• સમય મર્યાદામાં લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની અધિકારીઓને તાકીદ

પ્રજાના સામાન્ય પ્રશ્ર્નો પણ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ઠીલાશના કારણે વર્ષો સુધી લટકતા રહે છે. જેના કારણે જનતા-જનાર્દને સરકારી કચેરીએ વારંવાર ધક્કા ખાવા પડે છે. રાજ્ય સરકારના કૃષિમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલે ગઇકાલે વિકાસ કામો સંદર્ભે રાજકોટમાં સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેઓએ અધિકારીઓને એવી ટકોર કરી હતી કે લોકપ્રશ્ર્નોમાં સંવેદનશીલતા દાખવી નિર્ણય પ્રક્રિયા ઝડપી બનાવો અને લોકોના પ્રશ્ર્ન નિયત સમય મર્યાદામાં પૂરા થાય તેવા પ્રયાસો કરવા જોઇએ.

માત્ર મંત્રીઓ જ નહી ખૂદ મુખ્યમંત્રી પણ સરકરી અધિકારીઓ અને કર્મચારીઓને વહિવટી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે વારંવાર ટકોર કરે છે છતા સરકારી કર્મચારીઓ પોતાની મનની મરજી મુજબ જ કામ કરતા હોવાનો સિનારિયો જોવા મળે છે.

રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા બેઠક પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

આ ઉપરાંત મંત્રીઓના હસ્તે પાંચ લાભાર્થીઓને સનદ વિતરણ(જમીનના હુકમો) કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે 30 વર્ષ જૂના પડતર પ્રશ્ર્નોનું મંત્રી રાઘવજીભાઇ પટેલના સતત ફોલોઅપનાં પગલે સુખદ નિરાકરણ આવ્યું હતું.

આ બેઠકમાં પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે અધિકારીઓને લોકોના વિવિધ પ્રશ્ર્નોમાં સંવેદશીલતા દાખવી નિર્ણયની પ્રક્રિયા ઝડપી કરી પ્રજાને મદદગાર થવા સૂચના આપી હતી.  આ તકે રાજકોટ જિલ્લાના જમીન માપણી, દબાણ, પીવાના પાણી, વીજળી, આરોગ્ય, રસ્તા, તળાવ ઊંડું કરવા, કોઝવે સહિતના પ્રશ્ર્નો રજૂ થયા હતા જેનું તાકીદે નિવારણ લાવવા મંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી. મંત્રીએ એ.ટી.વી.ટી.ના કામો ગુણવત્તાસભર રીતે કરવા અને પ્રી-મોનસુનની કામગીરીનું સુચારૂ આયોજન કરવાની સૂચના અધિકારીઓને  આપી હતી.

આ તકે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ – વિછીયા તાલુકાના વિવિધ પ્રશ્ર્નો રજૂ કર્યા હતા. ઉપસ્થિત અધિકારીઓને સમય મર્યાદામાં લોકોના આ પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા, અરજદારોને ખોટા ધક્કા ના થાય તેની તકેદારી રાખવા તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓને તાકીદ કરી હતી.

પદાધિકારીઓ તથા અરજદારોના પ્રશ્ર્નોની રજૂઆત પી.પી.ટી.ના માધ્યમથી અધિક નીવાસી કલેકટર ચેતન ગાંધીએ કરી હતી. તેમજ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા મંત્રીએ કરી  જરૂરી સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં સાંસદ રામભાઇ મોકરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, પોલીસ અધિક્ષક જયપાલ સિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવહાણે સહિતના સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.