વચનામૃત દ્વિશતાબ્ધી મહોત્સવના ઉપક્રમે કાર્યક્રમ: યોગી ડિવાઇન સોસાયટીના નેજા હેઠળ સંતો ભકતો, છાત્રોએ ભાગ લીધો
ભગવાન શ્રી સ્વામીનારાયણ પ્રબોધિત વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે યોગી ડિવાઇન સોસાયટી દ્વારા વિવિધ સેવાકીય અને આત્યાત્મિક આયોજનો કરવામાં આવી રહ્યા છે. તેમાં આગામી તા.ર થી ૭ જાન્યુ ૨૦૨૦ દરમિયાન વડોદરા ખાતે આત્મીય યુવા મહોત્સવ યોજનાર છે. આ મહોત્સવના અનુસંધાને તા.૧પ ડીસેમ્બરકે, રવિવારે સરદાર વલ્લભભભાઇ પટેલની પુણ્યતિથિએ સમગ્ર ગુજરાતમાં આત્મીય સ્વચ્છતા અભિયાનનું આયોજન થયું હતું. આ અભિયાન જાહેર સ્થળો પર સંતો, ભકતો, નેતાઓ અને વિઘાર્થીઓએ નમુનેદાર સફાઇ કાર્ય કર્યુ હતું.
હરિધામ, સોખડાના કોઠારી સ્વામી પૂજય પ્રેમસ્વરુપદાસજીએ વડોદરાના વાસણા ભાયલી રોડ ખાતેથી રાજયવ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજયમાં મહાનગરો, શહેરો, ગામો અને ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલા આ અભિયાનમાં રાજકીય અને સામાજીક અગ્રણીઓ, યુવાનો, યુવતિઓ, હરિભકતો અને વિઘાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇને સફાઇ કાર્ય કર્યુ હતું.
આ વર્ષે મહાત્મા ગાંધીજીની દોઢસોમી જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે તેમના અનુસરણનો આદર્શ પૂરો પાડનાર સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિનો દિવસ ૧પ ડીસેમ્બર આ સ્વચ્છતા અભિયાન માટે પસંદ કરવામાં આવ્યો છે.
રાજકોટમા પૂજય સર્વાતીત સ્વામીએ આત્મીય યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. સંથાનકૃષ્ણનની ઉ૫સ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અભિયાનના પ્રારંભે સહુને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કગથરા, ગણાત્રા અને દિગ્વિજયસિંહ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.
આત્મીય યુનિવર્સિટી, વિરાણી સાયન્સ કોલેજ અને આત્મીય સ્કૂલ્સના અઘ્યાપકો, વિઘાર્થીઓ, એન.સી.સી. અને સ્કાઉટ કેડેટસ તેમજ યોગી ડિવાઇન સોસાયટી સાથે સંકળાયેલા હરિભકતોએ કોટેચા ચોકથી માંડીને મોટા મવા સુધી કાલાવડ રોડ, આસપાસની શેરીઓ, યુનિવર્સિટી રોડ, પુષ્કરધામ રોડ વગેરે વિસ્તારોમાં આત્મીય સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. રાજકોટમાં આશરે ત્રણ હજાર જેટલા સ્વયંસેવકો આ અભિયાનમાં જોડાયા હતા. આ અભિયાન અંગે શહેરવાસીઓએ આનંદની લાગણી વ્યકત કરી હતી.
ભુજમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, નવસારીમાં સાંસદ સી.આર. પાટીલ, સુરતમાં મેયર ડો. જગદીશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નિતિન ભજીયાવાલા, ધારાસભ્યો પુર્ણેશ મોદી અને વી.ડી. ઝાલાવાડીયા, બારડોલીમાં ધારાસભ્ય ઇશ્ર્વરભાઇ પરમાર, અમદાવાદ ખાતે ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ અને પરિન્દુ ભગત (કાકુભાઇ) સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અભિનેતા રાકેશ પુજારા, વડોદરામાં ધારાસભ્ય સીમાબેન મોહિલે વગેરે મહાનુભાવોએ પણ આત્મીય અભિયાનમાં ભાગ લીધો હતો.
વડોદરામાં ક્રિકેટ ઇરફાન અને યુસુફ પઠાણના પિતા મહેમુદખાન પઠાણ તેમજ તાંદળજા મસ્જીદના સૈયદભાઇએ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇને કૌમી એકતા તથા આત્મીયતાનું ઉદાહરણ પુરુ પાડયું હતું.
મુંબઇ ઉપરાં ગુજરાતનાં મુખ્ય મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ તેમજ તમામ જીલ્લા મથકો અને મોટા શહેરો અને ગામોમાં આ અભિયાન અંતર્ગત જાહેર સ્થાનોની સફાઇ સંતો-ભકતો દ્વારા કરવામાં આવી હતી. જેનું નેતૃત્વ ગુરુપ્રસાદ સ્વામી, સુચેતન સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, સર્વમંગલ સ્વામી, ભકિતવલ્લભ સ્વામી, હરિપ્રિય સ્વામી, ચરણરજ સ્વામી, આનંવસ્વરુપે સ્વામી, શ્રુતિપ્રકાશસ્વામી, શ્રીજીસૌરભ સ્વામી વગેરે સંતોએ કર્યુ હતું. સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓ મહાનગરપાલિકા, નગરપાલિકા ગ્રામ પંચાયત વગેરેના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક માઘ્યમોએ આ અભિયાનમાં પ્રશસનીય સહયોગ આપ્યો હતો.