- વર્ષ 2023-24માં પૂર્વસેવા તાલીમાંત તેમજ બઢતી માટેની ખાતાકીય
- પરીક્ષામાં 2540 તથા વર્ષ 2024-25માં 2938 પરીક્ષાર્થીઓ સહભાગી થયા
- UPSC પરીક્ષામાં આજદિન સુધીમાં SPIPAના કુલ 286 ઉમેદવારો અંતિમ પસંદગી પામ્યા
- વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પ્રવેશ પરીક્ષા બાદ પસંદગી પામતા 100 યુવક-યુવતીઓને વિનામૂલ્યે તાલીમ
- સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને રૂ. 61 હજાર સુધીની પ્રોત્સાહન સહાય
- સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ અંતર્ગત ચાલુ વર્ષે બજેટમાં અંદાજે રૂ.299 લાખની જોગવાઈ
- રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતે SPIPA કેમ્પસ કાર્યરત
ગુજરાત સરકારની પ્રતિષ્ઠિત એવી રાજ્યકક્ષાની તાલીમ સંસ્થા એટલે “સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા”-SPIPA. માનવ સંસાધન કૌશલ્યવર્ધન થકી સુશાસનને સરળ બનાવવાના હેતુસર અધિકારીઓ અને કર્મચારીઓ માટે મુખ્યત્વે SPIPA, અમદાવાદ સહિત વિવિધ તાલીમ કેન્દ્રો દ્વારા વિવિધ તાલીમ કાર્યક્રમો અને પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા રાજ્ય સરકારની સેવામાં નવી નિમણૂક પામી જોડાતા અધિકારીઓ તેમજ કર્મચારીઓને સરકારી નિયમો અને કાર્યપ્રણાલીઓનું અદ્યતન જ્ઞાન આપી અસરકારક સેવા પૂરી પાડવા માટે તાલીમબદ્ધ કરવાનું જરૂરી કાર્ય કરવામાં આવે છે.
SPIPA ખાતે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ તેમજ વર્ગ-3નાં કર્મચારીઓ માટેની પૂર્વ સેવા તાલીમનું આયોજન કરવામાં આવે છે. આ તાલીમને અંતે પરીક્ષા યોજાય છે, જે નિયત તકોમાં પાસ કરવી દરેક અધિકારી-કર્મચારી માટે ફરજિયાત હોય છે. વર્ષ 2023-24માં કુલ 22 પૂર્વ સેવા તાલીમાંત તેમજ બઢતી માટેની ખાતાકીય પરીક્ષાઓમાં ૨,૫૪૦ પરીક્ષાર્થીઓ તથા વર્ષ 2024-25 એપ્રિલ થી નવેમ્બર માસ સુધી કુલ 12 પૂર્વ સેવા તાલીમાંત તેમજ બઢતી માટેની ખાતાકીય પરીક્ષાઓમાં 2938 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
SPIPA દ્વારા પ્રોબેશ્નર આઇ.એ.એસ. અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ-કર્મચારીઓ માટે સમયની માંગ મુજબની તાલીમ, વિવિધ નિયમો અને વિનિમયો પરની સેવાકાળ દરમિયાનની ખાતાકીય તાલીમ, ઇન્ડકશન તાલીમ, માહિતી અધિકાર અને જાહેર સેવાઓ અંગેના નાગરિકોના અધિકાર અધિનિયમ સંબધિત તાલીમ કાર્યક્રમો, WTO સંબંધિત કાર્યક્રમો સંદર્ભે નોડલ સંસ્થા તરીકે તાલીમ કાર્યક્રમો, રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાના પરિસંવાદો, કાર્યશાળાઓ, પરિષદો, ચર્ચાઓ, લેક્ચર સિરીઝ, કસ્ટમાઇઝડ તાલીમ કાર્યક્રમો, વહીવટી વિકાસ કાર્યક્રમો, જ્ઞાનવર્ધક કાર્યક્રમો, ગુજરાત સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ દ્વારા ક્ષમતા નિર્માણ કાર્યક્રમો, સીસીસી+ પરીક્ષાઓ માટે તાલીમ અને પરીક્ષા વગેરેનું આયોજન કરવામાં આવે છે.
SPIPA તાલીમ કેન્દ્રમાં વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં અનુક્રમે ગેઝેટેડ ઓફિસર્સ બેચના 272 અને 215, વર્ગ-3ના 2079 અને 1515, કસ્ટમાઈઝ તાલીમમાં 943 અને 346, ઇ.ડી.પી. તાલીમમાં 549 અને 2379, આર.ટી.આઈ. એક્ટ-2005ની તાલીમમાં 1928 અને 1238, આર.સી.પી.એસ. એક્ટ-2013ની તાલીમમાં 1244 અને 780 તેમજ CCC+ તાલીમમાં 879 અને 189 જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
રાજ્યના વધુમાં વધુ યુવાનો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSC દ્વારા લેવાતી વહીવટી સેવા અને તેની સંલગ્ન પરીક્ષાની ઉચ્ચકક્ષાની તાલીમ આપવાના હેતુથી SPIPA, અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના પ્રાદેશિક તાલીમ કેન્દ્રો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા તેમજ ગુજરાત કોમર્સ કોલેજ ખાતે પસંદગી પામેલ ઉમેદવારો માટેના તાલીમવર્ગ ચલાવવામાં આવે છે. તદુપરાંત IBPS, RBI, SBI, LIC જેવી વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાતી ભરતી પરીક્ષાઓ માટે ગુજરાતનાં યુવાનોને તાલીમબદ્ધ કરવા માટે સી.જી.આર.એસ સ્ટડી સેન્ટર વર્ષ 2013-14થી કાર્યરત છે. દર વર્ષે પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયાને અંતે પસંદગી પામતા 100 જેટલા યુવક-યુવતીઓને SPIPA ખાતે વિનામૂલ્યે સઘન તાલીમ આપવામાં આવે છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો તથા સરકારી અધિકારીઓ-કર્મચારીઓને સુવ્યવસ્થિત તેમજ યોગ્ય તાલીમ મળી રહે તે હેતુસર SPIPAના અદ્યતન સુવિધાઓયુક્ત કેમ્પસ બનાવવામાં આવ્યા છે. આ વિવિધ કેમ્પસોમાં આધુનિક રૂમ, ડાઇનીંગ હોલ, વેઇટીંગ લોન્જ, સેમિનાર હોલ, લેન્ડ સ્કેપીંગ, લાયબ્રેરી, કોમ્પ્યૂટર લેબ, જીમ જેવી સુવિધાઓથી સજ્જ હોસ્ટેલો કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત SPIPA ખાતે UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે વિનામૂલ્યે પ્રશિક્ષણ આપવામાં આવે છે તથા લાયબ્રેરીમાં પરીક્ષાની તૈયારી માટે જરૂરી એવા તમામ પ્રકારના પુસ્તકો, મેગેઝીન, ન્યુઝ પેપર્સ વગેરે ઉપલબ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત ઉમેદવારો તૈયારી કરવા માટે ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરી શકે તે હેતુથી વિનામૂલ્યે વાઇ-ફાઇ ફેસીલીટી પણ આપવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક-યુવતીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. જેમ કે તાલીમવર્ગમાં પ્રવેશ મેળવ્યેથી વધુમાં વધુ સાત મહિના માટે પ્રતિમાસ રૂ.2000 પ્રોત્સાહન સહાય, UPSCની પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકને રૂ.25,000 અને યુવતીને રૂ.30,000, UPSCની મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકને રૂ.25,000 અને યુવતીને રૂ.30,000 તથા UPSCની પરીક્ષામાં ફાઈનલ પસંદગી પામનાર ગુજરાતના ડોમિસાઇલ યુવકને રૂ.51,000 અને યુવતીને રૂ.61,000 તેમજ ગુજરાતના નોન-ડોમિસાઇલ યુવકને રૂ.21,000 અને યુવતીને રૂ.31,000 પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે. જેના પરિણામે વર્ષ 2023માં લેવાયેલી UPSC પરીક્ષામાં SPIPAના કુલ 26 ઉમેદવારો સફળ થયા હતા. આમ, સંસ્થાના સ્થાપના વર્ષ 1992થી અત્યાર સુધીમાં કુલ 286 ઉમેદવારો અંતિમ પસંદગી પામ્યા છે.
વર્ષ 2009માં ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. નીતિનિર્માણ અને સેવા વિતરણ પ્રક્રિયાઓમાં આધુનિક અને અસરકારક અભિગમનો ઉપયોગ કરીને રાજ્યમાં સુશાસનની દિશામાં યોગદાન આપી શકે તેમજ સરકારી વિભાગોમાં પરિવર્તન માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપી શકે તે હેતુથી સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2023-24મા આ યોજનામાં કુલ 18 જેટલા યુવાનોએ લાભ લીધો હતો. સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ 2024-25 માટે બજેટમાં રૂ.299 લાખની તથા વર્ષ 2025-26 માટે રૂ.350 લાખની જોગવાઈ કરવામાં આવી છે, એમ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા-SPIPAની યાદીમાં જણાવ્યું છે.