- રૂ. 978 કરોડથી નિર્મિત દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રીજ સુદર્શન સેતુનું લોકાર્પણ
આજની પેઢી નવા ભારતનું નિર્માણ થતું જોઇ રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલા મેગા પ્રોજેક્ટને કારણે નવા ભારતની નવી તસવીર બની છે. ભારતે આધુનિક કનેક્ટિવિટીથી સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્ર નિર્માણનો માર્ગ કંડાર્યો છે. જેનો સકારાત્મક પ્રભાવ દેશ અને ગુજરાતના પ્રવાસન ઉપર પડ્યો છે.
નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, દેશમાં આધુનિક સુવિધાઓ ઉભી થતાં વિદેશી પર્યટકોની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ થઇ રહી છે. વર્ષ 2022 દરમિયાન 85 લાખ વિદેશી પર્યટકોએ ભારતની મુલાકાત લીધી હતી. તેમાંથી એકલા ગુજરાતમાં જ 15.5 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. ઇ-વિઝા ઉપરાંત પ્રવાસન સ્થળો સાથેની વધેલી કનેક્ટિવિટી અને સુવિધાઓને કારણે દેશના પર્યટન સ્થળોનું વિદેશમાં આકર્ષણ વધ્યું છે. જેના કારણે ગુજરાતમાં રોજગાર અને સ્વરોજગારના અવસરો વધ્યા છે.
પૌરાણિક નગરી દ્વારકા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓને રૂ. 4100 કરોડના વિવિધ 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસ કામોમાં દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ વડાપ્રધાન સાથે જોડાયા હતા.
વડાપ્રધાનએ જણાવ્યું કે, સુદર્શન સેતુ ઓખા અને બેટ દ્વારકા દ્વીપને જોડવાની સાથે દ્વારકાધીશના દર્શનને વધુ આસાન બનાવશે અને તેની દિવ્યતાને ચારચાંદ લગાવશે. જે ઇશ્વરરૂપી જનતા જનાર્દનના સેવક મોદીની ગેરેંટી છે.
સુદર્શન સેતુ માત્ર સુવિધા નથી, પરંતુ ઇજનેરી કૌશલ્યનું અદ્દભૂત ઉદાહરણ છે, તેમ જણાવતા મોદીએ ઉમેર્યું કે, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓેએ સુદર્શન સેતુનું અધ્યયન કરવું જોઇએ. આ સુદર્શન સેતુ, સુ-દર્શન છે. સુદર્શન સેતુ ભારતનો સૌથી લાંબો કેબલ આધારિત પૂલ છે. સુદર્શન સેતુના કારણે ઓખા ફરીથી દુનિયાના નકશામાં ચમકશે.
ઓખાના ભવ્ય ભૂતકાળની યાદ અપાવતા મોદીએ કહ્યું કે, એક સમયે ઓખા વેપારી બંદર તરીકે વિખ્યાત હતું. ઓખાની એટલી શાખ હતી કે અહીં મોકલવામાં આવતી વસ્તુઓ ઉત્તમ ગુણવત્તાવાળી માનવામાં આવતી હતી. રશિયાના અસ્ટ્રાખાન પ્રાંતમાં આજે પણ સારામાં સારા સ્ટોર કે મોલના નામ આગળ ઓખા લગાડવામાં આવે છે. ત્યાં ઓખા એટલે ઉત્તમ ગુણવત્તા.
બેટ દ્વારકાના લોકો, શ્રદ્ધાળુંઓ ફેરી બેટ ઉપર નિર્ભર હતા, આ સમસ્યાના નિવારણ માટે અહીં એક પૂલ બનાવવા માટે જે તે સમયે કેન્દ્ર સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં, કામ કરવામાં આવતું નહોતું. પણ, ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન સેતુનું નિર્માણ કરવાનું મારા ભાગ્યમાં લખ્યું હતું. જે પરમાત્માના આદેશનું પાલન કરી એ દાયિત્વને મે નીભાવ્યું છે. તેમણે સુદર્શન સેતુની વિશેષતાઓની વિસ્તુત માહિતી આપી હતી.
-:: સુદર્શન સેતુની વિશેષતા ::-
- બ્રિજની લંબાઇ 230 મીટર છે જેમાં 900 મીટર જેટલા કેબલ લગાવેલા છે.
- બ્રિજના મુખ્ય ગાળામાં બન્ને તરફ ચાર કલાત્મક મોર પંખ બનાવવામાં આવ્યા છે. ચાર માર્ગના બ્રીજની પહોળાઇ 20 મીટર છે અને તરફ અઢી અઢી મીટરની ફુટપાથ છે.
- ફૂટપાથની બન્ને તરફ ખાસ આકારના પથ્થર પર અદભૂત કોતરણી કરીને ભાગવત ગીતાના શ્ર્લોક અને શ્રી કૃષ્ણના જીવન દર્શન કોતરવામાં આવ્યું છે. જે અદભુત લાગે છે.
- બ્રીજ પર પ્રવાસીઓ માટે 1ર સ્થળે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ પ્રવાસીઓને રોમાંચક અનુભવ કરાશે.
- બ્રીજ પર ડેકોરેટીવ લાઇટીંગથી રાત્રે સુદર્શન સેતુ ઝગમગી ઉઠશે.
- ફુટપાથ પર સોલાર પેનલ લગાવી છે. જેનાથી એક મેગા વોટ વીજળીનું ઉત્પાદન થશે અને બ્રીજ રોશન થશે.
- આ બ્રીજ ગુજરાત અને દ્વારકાને એક નવી ઓળખ આપશે અને વિકાસના દ્વાર ખુલશે ખાસ કરી ભકતોને ફેરીબોટનો આશરો નહિ લેવો પડે દ્વારકાધીશના દર્શનમાં એકદમ સરળતા થઇ શકશે.
- ફોર લેન સિગ્રેન્ચર બ્રિજની બને સાઇડ અઢી મીટરનો પેડેસ્ટ્રિયન કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે જેને આસ્થા સેતુ નામ આપવામાં આવ્યું છે.
ભગવાન શ્રીદ્વારકાધીશ સમક્ષ શીશ નમાવતા વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવકારવા આજે જગત મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વડાપ્રધાનએ દ્વારકાની મુલાકાત સમયે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારીએ શાસ્ત્રોકત વિધિપૂર્વક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પાદુકાપૂજન કરાવ્યું હતું.
વડાપ્રધાનએ શારદાપીઠની મુલાકાત પણ લીધી હતી. વડાપ્રધાનએ શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શારદાપીઠમાં વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓ પવિત્ર ગોમતી નદીના ઘાટે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે સુદામા સેતુની પણ મુલાકાત લીધી હતી.
વડાપ્રધાનએ મંદિરમાં દર્શનાર્થીઓ- શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યુ હતું.વડાપ્રધાનને મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજ કુમાર, જિલ્લા પંચાયતના નથુભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, લૂણાભા સુમણીયા, જે.કે. હાથિયા, વનરાજભા માણેક, સંજયભાઈ નકુમ, પ્રતાપભાઈ પિંડારિયા, રાજુભાઈ સરસીયા, કરશનભાઈ જોડ, ધીરુભાઈ, મેઘજીભાઈ પિપરોતર સહિતનાએ આવકાર્યા હતા.