રામ વનમાં સિવિલ કામ, સ્કલ્પચર, વૃક્ષારોપણ અને નેશનલ હાઇ-વેથી રામવન સુધીના અપ્રોચ રોડની કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ કરવા મ્યુનિ.કમિશનરને સુચના
અબતક, રાજકોટ
આજી-1 જળાશય ખાતે આકાર પામી રહેલ “રામ વન” આ પ્રોજેક્ટની કામગીરી સત્વરે પૂર્ણ થાય તે માટે વખતોવખત કાર્ય પ્રગતિની સમીક્ષા કરતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ “રામ વન” ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાઈટની સંબંધિત અધિકારીઓને સાથે રાખી મુલાકાત કરી હતી.હાલ રામ વન ખાતે વિવિધ સિવિલ કામ, જુદા જુદા સ્કલ્પચર સ્થાપિત કરવાની કામગીરી, વૃક્ષારોપણ અને નેશનલ હાઈ-વેથી રામવન સુધીના અપ્રોચ રોડની કામગીરી ચાલી રહી છે. તમામ કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંબધિત અધિકારીને સુચના આપી હતી.
રામ વન ખાતે અત્યાર સુધીમાં 65000 જેટલા નાના-મોટા વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેમાં જુદાજુદા પ્રકારના ફૂલવાળા છોડનો પણ સમાવેશ થાય છે. વિશેષમાં રામ વનમાં વધુ ઘનિષ્ઠ હરિયાળી માટે હજુ વધારે 20000 વૃક્ષો વાવવામાં આવશે.રામ વન ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પાણીની જરૂરિયાતના વિષય અંગેની ચર્ચા દરમ્યાન મ્યુનિ. કમિશનરે રામ વનની હરિયાળી મેઇન્ટેન કરવા માટે જરૂરી જળ જથ્થાની ઘટ પડે તો તેવા સંજોગોમાં પાણીની ઉપલબ્ધિ માટેની વ્યવસ્થા કરી રાખવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
રામ વનમાં આશરે 10,500 ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવતા તળાવ ડેવલપ કરવાની કામગીરી પણ હાલ ચાલી રહી છે. આ કામ ઝડપભેર પૂર્ણ કરવા સુચના આપી મ્યુનિ. કમિશનરે તળાવમાં પાણી ભરવા અંગેની વ્યવસ્થા બાબતે પણ વિચાર વિમર્શ કર્યો હતો.રામ વનમાં અત્યારે વિવિધ 19 જગ્યાએ રામ વનની થીમ આધારિત સ્કલ્પચર મુકવાની કામગીરી ચાલી રહી છે, જેમાં સ્કલ્પચરના ફીનીશીંગ અને કલરકામ તાત્કાલિક પૂર્ણ કરવા ઉપરાંત નેશનલ હાઈ-વેથી રામ વન સુધીના એપ્રોચ રોડની કામગીરી પણ ઝડપભેર પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.