ઓનલાઈન ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધારાશે, ચાલુ નાણાંકીય વર્ષમાં જ 20 થી 30% ગ્રોથ થવાનું અનુમાન’
અત્યારે શેરી, ગલીઓની રમતો ભૂતકાળ બની છે. મોબાઈલ અને કોમ્પ્યુટરની ગેમ્સનો ક્રેઝ ચરમસીમાએ પહોંચ્યો છે. જેને પગલે ગેમિંગ ક્ષેત્રના અચ્છે દિન શરૂ થઈ ગયા છે. લોકોની રમત રમતમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીના લોકો ધનકુબેરો બની રહ્યા છે.એક રિપોર્ટ મુજબ આ ક્ષેત્ર ચાલુ વર્ષે જ નવી એક લાખ નોકરીઓનું સર્જન કરવાની છે.
ચાલુ નાણાકીય વર્ષ ગેમિંગ ક્ષેત્ર માટે સારું રહેવાની ધારણા છે. ટીમલીઝ ડિજિટલ દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીનો ગ્રોથ 20 થી 30% થઈ શકે છે. આ સાથે રિપોર્ટમાં 1 લાખ નવી નોકરીઓ મળવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ નોકરીઓ પ્રોગ્રામિંગ, ટેસ્ટિંગ, એનિમેશન અને ડિઝાઇન સહિત વિવિધ સેગમેન્ટની હશે.
ટીમલીઝ ડિજિટલે તેના રિપોર્ટ ગેમિંગ: ટુમોરોઝ બ્લોકબસ્ટરમાં દાવો કર્યો છે કે આ વર્ષે ગેમિંગ ક્ષેત્રમાં 50,000 લોકોને સીધી રોજગારી આપતી તથા અન્ય મળીને એક લાખ નવી નોકરીઓનું સર્જન થવાની ધારણા છે. હાલમાં આ ક્ષેત્રમાં પચાસ હજારથી વધુ લોકો સીધી રીતે રોજગારી મેળવે છે. તેમાંથી, 30% કર્મચારીઓ પ્રોગ્રામરો અને ડેવલોપર્સ છે. રિપોર્ટ અનુસાર, આગામી વર્ષમાં પ્રોગ્રામિંગ (ગેમ ડેવલપર્સ, યુનિટી ડેવલપર્સ), ટેસ્ટિંગ (ગેમ ટેસ્ટ એન્જિનિયરિંગ, ક્યુએ લીડ), એનિમેશન (એનિમેટર), ડિઝાઇન (મોશન ગ્રાફિક ડિઝાઇનર, વર્ચ્યુઅલ રિયાલિટી ડિઝાઇનર), કલાકાર (વીએફએક્સ અને કોન્સેપ્ટ) કલાકારો) અન્ય (સામગ્રી લેખક, ગેમિંગ રિપોર્ટર, વેબ વિશ્લેષક) સેગમેન્ટની નોકરીઓનું સર્જન કરશે.
ઓનલાઈન ગેમિંગમાં ગેમ્બલિંગનું પણ દુષણ વધ્યું
હાલ ઓનલાઈન ગેમિંગ ક્ષેત્ર ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. પણ આમાં ગેમ્બલિંગ ગેમ્સનું પ્રમાણ પણ વધી રહ્યું છે. લોકો પૈસા કમાવવાની લાલચે આવી ગેમ્સ રમવા પ્રેરાય છે અને પછી પોતાના પૈસા ગુમાવે છે. આવી ગેમ્સ અત્યારે મોટા પ્રમાણમાં બની રહી છે. આ દુષણ ઉપર સરકારનો અંકુશ રહે તે જરૂરી છે. સરકાર આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી રહી છે.
ગેમિંગ સેકટરમાં મળે છે ઉત્તમ પગાર પેકેજ
સેલરી પેકેજની વાત કરીએ તો ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ વેતન ગેમ પ્રોડ્યુસર (રૂ. 10 લાખ વાર્ષિક), ગેમ ડિઝાઈનર (6.5 લાખ વાર્ષિક), સોફ્ટવેર એન્જિનિયર (5.5 લાખ વાર્ષિક), ગેમ ડેવલપર્સ (5.25 લાખ વાર્ષિક) આપવામાં આવે છે. વપરાશકર્તાઓની વધતી સંખ્યા અને રોજગારીની તકોને કારણે, ગેમિંગ ઉદ્યોગ આવનારા સમયમાં દેશમાં સૌથી ઝડપથી વિકસતો ઉદ્યોગ બનશે.
2026 સુધીમાં ગેમિંગ ક્ષેત્રની અઢી ગણી વૃદ્ધિ થશે
ટીમલીઝ ડિજિટલના સીઈઓ સુનિલ ચેમ્મનકોટિલે જણાવ્યું હતું કે, “ગેમિંગ સેક્ટર વર્તમાન નાણાકીય વર્ષ 23 સુધીમાં 1 લાખ નવી નોકરીઓનું સર્જન કરશે અને 2026 સુધીમાં 2.5 ગણી વૃદ્ધિ થવાની ધારણા છે, તેમ છતાં નિયમનમાં સતત ફેરફારો અને પડકારોનો સામનો કરવો પડે છે.”
ગેમિંગ ક્ષેત્ર સૌથી ઝડપથી વિકસતો ઉદ્યોગ
ટીમલીઝ ડિજિટલ બિઝનેસ હેડ-સ્પેશિયલાઇઝ્ડ સ્ટાફિંગ મુનિરા લોલીવાલાએ જણાવ્યું હતું કે ગેમિંગ ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 23 સુધીમાં તેમાં 20-30% વૃદ્ધિ થવાની ધારણા છે, જે 2026 સુધીમાં રૂ. 38,097 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. 480 મિલિયન મજબૂત ગેમિંગ સમુદાય સાથે ભારત વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે છે. દેશમાં આ ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે અને તેમાં રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે.
ચાલુ વર્ષે આ ક્ષેત્રને રૂ.780 કરોડનું એફડીઆઈ મળવાની શકયતા
હાલમાં, આવકની દ્રષ્ટિએ, ભારત વિશ્વના સૌથી મોટા ગેમિંગ માર્કેટ ઇન્ડેક્સમાં 6 માં નંબર પર છે. રિપોર્ટ અનુસાર, ભારતની આવક લગભગ 17,24,800 કરોડ રૂપિયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023 સુધીમાં આ ક્ષેત્રને 780 કરોડ રૂપિયાનું એફડીઆઈ મળવાની આશા છે.