નોરતાની પૂર્વ સંઘ્યાએ વરસાદ પડતા ચિંતા કરી રહેલા રાસોત્સવના આયોજકોની ચિંતા હળવી કરતી આગાહી
નવરાત્રીની પૂર્વ સંઘ્યાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઇ દોઢ ઇંચ સુધી વરસાદ પડવાના કારણે પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવના આયોજકો અને રાસ રસિકોના ચહેરા પર ચિંતાની લકીર ખેંચાય જવા પામી છે. જો કે આયોજકો અને ખેલૈયાની ચિંતા હળવી કરતી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ દરમ્યાન રાસોત્સવમાં વિઘ્ન ઉભુ કરે તેવો વરસાદ પડવાની સંભાવના નહિવત છે. ત્રીજા નોરત સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.
ગુજરાતમાં 118 ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો હોવા છતાં મેઘરાજા હજી કેડો મૂકતા નથી. ભાદરવા મહિનાના અંતિમ દિવસે એટલે કે નોરતાના આગલા દિવસે પણ સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઇ દોઢ ઇંચ સુધી વરસાદ પડયો હતો. પ્રાચીન અને અર્વાચિન રાસોત્સવના આયોજકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. આગામી ત્રીજા નોરતે પણ હળવાથી મઘ્યમ વરસાદથી આગાહી આપવામાં આવી છે.
રાજકોટમાં નવરાત્રી પર્વની પૂર્વ સંઘ્યાએ અનેક સ્થળોએ વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી સૂર્યનારાયણ પુર બહારમાં ખીલ્યા હતા. દરમિયાન સાંજે અચાનક મેઘરાજા વરસી પડયા હતા. શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર અર્થાત જુના રાજકોટમાં અધા ે ઇંચ વરસાદ પડયો હતો. રસ્તા પર પાણી વહેતા થઇ ગયા હતા. જો કે ન્યુ રાજકોટમાં વરસાદનું જોર ઓછું હોવાના કારણે અર્વાચીન રાસોત્સવના આયોજકો અને ખેલૈયાઓએ મોટી મુશિબતનો સામનો કરવો પડયો ન હતો.
નવરાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના તદ્દન નહિવત છે આગામી દિવસોમાં વાતાવરણ સુકુ રહેશે. આગામી ર8મી સપ્ટેમ્બરના રોજ ખેડા, આણંદ, પંચ મહાલ, દાહોદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ પડે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગઇકાલે સાંજે વરસાદ પડયા બાદ આજે સવારે સૂર્ય નારાયણ પુર બહારમાં ખીલતા મોટાભાગના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી સુકાય ગયા છે. રાસ રસિકોએ કોઇ તકલીફ વેઠવી પડે તેવું લાગતું નથી. ગઇકાલે ભાવનગરના તળજામાં જયારે રાજકોટમાં અર્ધોઇંચ વરસાદ વરસી ગયો હતો. રાસોત્સવના આયોજકો અને ખેલૈયાઓ ચિંતામુકત રહે કારણ કે નવરાત્રિમાં મેઘરાજા કોઇ વિઘ્ન ઉભુ કરે તેવી સંભાવના જણાતી નથી.