રાજકોટમાં નિર્માણ પામનાર કોર્ટ બિલ્ડીંગના ભૂમિ પ્રસંગે
અદાલતો અને સરકારી કચેરીઓ આધુનિક સુવિધાઓથી સુસજ્જ: કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ
ન્યાય પ્રક્રિયા ઉપર લોકોના વિષ્વસ જળવાઈ રહે તે રીતે ન્યાયતંત્રનું વલણ હોવું જોઈએ: સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ એમ.આર.શાહ
ગુજરાતમાં કાયદો, વ્યવસ્થા, શાસન અને ન્યાય પ્રણાલી શ્રેષ્ઠ: હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમના
ઘંટેશ્વર નજીક ૧૪ એકર જમીનમાં ૧૧૮ કરોડના ખર્ચે આધુનિક કોર્ટ બિલ્ડીંગ બનશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે ન્યાયતંત્રની ભૂમિકા અતિ મહત્વની છે. આ માટે ગુજરાતમાં ‘રુલ ઓફ લો’ પ્રત્યે આદર વધે અને લોકોને ઝડપી ન્યાય થકી રામરાજ્યની કલ્પના સાકાર થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીએ આજે રાજકોટ ખાતે અંદાજિત રૂપિયા ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા ન્યાયાલયના આધુનિક ભવનનું ભૂમિપૂજન કર્યું હતું. તેમની સાથે સુપ્રીમકોર્ટના જસ્ટિસ ન્યાયધીશ એમ.આર.શાહ તેમજ હાઇકોર્ટ મુખ્ય ન્યાયધીશ વિક્રમ નાથ જોડાયા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ન્યાયમંદિરો સમયની સાથે આધુનિક બને અને તેમાં ન્યાય મેળવવા આવતા લોકોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારે સમયોચિત ફેરફારો કરી સમગ્ર રાજ્યમાં ન્યાયાલયોના આધુનિક ભવનોનું નિર્માણ કાર્ય આરંભ્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લા ન્યાયાલયના આધુનિક ભવનના નિર્માણ માટે રૂપિયા ૧૧૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
તેમણે સૌરાષ્ટ્રના કેન્દ્ર સમા રાજકોટના થયેલા ઝડપી વિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વિશ્વના ફાસ્ટ ગ્રોઈંગ સિટીમાં ગુજરાતના રાજકોટ અને સુરત શહેરનો સમાવેશ થયો છે. રાજકોટના વિકાસ માટે નવું એરપોર્ટ, મેટોડા ખાતે નવી જીઆઇડીસી અને એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ થનાર છે, તેવા યોગ્ય સમયે જિલ્લા ન્યાયાલયના નિર્માણનું યોગ્ય કાર્ય થઈ રહ્યું છે. આ તમામ કાર્યો આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના વિકાસના દ્વારને વધુ મજબૂત બનાવશે, તેવી નેમ પણ તેમણે આ તકે વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિકાસનો આધાર એ કાયદો વ્યવસ્થા ઉપર નિર્ભર રહેલો છે, ન્યાય તંત્ર મજબુત હશે તો રાજ્ય સુખી બનશે. આથી જ રાજ્ય સરકાર ન્યાયતંત્રને પૂરતી મદદ કરવા માટે હંમેશા કટિબદ્ધ રહી છે અને રહેશે. તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસની રાજનીતિના સિધ્ધાંતને અપનાવી રાજ્ય સરકાર ગુજરાતમાં વિકાસને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા તરફ આગળ વધી રહી હોવાનું પણ જણાવ્યું હતું.
કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે રાજ્યની તમામ ન્યાયાલયો સહિતની સરકારી કચેરીઓ અદ્યતન ટેકનોલોજી યુક્ત સુવિધાઓ સાથે નિર્માણ કરવામાં આવી હોવાનું જણાવતા કહ્યું હતું કે, સામાન્ય માણસની સુવિધાઓને રાજ્ય સરકારે હંમેશા પ્રાધન્ય આપ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વમાં રાજ્યમાં ન્યાયપાલિકા વધુ સુદઢ બને તે માટે આ વર્ષે બજેટમાં રૂ. ૧૬૮૦ કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું જ્યારે રૂ. ૧૫૬ કરોડના ખર્ચે રાજકોટ જિલ્લાની તાલુકા અદાલતોને સુવિધાયુક્ત બનાવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે સમગ્ર દેશમાં ગુજરાતના ન્યાયાલયો આધુનિક અને શ્રેષ્ઠ સુવિધાસભર હોવાનું તેમજ અહીંનું વાતાવરણ સુયોગ્ય હોવાનું જણાવ્યું હતું. તેમણે ન્યાય પ્રણાલી પર લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે ન્યાયતંત્રને મળેલ સત્તાનો સદઉપયોગ કરી લોકોને સાચો ન્યાય મળી રહે તેવા ન્યાયતંત્રના અભિગમ ઉપર ભાર મૂકયો હતો.
રાજ્ય હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથે ગુજરાત રાજ્યમાં કાયદો, વ્યવસ્થા, અનુશાસન તેમજ ન્યાય પ્રણાલી શ્રેષ્ઠ હોવાનું જણાવી રાજકોટ ખાતે અત્યાધુનિક જિલ્લા કોર્ટ ભવન બનતા ફેમિલી કોર્ટ સહિત તમામ કોર્ટ એક જ સંકુલમાં જોડાઈ જશે જેથી ન્યાય પ્રક્રિયા ઝડપી બનશે તેમજ લોકોની સુવિધામાં વધારો થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એસ.એચ.વોરાએ પ્રાસંગિક પ્રવચનમાં લોકોને ઝડપી અને યોગ્ય ન્યાય મળી રહે તેમજ ન્યાય પ્રણાલી વધુ પ્રભાવી બને તે માટે દિશા નિર્દેશ કર્યો હતો. જયારે સ્વાગત પ્રવચન કરતા રાજકોટ ડીસ્ટ્રીકટ પ્રિન્સિપલ ન્યાયમૂર્તિ ગીતા ગોપીએ આધુનિક કોર્ટ બિલ્ડીંગના નિર્માણ માટે પ્રતિબધ્ધતા દેખાડનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માની આવનારા સમયમાં આ કોર્ટ બિલ્ડીંગ શ્રેષ્ઠ સુવિધાઓ પુરી પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રારંભે મુખ્યમંત્રી તેમજ મહાનુભાવોએ કોર્ટ બિલ્ડીંગના મોડેલનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે બિલ્ડીંગનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત તેમજ તક્તિનું અનાવરણ કરાયું હતું.
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મેયર બિનાબહેન આચાર્ય, રાજુભાઇ ધ્રુવ, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ અનિલ દેસાઇ, પિયુષ શાહ, બાર કાઉન્સીલના મેમ્બર દિલીપ પટેલ, સીનીયર એડવોકેટ પ્રવીણભાઇ કોટેચા, લલીતસિંહ શાહી, રૂપરાજસિંહ પરમાર, હિતેષભાઇ દવે, રાજેશ મહેતા, રોહિત ઘીયા અને ગોપાલ ત્રિવેદી સહીત સીનીયર જુનીયર એડવોકેટ ઉ૫સ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા બાર એસો. ના પ્રમુખ બકુલ રાજાણીના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરી જીજ્ઞેશ જોષી, રક્ષિત કલોલા અને બારના કારોબારી સભ્યો જહેમત ઉઠાવી રહ્યા હતા.
અદ્યતન ટેકનોલોજી યુક્ત બનશે નવી કોર્ટ: બકુલ રાજાણી
આ તકે બકુલ રાજાણી એ જણાવ્યું હતું કે હાલ ની મોચી બજારની કોર્ટ શહેર ની ભાગોળે આવેલું છે, ગીચ વિસ્તાર છે જેના કારણે પાર્કિંગ સહિત ના મામલે ખૂબ સમસ્યાઓ નો સામનો કરવો પડે છે, અસિલો ને પણ હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે હવે ઘન્ટેશ્વર ના સર્વે નંબર ૧૫૦ની ૫૬૫૫૮ ચો.મી. ના ક્ષેત્રફળ માં નવી કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ થનાર છે જે વકીલો થી માંડી જ્યૂડીશર ઓફિસરો માટે ખુશીની લહેર સમાન છે. નવી કોર્ટ બિલ્ડીંગ બનવાથી ખૂબ મોટી જગ્યા મળનાર છે જેના પરિણામે અહીં આવનાર જનતાને પણ કોઈ પ્રકાર ની સમસ્યા થશે નહીં. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે નવી કોર્ટ બિલ્ડીંગ ખૂબ અદ્યતન ટેક્નોલોજીયુક્ત હશે અને સેન્ટ્રલી એ.સી. બિલ્ડીંગ હશે જે સમગ્ર ભારતવર્ષ માટે ઉદાહરણનું સ્વરૂપ બનશે. ભવ્ય કોર્ટ સંકુલ માટે રૂા.૧૧૮ કરોડ ફાળવવા મુખ્યમંત્રી, કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને અભિનંદન પાઠવું છું. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસ, રાજકોટ ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપી અને જયુડીશીયલી ઓફિસરો અને સ્ટાફને ઉપસ્થિત રહેવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. ઉપરાંત કલેકટરતંત્ર, પોલીસ તંત્ર અને પ્રેસ મિત્રોને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તેમજ સિનિયર એડવોકેટ અભય ભારદ્વાજ અને બાર કાઉન્સીલ ઓફનાં મેમ્બર દિલીપ પટેલને આવકાર્યા હતા. તેમ અંતમાં બકુલ રાજાણીએ જણાવ્યું હતું.
ન્યાય મંદિરનું વાતાવરણ મંદિર સમાન જળવાઇ રહે: વિજયભાઇ રૂપાણી
આ તકે રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યુ હતું કે હાલ સુધી કોર્ટ બિલ્ડીંગ મોચી બજાર ખાતે સ્થિત છે, વ્યસ્ત વિસ્તાર ને કારણે લોકો ને તકલીફ નો સામનો કરવો પડે છે. રાજ્ય સરકાર ન્યાય પ્રક્રિયા ને સરળ અને ઝડપી બનાવવા કટિબદ્ધ છે ત્યારે જામનગર રોડ ખાતે નવું કોર્ટ બિલ્ડીંગ બનાવવાનું નક્કી કરાયું છે. રૂપિયા ૧૧૮ કરોડ ના ખર્ચે નવું અદ્યતન ટેક્નોલોજીયુક્ત કોર્ટ બિલ્ડીંગ બનશે જેના પરિણામે રાજકોટ ની જનતા ને સરળ ન્યાય પ્રક્રિયા મળશે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તમામ તાલુકા સ્તરે અદ્યતન કોર્ટ અને ન્યાય મંદિર બને, લોકોને સરળ ન્યાય પ્રક્રિયા મળે અને ઝડપી ન્યાય મળે તેવા ઉદેશ્ય સાથે રાજ્ય સરકાર કાર્યરત છે.
સૌરાષ્ટ્રની વ્યથાની નોંધ લીધા વિના મોટો “જલ્સો”
હાઈકોર્ટની બેન્ચ વિશે “અબતકએ પુછેલા પ્રશ્ર્નમાં મુખ્યમંત્રીનું ભેદી મૌન
બાર એસો. લડત કરે તો ચેમ્બર ઓફ કોમર્સનો ટેકો: વી.પી. વૈષ્ણવ
શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર ખાતે નવનિર્માણ પામનાર રૂા.૧૧૮ કરોડના ખર્ચે આધુનિક અદાલતના ખાતમુહૂર્ત સમારોહમાં સૌરાષ્ટ્રને હાઈકોર્ટ માટેની પડતર માંગ અંગે ઉપસ્તિ ભાજપના પદાધિકારીથી લઈ કોર્ટના સિનિયર એડવોકેટો અને બાર એસોસીએશનના હોદ્દેદારોએ ચર્ચા કરવાનું ટાળ્યું હતું.
વધુ વિગત મુજબ સૌરાષ્ટ્ર રાજ્ય વખતે હાઈકોર્ટમાં હાઈકોર્ટ બેસતી હતી જે ૧૯૬૦માં મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ રાજ્યની રચના થઈ અને સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યમાં વિલીનીકરણ થતા સૌરાષ્ટ્ર હાઈકોર્ટ ગુમાવવી પડી હતી અને હાઈકોર્ટે અમદાવાદ ખાતે સપવામાં આવી હતી.
સૌરાષ્ટ્રવાસીઓનું હાઈકોર્ટમાં ૬૫ ટકા કેસનું ફાયલીંગ તું હોય આી સમય અને ન્યાયમાં વિલંબ તો હોવાથી ૧૯૮૫ી રાજકોટ બાર એસો. દ્વારા અવાર-નવાર રાજકોટને હાઈકોર્ટ બેંચ આપવા માંગણી સાથે લડત કરવામાં આવી છે. ૨૦૦૧માં રાજકોટ વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન પદાધિકારી દ્વારા રાજકોટને હાઈકોર્ટ બેન્ચ વચન આપવામાં આવ્યા હતા. તેમ છતાં હાઈકોર્ટ બેન્ચ ક્યારે મળશે તે અંગેની ચળવળ કે ચર્ચા ન હોવાથી રાજકોટ ખાતે નવનિર્માણ પામનાર કોર્ટ બિલ્ડીંગના ભૂમિ પૂજન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને “અબતક દ્વારા રાજકોટને હાઈકોર્ટ બેન્ચ ક્યારે મળશે તે અંગે પુછેલા પ્રશ્ર્નમાં વિજયભાઈ રૂપાણી દ્વારા ભેદી મૌન સેવવામાં આવ્યું છે.
ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપના પદાધિકારીઓ કે કહેવાતા સિનિયર એડવોકેટ અને બાર એસોસીએશન દ્વારા હાઈકોર્ટની બેન્ચ માટે કહેવા ખાતર લેખિત-મૌખિક રજૂઆત પણ કરવામાં ન આવતા વકીલોમાં આંતરિક ગણગણાટ થઈ રહ્યો છે.
દેશમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસન અને બિહાર હાઈકોર્ટ બે સ્થળે બેસતી હોય તો ગુજરાતને કેમ અન્યાય ભુતકાળમાં માંગ કરનાર હાલ સત્તામાં હોય ત્યારે મોસાળે જમણ માં પિરસનાર હોય તો કાંઈ ઘટે નહીં ! પરંતુ નવા કોર્ટ બિલ્ડીંગનાં ખાતમુહૂર્તના જલ્સામાં સૌરાષ્ટ્રની વ્યથા ભૂલાય કે ઈરાદાપૂર્વક ભૂલવામાં આવી તેમ વકીલો દ્વારા ચર્ચાય રહ્યું છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું કે, રાજકોટને હાઈકોર્ટની સર્કિય બેન્ચ મળે તે માટે રાજ્યપાલ અને હાઈકોર્ટના ચીફ જસ્ટીસને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ પ્રશ્ર્ને વકીલોનો હોય તો વકીલોએ ઉઠાવવો જોઈએ પરંતુ ભૂમિ પૂજનમાં બાર દ્વારા કેમ કોઈ રજૂઆત નથી કરી. રાજકોટ બાર એસોસીએશન હાઈકોર્ટની બેન્ચ અંગેની લડત કે રજૂઆત કરશે તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રજાવતી તેની સાથે રહેશે તેમ અંતમાં જણાવ્યું હતું.