રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી
ભગવતીપરામાં રોડ શોમાં ઇન્દ્રનીલ રાજગુરૂનો દબદબો: વોર્ડ નં.4માં મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ભાજપ અને આપ ઉપર ચાબખા: વિકાસના નામે ભાજપે પ્રજાની આંખે પાટા બાંધ્યા છે: દેશમાં વિનામૂલ્યે તબીબી અને શિક્ષણ સુવિધા એક માત્ર કોંગ્રેસે આપી છે: આપનાં સંગઠન મંત્રી ચેતન સોરઠિયા કોંગ્રેસમાં જોડાયા
મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ કોંગ્રેસનાં રાજકોટ પૂર્વના જાગૃત ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. તેમણે જે રીતે પ્રજાનો આવકારો મળી રહ્યો છે તે જોઇને ખુદ ઇન્દ્રનીલ રાજગુરૂ પણ ગદગદિત થઇ ગયા છે. તેમણે કહ્યું છે કે, તે આ વિસ્તારને નમૂનેદાર બનાવવા માટે કટીબધ્ધ છે.
રાજકોટ-68 એટલે કે પૂર્વ મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરુને પ્રચંડ લોકસમર્થન મળી રહ્યું છે. ઉમેદવારીપત્રો પાછા ખેંચાઈ ગયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને તેમના પ્રચારે સ્પીડ પકડી છે. જુદા જુદા વિસ્તારમાં તેમના કાર્યાલયો ખુલ્લી રહ્યા છે તેમજ રોડ-શો પણ યોજાઈ રહ્યો છે. ઈન્દ્રનીલ રાજગુરૂના રોડ-શોમાં અત્યાર સુધી એકત્ર ન થઈ હોય એટલી મેદની જોવા મળે છે. આ સમગ્ર વિસ્તારના લોકો ઈન્દ્રનીલ રાજગુરૂને એક સાચા લોકસેવક તરીકે ઓળખે છે. તેમણે 2012થી 2017 દરમિયાન કરેલા વિકાસ કાર્યો હજુ પણ લોકોને યાદ છે. ગઈકાલે વોર્ડ નં.4માં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનના સમયે પણ વિશાળ જનસંખ્યા એકત્ર થઈ હતી અને બધાએ એક અવાજે ઈન્દ્રનીલ રાજગુરૂને ચૂંટી કાઢવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. આ સિવાય ભગવતીપરા વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજાયો હતો અને જંગી મેદની ઉમટી પડી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી ચેતન સોરઠિયા અન્ય કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમણે પણ તન-મન અને ધનથી ઈન્દ્રનીલ રાજગુરૂને વિજયી બનાવવા માટે કામે લાગી જવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે ઈન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, કોંગ્રેસે વર્ષો પહેલાં વિનામૂલ્યે શિક્ષણ અને તબીબી સુવિધાઓ આપેલી હતી પરંતુ ભારતીય જનતા પક્ષે તેનું કોર્પોરેટ કલ્ચર કરી નાખ્યું છે અને આ બન્ને સેવાઓને મોંઘી કરી નાખી છે. કોંગ્રેસે કરેલી સરકારી હોસ્પિટલો અને સરકારી શાળાઓમાં પુરતી સુવિધા હતી અને લોકો મોટી સંખ્યામાં તેનો લાભ પણ લેતા હતા. હવે આજે ભારતીય જનતા પક્ષ અને આમ આદમી પાર્ટી ખોટો જશ ખાટવાનો પ્રયાસ કરે છે.
ઈન્દ્રનીલે કહ્યું હતું કે, ભારતીય જનતા પક્ષે સરકારી સ્કૂલો અને સરકારી હોસ્પિટલોની હાલત ખરાબ કરી નાખી છે અને પ્રજાને સસ્તાદરે જે સુવિધા મળતી હતી તે પણ બંધ કરાવી નાખી છે. ભાજપ્ના નેતાઓએ પોતાના મળતિયાઓને આવી સ્કૂલો અને હોસ્પિટલોનું ખાનગીકરણ કરીને સોંપી દીધી છે અને નફાખોરી કરી છે. આવી સ્થિતિમાં દેશમાં મોંઘવારીએ ફૂંફાડો માર્યો છે.
ભાજપનાં શાસનમાં ભ્રષ્ટાચારે પણ ભરડો લીધો છે. થોડો વરસાદ આવે ત્યાં રસ્તાઓ તૂટી જાય છે.
ઈન્દ્રનીલ રાજગુરુએ ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પક્ષના નેતાઓ વિકાસકાર્યો કરવાના બણગા ફૂંકે છે અને ઘરે ઘરે પાણી પહોંચાડયાની વાતો કરે છે પરંતુ નર્મદા ડેમ કોંગ્રેસની સરકારે બાંધ્યો હતો અને 99 ટકા જેટલું કામ કોંગ્રેસના સમયગાળામાં પુરું થયું હતું. ડેમ બાંધવાનો અને નહેર બાંધવાનો વિચાર પણ કોંગ્રેસનો હતો આમ છતાં ભાજપ્ના નેતાઓ આ કામ પોતે કર્યું છે તેવો ખોટો પ્રચાર કરી પ્રજાને ભરમાવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પક્ષ આજની નવી પેઢીના મનમાં કોંગ્રેસ વિધ્ધ ઝેર ભરી તેમને સત્યથી દૂર રાખે છે. કોંગ્રેસ કયારેય સત્તા મેળવવા માટે આવી હલ્કી પ્રવૃત્તિ કરતી નથી. કોંગ્રેસ એક પક્ષ એવો છે જેણે અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદી અપાવી હતી. દેશમાં રહેલી માળખાકિય સુવિધાઓ પણ કોંગ્રેસની દેન છે. કોંગ્રેસના નેતાઓ આવી સુવિધાને પોતાની ફરજ માનીને આપતા હતા અને ભાજપ્ના નેતાઓ પોતે ઉપકાર કરે છે તેવી રીતે સુવિધાઓ આપે છે.
આ પ્રસંગે વોર્ડ નં.4ના પ્રમુખ કલ્પેશ પીપળિયા ઉપરાંત કોંગ્રેસના આગેવાનો મિતુલ દોંગા, મહિલા પ્રમુખ દીપ્તિબેન મકવાણા, બાબુભાઈ ડાભી, ડી.પી. મકવાણા, રાજુભાઈ ચાવડા, પરશોત્તમભાઈ લીંબાસિયા, પૂર્વ કોર્પોરેટર ઠાકરશીભાઈ ગજેરા, અલ્પેશ ટોપિયા, રામભાઈ આહિર, મુકેશભાઈ જાદવ, આશિષભાઈ વાઢેર, દિલીપભાઈ ત્રિવેદી, અતુલભાઈ કમાણી, ગોવિંદભાઈ વઘેરા, હસુભાઈ ગોસ્વામી, નારણભાઈ સવસેટા, ભાવેશભાઈ લીંબાસિયા, પરશોત્તમભાઈ લીંબાસિયા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય પટેલ સમાજના આગેવાનો અશોકભાઈ ડોબરિયા અને ગોવિંદભાઈ સભાયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નં.4માં ભગવતીપરામાં દોઢ કિલોમીટર લાંબો રોડ-શો પણ યોજાયો હતો અને તેમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદાતાઓ ઉમટી પડયા હતા. આ વિસ્તારના પ્રજાજનો પણ ઈન્દ્રનીલ રાજગુરૂની એક ઝલક જોવા માટે તત્પર દેખાતા હતા.