિવિધ ક્ષેત્રે જોડાયેલા કર્મચારીઓ પ્રેસ કાર્ડ ધરાવે છે. એક વાત એવી પણ પ્રકાશમાં આવી છે. કે કોઈ ચોક્કસ ક્ષેત્રના કર્મચારીના એસોસિએશનની મીટિંગ મળી હતી. જેમાં રૂ. ૬ હજાર લેખે પ્રેસકાર્ડ વેચવામાં આવ્યા હતા. ખરેખર પ્રેસકાર્ડ ટોલ પ્લાઝામાં કે પોલીસના દંડથી બચવામાં ચાલતા નથી. માટે લોકોએ આવા લેભાગુ તત્વોની વાતમાં આવીને છેતરાવું જોઈએ નહીં. પ્રેસકાર્ડ પૈસાથી ખરીદવા પણ ગુનો બને છે. જેથી આ અંગે લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. જો કે આ મામલે જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ હરકતમાં આવીને જણાવ્યું છે કે પ્રેસકાર્ડ હોવાથી ટ્રાફીકના દંડ કે ટોલ ટેક્સથી બચી શકાતું નથી. કાયદા તમામ લોકો માટે સરખા જ છે. પ્રેસકાર્ડ વેંચતા આવા લેભાગુ તત્વો સામે લોકો ફરિયાદ દાખલ કરે. જેથી પોલીસ તેઓની સામે કાર્યવાહી હાથ ધરશે.
રાજકોટમાં પણ પ્રેસ કાર્ડનો બેફામ વેપલો, પોલીસ કયારે જાગશે ?
રાજકોટમાં પણ પ્રેસ કાર્ડનો બેફામ વેપલો ચાલી રહ્યો છે. લેભાગુ તત્વો સોશિયલ મીડિયામાં ચેનલો બનાવીને કે ચોપાનીયા શરૂ કરીને રૂા.૧૦૦૦ થી લઈને ૧૦,૦૦૦ સુધીમાં પ્રેસ કાર્ડનું વેચાણ કરે છે.
લોકો આ પ્રેસ કાર્ડ ખરીદીને પોલીસ કે અન્ય તંત્ર સામે રોફ જમાવવાનો પ્રયાસ પણ કરે છે. આ સમગ્ર કૌભાંડ નજર સામે જ થઈ રહ્યું છે ત્યારે રાજકોટ પોલીસે સમાજમાં સુલેહ, શાંતી તેમજ પોલીસ તંત્ર સ્વતંત્રતાથી કામ કરી શકે તે માટે બોગસ પત્રકારો સામે કાર્યવાહી કરવાની તાતી જરૂર છે.
યુ-ટયુબ પર કોઇપણ પ્રકારની અનઓથોરાઇઝડ રીતે ચેનલો ચલાવીને મીડિયાના ડોળ કરતા લોકો તોળબાજી સહિતની પ્રવૃતિઓ કરી રહ્યા છે.
વધુમાં રાજકોટમાં ઠેક-ઠેકાણે જોવા મળતા વાહનો ઉપર પ્રેસ લખેલું નજરે ચઢે છે ત્યારે પોલીસ તેઓની સામે પણ લાલ આંખ કરે તે જરૂરી છે.
એસ.પી.એ સાચા પત્રકારોને સ્માર્ટકાર્ડ આપ્યા, પત્રકારો અને પોલીસના ટયુનીંગમાં મોરબી રોલ મોડેલ
મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ પોતાની આગવી શુઝબુઝથી જે સાચા પત્રકારો છે તેઓને સ્માર્ટકાર્ડ ઈસ્યુ કરી આપ્યા છે. જેથી બોગસ પત્રકારોને સરળતાથી ઓળખી શકાય. વધુમાં એસ.પી.એ પોલીસ અને પત્રકારો વચ્ચેના ટયુનીંગમાં મોરબીને સમગ્ર રાજયમાં રોલ મોડેલ બનાવી આપ્યું છે. અન્ય જિલ્લાઓએ પણ મોરબી જિલ્લામાંથી ઘણુ શીખવા જેવું છે. એસ.પી.એ બોગસ પત્રકારો સામે જે ઝુંબેશ છેડી છે તે સરાહનીય છે બાકીના જિલ્લાઓમાં પણ પોલીસ દ્વારા આ રીતની ઝુંબેશ છેડાય તો કહેવાતા પત્રકારો સમાજને નડતા બંધ થઈ શકે છે.
બોગસ પત્રકારો ઉપર દરોડાની કાર્યવાહી પણ કરાશે: ડો.કરનરાજ વાઘેલા
મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા ઉપર ચેનલો બનાવીને મીડિયાનો ડોળ ઉભો કરીને ચરી ખાવાનું કામ કરતા કહેવાતા પત્રકારોની અનેક ફરિયાદો મળી છે ઉપરાંત પ્રેસ કાર્ડનો વેપલો થતો હોવાનું પણ ધ્યાને આવ્યું છે. હકિકતમાં પ્રેસ કાર્ડથી પોલીસના દંડ કે ટોલ ટેકસથી બચી શકાતું નથી તેમ છતાં ઘણા લેભાગુ તત્વો લોકોને ભરમાવીને પ્રેસ કાર્ડનો વેપલો કરી રહ્યા છે આવા તત્વો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી હાથ ધરવાની છે. પોલીસ દ્વારા દરોડા પાડીને લેભાગુ તત્વો તેમજ બોગસ પત્રકારો સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.