રાજકોટ શહેરમાં રખડતા ડાઘિયા શ્વાનનો ફરી આતંક સામે આવ્યો છે. જેમાં શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વોકડા નજીક રખડતા પાંચથી સાત શ્વાને ચાર વર્ષની માસુમ બાળકી ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનિકોનો દ્વારા આક્ષેપ કરતા કહેવામાં આવ્યું હતું કે, અનેક રજૂઆત છતાં વોકળાની સફાઈ અને શ્વાનના આતંક અંગે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.જેના કારણે આજે આ માસુમનો જીવ ગયો છે.
જંગલેશ્વર વિસ્તારમાં રખડતા સાત શ્વાને 4 વર્ષની માસૂમ ઉપર હુમલો કરી બચકા ભરી જીવ લીધો : માસૂમ દીકરીના મોતથી પરિવારમાં અરેરાટી
શ્વાનના આતંક અંગે તંત્ર દ્વારા ઘણા સમયથી કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપો
વિગતો મુજબ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે પરપ્રાંતીય પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી પોતાના ઘર નજીક હતી. ત્યારે અચાનક 7 શ્વાનનું ટોળું તેની પાછળ આવી અચાનક હુમલો કરી ફાડી ખાધી હતી. જેને લઇને પરપ્રાંતીય પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી મુન્ની સલીમભાઈ સૈયદનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણ થતા આસપાસના લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને પોલીસને જાણ કરવામાં આવતા ભક્તિનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જ્યારે પોલીસે સ્થળ પર પહોંચી આસપાસના લોકોની પૂછપરછ કરી ઘટના અંગે માહિતી એકત્રીત કરી હતી. બાદમાં બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. સલીમભાઈ સૈયદ પરિવાર સાથે રાજકોટમાં આવી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સંતાનમાં એક દીકરી અને એક દીકરો હતો. જેનું આજે શ્વાન દ્વારા ફાડી ખાવામાં આવતા માસુમનું મોત નિપજતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, બાજુમાં વોકળો આવેલો છે. નોનવેજ રેસ્ટોરાંના સંચાલકો નોનવેજનો એઠવાડ અહીંયા ઠાલવતા હોવાથી ગંદકી પણ ખૂબ જ ફેલાઈ છે. આ એઠવાડ ખાવા માટે એક સાથે સાતથી આઠ શ્વાન અહીંયા આવતા હોય છે. આ માટે શ્વાનથી બચીને ચાલવું પડે છે. બાળકોને એકલા મૂકી શકાતા નથી. અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી.