લોકસભાની ચૂંટણીના આડે હવે માત્ર ત્રણથી ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે તમામ જ્ઞાતિ અને સમાજો પોતાની શક્તિ બતાવવા માટે સંમેલનો યોજી રહ્યા છે. ગઇકાલે રાજકોટમાં શ્રી સરદાર પટેલ ગ્રુપ દ્વારા પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક સમયે પાટીદાર અનામત આંદોલનમાં મોટી ભૂમિકા ભજવનાર લાલજીભાઇ પટેલ મુખ્ય આયોજક હતા. લાલજી પોતે સીએમને પોતાની શક્તિ દેખાડવા માંગતા હોય તેવુ લાગતું હતું. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉ5સ્થિતિમાં યોજાનારા આ સ્નેહ મિલનમાં ન તો સ્નેહ દેખાયુ હતું ન તો મિલન જેવુ કશું લાગતુ હતું. ફ્લોપ-શોથી વિશેષ કશુ ન હતું. પોતાના સમાજનું સ્નેહ મિલન હોવા છતા મોટાભાગની ખાલી ખુરશીઓ નિહાળી સ્વભાવે શાંત મનાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ભારે ગુસ્સે થઇ ગયા હતા. નારાજ સીએમ સ્ટેજ પર પણ આવ્યા ન હતા. માત્ર ગણતરીની મીનીટોમાં સ્થળ પરથી નિકળી ગયા હતા.
સીએમ “પાટીદાર” ઉપરાંત સાંસદ ધારાસભ્ય અને મેયર પાટીદાર હોય તેવા “રાજકોટ” ફ્લોપ શોથી માત્ર પાટીદાર સમાજ નહી ભાજપની આબરૂનું પણ ભારોભાર ધોવાણ
નારાજ સીએમ સ્ટેજ પર આવ્યા જ નહીં લાલજી પટેલ સહિતના આયોજકોને ખખડાવ્યાની ચર્ચા
લોકસભાની ચૂંટણી પહેલા પોતાનું રાજકીય વજન દેખાડવા માટે લાલજીભાઇ પટેલ દ્વારા રાજકોટમાં કોઇ કારણ કે પ્રસંગ વિના શ્રી સરદાર પટેલ ગ્રુપ (એસપીજી) દ્વારા પાટીદાર સમાજના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે સમાજને પ્રેમના તાંતણે જોડવા માટે કોઇ કાર્ય કરવામાં આવતુ હોય ત્યારે સમાજના મોભીઓને સાથે રાખવામાં આવે તો તેને સવાયી સફળતા મળતી હોય છે. લાલજી પટેલ દ્વારા પોતાનો રાજકીય કે અન્ય સ્વાર્થ સંતોષવા માટે પાટીદાર સમાજનું સ્નેહ મિલન આયોજીત કરવામાં આવ્યું હતું. રાજકોટના સાંસદ પદે પાટીદાર હોય, ધારાસભ્ય પદે પાટીદાર હોય, મેયર પદે પાટીદાર અને બે ડઝનથી વધુ પાટીદાર કોર્પોરેટરો હોવા છતા પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમનો સુપર ફ્લોપ-શો થયો હતો.
મેદાનમાં રાખવામાં આવેલી મોટાભાગની ખુરશીઓ ખાલી રહી હતી. કાર્યક્રમ શરૂ થવાનો સમય વિતવા છતા ખુરશીઓ ખાલી રહેતા એક સમયે અન્ય એક કાર્યક્રમમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એવો સંદેશો મોકલ્યો હતો કે તેઓ સ્નેહ મિલનમાં નહી આવી શકે. જો કે મુખ્ય આયોજક લાલજી પટેલ સહિતના આયોજકોની વિનંતીને ધ્યાનમાં રાખી સીએમએ કાર્યક્રમમાં આવવાની અનુમતી આપી હતી. જો કે, ભૂપેન્દ્રભાઇ જ્યારે સ્નેહમિલનના સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાંનો માહોલ જોઇ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ જેટલી મેદની ધારી હતી. તેના કરતા પણ ઓછી મેદની હતી. આ જોઇ તેઓ ભારે ગુસ્સે થઇ ગયા હતા. કોઇ પર ગુસ્સે થવું તે “દાદા” સ્વભાવ નથી પરંતુ પોતાના સમાજના સ્નેહમિલનમાં આવા ફિયાસ્કાથી તેઓનો પિત્તો છટક્યો હતો. વીઆઇપી રૂમમાં તેઓએ લાલજી પટેલને રિતસર ખખડાવી નાખ્યો હતો.
પોતાને પાટીદાર અગ્રણી માનતા લાલજીભાઇ પટેલ રાજકોટના પાટીદાર સમાજમાં બહુ જાણીતું કે મોટું નામ નથી માત્ર પોતાના ભરોસે રાજકોટની ધરતી પર પાટીદાર સમાજનું સ્નેહમિલન યોજી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હૈયામાં વસી જવાના લાલજીના લાલચટાક મનસુબા પર ખૂદ તેના જ સમાજના લોકોએ પાણીઢોળ કરી દીધું હતું. સીએમની શાબાસી મળવાની વાત દુર રહી સ્નેહમિલન સુપર ફ્લોપ રહેવાના કારણે પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા આવેલા સીએમ માત્ર આઠથી દશ મીનીટ વીઆઇપી રૂમમાં રોકાયા હતા અને આયોજકો સાથે સ્નેહમિલનના ફિયાસ્કા અંગે ચર્ચા કરી ઠપકો આપી તરત જ નિકળી ગયા હતા. સીએમએ સ્ટેજ પર પણ આવવાની તસ્દી લીધી ન હતી.
સીએમએ ઠપકો આપ્યો હતો અને આખા ગુજરાતમાં લાલજીની આબરૂનું ધોવાણ થઇ ગયુ હતું.આયોજકો નવાણીયા સાબિત થયા હતા જ સાથો સાથ રાજકોટ શહેર ભાજપની આબરૂંનું પણ ધોવાણ થયુ હતું. જો કે આ પક્ષનો કાર્યક્રમ ન હોવાથી પક્ષના પાટીદાર નેતાઓને કંઇ લાગતુ વળગતુ નથી. પરંતુ રાજકોટમાં સાંસદ, ધારાસભ્ય, મેયર, શહેર ભાજપ મહામંત્રી, યુવા ભાજપ પ્રમુખ, મહિલા મોરચાના અધ્યક્ષા તમામ પાટીદાર સમાજના હોવા છતા જે રિતે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારા શ્રી સરદાર પટેલ ગ્રુપ આયોજીત પાટીદાર સ્નેહમિલન સુપર ફ્લોપ થયું છે. તેનાથી ભાજપને પણ થોડા ઘણા અંશે છાંટા ઉડ્યા છે.
સીએમ જે કાર્યક્રમમાં હાજર રહેવાના હોય તે કાર્યક્રમ અંગે માહિતી મેળવી લેવાની જવાબદારી ભાજપના સંગઠનના હોદ્ેદારો પર રહે છે. પરંતુ આવુ ન કરવાના કારણે ખૂદ મુખ્યમંત્રીએ ભોંઠપ અનુભવી પડી હતી.
રાજકોટમાં પાટીદાર સમાજની વસતી સૌથી વધુ હોય છે. આવામાં કોઇ બહારના કહેવાતા પાટીદાર અગ્રણી આવીને રાજકોટમાં સમાજનું સફળ સ્નેહમિલન યોજી સીએમની વાહવાહી મેળવી લ્યે તેમા માલ નથી. લાલજી પટેલને અનુભવ થઇ ગયો હવે તે બીજી વખત કોઇ ચાળો નહી કરે. પોતાના સ્વાર્થ માટે સમાજનો ઉપયોગ કરનારાઓ માટે આ રેડ સિગ્નલ છે.
લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર માટે મુખ્યમંત્રીને કરાય રજુઆત : લાલજીની શેખી
એસપીજીનાં પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે, અમે મુખ્યમંત્રીને લેટર લખ્યો છે કે, લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારો કરવામાં આવે. લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારા માટે છેલ્લા ત્રણ વર્ષથી અમારી લડત ચાલી રહી છે. ત્યારે લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારો આવે તે માટે આજે પણ અમે મુખ્યમંત્રીને લેટર આપ્યો છે. જે દીકરીઓ ભાગીને, માતા-પિતાને પૂછ્યા વગર લગ્ન કરે છે એ કાયદામાં સુધારો થવો જોઈએ. 18 વર્ષની દીકરી હોય અને 21 વર્ષનો દીકરો હોય એ કોઈ પણ જ્ઞાતિમાં કે કોઈ પણ સમાજમાં લગ્ન કરી શકે છે. અમે પ્રેમ લગ્નનાં વિરોધી નથી. પણ જે ખોટી રીતે લગ્ન કરીને લોકો ભાગી જાય છે. એમને કડકમાં કડક સજા થવી જોઈએ. અને લગ્નનાં કાયદામાં દિકરીની ઉંમર પ્રમાણે લગ્નએ એનાં વિસ્તારમાં એટલે કે ગ્રામ્ય કક્ષાએ હોય તો ગ્રામ પંચાતમાંથી લગ્નનો દાખલો આપવો જોઈએ. અને શહેર વિભાગ હોય તો શહેરની અંદર દાખલો આપવો જોઈએ.