અંતનો આરંભ… કાળા ડિબાંગ વાદળાઓમાં પણ રૂપેરી લકીરો હોય જ છે. દુ:ખ પછી સુખ અને મુશ્કેલીઓનો અંત એ કુદરતની જ ગોઠવણ છે. કોરોના…કોરોના…કોરોના…ના પોકાર વચ્ચે વધતા જતા કેસ અને હોસ્પિટલોની વ્યવસ્થા દર્દીઓના ધસારા સામે ઘટી પડવાની સમસ્યાથી ચારેકોર ભય અને મોતનો માહોલ છવાયો છે. દૈનિક નવા કેસોમાં એકાએક આવેલા ઉછાળાથી આરોગ્ય તંત્રની વ્યવસ્થાનું પાણી મપાઈ ગયું. હોસ્પિટલોમાં ખાટલા, બાટલા અને બાટલામાં ઓક્સિજનના ઘટાડાએ યમરાજને ભારે મોકળુ મેદાન અપાવી દીધું હતું. મહામારીની આ લહેર સુપડાસાફ કરી દેશે તેવી દહેશત વચ્ચે રસીકરણના ડોઝમાં આવેલી જાગૃતિને લઈને હારશે કોરોના, જીતશે ગુજરાતની જેમ છેલ્લા પાંચ દિવસમાં રિકવરી રેટમાં 53 ટકાનો વધારો આવ્યો છે.

કોરોના સામે રસી જ રામબાણ ઈલાજ હોવાની વાત હવે સમાજે સ્વીકારી લીધી હોય તેમ રસીકરણ માટેનો ઉત્સાહ કોરોનાના વળતા પાણીના સંકેતરૂપ બની રહ્યો છે. 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવાના શરૂ થયેલા અભિયાનના ભાગરૂપે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ગણતરીના કલાકોમાં જ લાખો નહીં પરંતુ દોઢ કરોડથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવીને બીજી લહેરથી બચવા માટે લોકો મનોમન જ સચેત થઈ ગયા હોય તેમ કોરોના સામે જ્યારે રસી જ રામબાણ ઈલાજ બનવાનું છે ત્યારે અગાઉની ગફલતનું પુનરાવર્તન ન થાય અને સરકારી વ્યવસ્થા મુજબ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી દરેક વ્યક્તિનું રસીકરણ થાય તેવી સરકારી વ્યવસ્થાનું લોકો લાભ લેવા માટે સ્વયંભૂ જાગૃત થયા છે.

રસીકરણના દરેક અભિયાનમાં આરોગ્ય તંત્રને સામાજીક ગેરમાન્યતાઓ, લાપરવાહી અને પૂર્વાગ્રહ ભરેલી મનોસ્થિતિ અને સમયનો અભાવ અવરોધરૂપ પરિબળો ગણાય છે. પોલીયો રસીકરણ હોય કે, અન્ય રસીમાં સરકારને રસીકરણની કવાયત કરતા લોકોને સમજાવવામાં વધુ શક્તિ વાપરવી પડતી હોય છે ત્યારે કોરોના મહામારીને નજીકથી જોઈ લેનાર સમાજમાં હવે રસી માટે સ્વયંભૂ જાગૃતિ આવી છે. ગઈકાલે રસીકરણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયાની 24 કલાક પૂરી થઈ ન હતી ત્યાં લોકોએ રસી માટે લાઈનો લગાવીને સવા કરોડ ઉપરાંત લોકોએ સફળ રજિસ્ટ્રેશન કરાવીને કોરોનાને હરાવવા સ્વયંભૂ સામાજીક જનજાગૃતિનો પરિચય કરાવી દીધો છે.  અમેરિકા સહિતના કોરોનાને કાબુમાં લેવામાં સફળ થયેલા દેશોએ પ્રથમ સ્ટ્રેઈનથી જ રસીકરણ ઉપર ભાર મુક્યો હતો અને તેના સારા પરિણામો આવવા લાગ્યા છે. ભારતમાં પણ રસીકરણની આ સામાજીક જાગૃતિ અને સરકારના લક્ષ્ય મુજબ જો 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસીથી સુરક્ષીત કરી લેવામાં સફળતા મળશે તો આગામી થોડા જ સમયમાં ભારતમાં કોરોના સંપૂર્ણપણે કાબુમાં આવી જશે. રસીકરણ માટેનો અતિ ઉત્સાહ કોરોનાના અંતના આરંભની નિશાની બની રહેશે. હારશે કોરોના… જીતશે ગુજરાતને રસીકરણની સામાજીક જાગૃતિ અક્ષરસ: સત્ય પુરવાર થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.