સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર પાછળ રૂ.35 કરોડથી વધુનું આંધણ પરંતુ મોટાભાગની રમતમાં કાયમી કોચ ઉપલબ્ધ નથી
એક બાજુ આંતર કોલેજ સ્પર્ધા ચાલી રહી છે ત્યારે ક્રિકેટ – ફૂટબોલ સહિતના મેદાનોમાં ગોઠણસમુ ઘાસ ઉગી નીકળતા મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે
કેન્દ્ર-રાજય સરકાર દ્વારા ખેલો ઈન્ડીયા અંતર્ગત વધુને વધુ ખેલાડીઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ચિત્ર કંઈક અલગ પડતુ હોય તેમ રમત ગમતનાં મેદાનોમાં જાળવણીના અભાવે ગોંઠણ સમા ઘાસ ઉગી નીકળ્યા છે.ક્રિકેટ-ફૂટબોલ સહિતના જુદા જુદા મેદાનોમાં હાલ ખેલાડીઓ રમત રમી શકે તેવી હાલતમાં મેદાનો નથી એક બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધા ચાલી રહી છે. તેવામાં જ યુનિવર્સિટીનાં મેદાનોની કંગાળ પરિસ્થિતિ જોવા મળતા હાલ જાળવણી કરનાર કોન્ટ્રાકટર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીએ કરોડોના ખર્ચે રમત ગમતના મેદાનો અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ તો બનાવી દીધા પરંતુ જાળવણીના અભાવે મેદાનો પડતર છે. જિમ્નેશિયમના સાધનો પડતર હાલતમાં છે. મોટાભાગના તો ખરાબ થઈ ગયા છે. લાખોના ગાદલા સડી ગયા છે. ટેનીસની નેટ ફાટી ગઈ છે. બેડમિન્ટનની કોર્ટ ફાટી જતા ખેલાડીઓને રમવા ખુબજ મુશ્કેલી થઈ રહી છે.
બીજી બાજુ વાત કરવામાં આવે તો યુનિવર્સિટીમાં હજુ સુધી એકપણ કાયમી અને કાબિલ કોચ પણ ઉપલબ્ધ નથી જેના કારણે ખેલાડીઓને પૂરતુ માર્ગદર્શન મળી રહ્યું ન હોવાને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગોલ્ડ મેડલથી આટલા વર્ષોથી વંચિત રહી છે.યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પલેક્ષનો ખેલાડીઓ કરતા ખુબ યુનિવર્સિટીનાં જ કર્મચારીઓ, અધ્યાપકો, સતાધીશો મનોરંજન માટે ઉપયોગ કરી રહ્યા છે.છેલ્લા ત્રણેક વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર પાછળ કરોડોનો ખર્ચ કર્યો છે. પરંતુ એકપણ રમતમાં કાયમી કોચ ઉપલબ્ધ નથી.
હાલમાં યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધા ચાલી રહી છે. યુનિવર્સિટી પાસે તમામ રમતો માટેના મેદાનો ઉપલબ્ધ છે. પરંતુ કયાંક ને કયાંક જાળવણીના અભાવે ખેલાડીઓ રમતો રમી શકે તેવું શકય બનતું નથી. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ સ્પોર્ટસની મીટીંગ મળી હતી. જેમાં તમામ રમતો માટે કોચ નિમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે આ વાત માત્ર કાગળ પૂરતી હોય જુ સુધી કોઈ નકકર નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે જાળવણીના અભાવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનોમાં જાળવણી ન થતી હોવાના લીધે યુનિ.ના અધિકારી અને મેઈન્ટેન્સ કોન્ટ્રાકટરો પર સવાલ ઉભા થઈ રહ્યા છે.
ઈન્ડોર સ્ટેડિયમ બાદ આઉટ ડોર સ્ટેડિયમની જાળવણી કરાશે: શારીરિક શિક્ષણ નિયામક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો. મીનાક્ષીબેને ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, હાલમાં યુનિવર્સિટીનાં જે ઈન્ડોર સ્ટેડીયમો આવલેા છે.તેની જાળવણી અને સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. બાદમાં તમામ આઉટડોર સ્ટેડીયમમાં સફાઈ અભિયાન શરૂ થશે. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, વર્ષો જુના પડી રહેલા સાધનોનું પણ હાલ મેઈન્ટેનસ કરવામાં આવી રહ્યું છે. અને જે ડેડસ્ટોકને નિકાલ કરવાનું કામ ચાલી રહ્યું છે. ઉપરાંત મોટાભાગના ગ્રાઉન્ડ નવા બનવા માટેની પણ અરજી મૂકી છે. આગામી ટુંક સમયમાં તમામ ગ્રાઉન્ડનું નવીનીકરણ પણ હાથ ધરવામાં આવશે.