ચૂંટણી પૂર્વે સમાજવાદી પાર્ટીની રણનીતિમાં આડખીલી રૂપ બનતું આવકવેરા વિભાગ, પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તે પૂર્વે જ સપાના વિધાન પરિષદના સભ્યના ઘરે આઈટીની રેડ
અબતક, નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં ઇલેક્શન માથે છે. તેવામાં જ સમાજવાદી પાર્ટીના સપના ચકનાચૂર થઈ રહ્યા છે. સપાની કમર તોડી નાખવા આવકવેરા વિભાગના દરોડા ઉપર દરોડા પડી રહ્યા છે. અગાઉ પિયુષ જૈનને ત્યાં દરોડા પડ્યા બાદ હવે સપાના વિધાન પરિષદના સભ્યના ઘરે આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ કન્નૌજ પહોંચે તે પહેલા આવકવેરા વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમ અખિલેશના ઘરે પહોંચી, જેની સાથે એસપી વિધાન પરિષદના સભ્ય અને પરફ્યુમના વેપારી પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્પી સવારે 7 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા.
આવકવેરા વિભાગની ટીમ કન્નૌજ, હાથરસ, કાનપુર, લખનૌ, મુંબઈ, નોઈડા સહિત અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. ખાસ વાત એ છે કે અખિલેશ યાદવે જાહેરાત કરી હતી કે અમે શુક્રવારે કન્નૌજમાં પમ્પી જૈન સાથે પ્રેસ કોન્ફરન્સ કરીશું. આ પ્રેસ કોન્ફરન્સ પહેલા જ આવકવેરા વિભાગે પમ્પી જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી સપા નારાજ છે.
સપાએ કહ્યું, ‘છેલ્લી વખતની ભારે નિષ્ફળતા પછી, આ વખતે ભાજપના અંતિમ સહયોગી ઈન્કમ ટેક્સે આખરે સપા એમએલસી પુષ્પા રાજ જૈન અને કન્નૌજના અન્ય પરફ્યુમ વેપારીઓના સ્થાન પર દરોડા પાડ્યા છે. યુપી ચૂંટણીમાં ડરેલી ભાજપ દ્વારા કેન્દ્રીય એજન્સીઓનો ખુલ્લેઆમ દુરુપયોગ સામાન્ય બાબત છે.
તાજેતરમાં ડીજીજીઆઈ અમદાવાદે કન્નૌજ સ્થિત પરફ્યુમના વેપારી પીયૂષ જૈનના કાનપુર ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 197 કરોડ રૂપિયા રોકડા અને 23 કિલો સોનું મળી આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ પીયૂષ જૈનનું કનેક્શન સપા સાથે જોડ્યું હતું. પીયૂષ જૈનના બહાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ નેતાઓ પોતાની રેલીમાં અખિલેશ પર નિશાન સાધી રહ્યા છે. આવકવેરા વિભાગના દરોડા દરમિયાન સપા એમએલસી પમ્પી જૈન ઘરમાં હાજર હતા. એક તરફ યુપીનું ઇલેક્શન આવી રહ્યું છે. બીજી તરફ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની રણનીતીને આર્થિક રીતે તોડી પાડવા આઇટીનું ગ્રહણ લગાવવામાં આવ્યું છે.