સૌરાષ્ટ્ર કેસરી પૂ.પ્રાણગુરુદેવની ૧૨૦મી જન્મજયંતી જ્ઞાનના માધ્યમથી ઉજવવાના સંકલ્પ સાથે આયોજીત બે દિવસીય જૈન સાહિત્ય જ્ઞાનસત્ર સંપન્ન
રોયલ પાર્ક ઉપાશ્રયના આંગણે સૌરાષ્ટ્ર કેસરી પૂજય પ્રાણગુરુદેવની ૧૨૦મી જન્મજયંતિ જ્ઞાનના માધ્યમથી ઉજવાય તે માટે આયોજીત થયેલા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબે પ્રેરિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણ ગુરુ સેન્ટર-મુંબઈ આયોજીત બે દિવસીય ૧૭માં જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં અનેક વિદ્ધાનોનાં વકતવ્યથી શ્રોતાજનો અભિભૂત થયા હતા. મધુબેન બરવાળીયા દ્વારા પ્રાણગુરુદેવની ભાવપૂર્ણ સ્તવના બાદ જ્ઞાન સત્રના પ્રમુખ પદ્યકુમારપાળ દેસાઈએ પોતાના દેશ-વિદેશના બહોળા અનુભવને વર્ણવીને જૈન ડાયાસ્પોરા અંતર્ગત જૈન દર્શનને વ્યકિત કે કોમ પુરતી મર્યાદિત ન રાખતા જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતને વૈશ્ર્વિક ઉંચાઈ પર લઈ જવા પર વકતવ્ય આપ્યું હતું. જૈન ધર્મમાં આહારવિજ્ઞાન, શરીર વિજ્ઞાન અને યોગના વકતવ્યમાં બીનાબેન ગાંધીએ આજના દોડધામભર્યા જીવનમાં સ્ટ્રેસ ફ્રી જીવવા માટે આધિ, વ્યાધિ અને ઉપાધિને દુર કરવા ધ્યાન પ્રયોગનું મહત્વ બતાવ્યું હતું.
રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ તથા સંઘપતિ નટુદાદા શેઠ દ્વારા સર્વ વિદ્ધાનોના સન્માન બાદ ગુણવંતભાઈ બરવાળીયાએ રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબ તથા શોધ નિબંધ રજુ કરનાર સર્વ વિદ્ધાનોની આભારવિધિ કરી હતી તેમજ અત્યાર સુધીના જ્ઞાનસત્રોમાં થયેલા વિદ્ધાનોના વકતવ્યોનું સંપાદન કરીને પ્રકાશિત થતા પુસ્તકો અંગે સૌને માહિતગાર કર્યા હતા. સમાપનવિધિ કરતા જ્ઞાનસત્રના પ્રમુખ કુમારપાળ દેસાઈએ જૈન સમાજ શ્રુત, જ્ઞાન, સમજ અને સંસ્કારથી સમૃદ્ધ છે તે ધર્મ જ્ઞાનથી વિમુખ થઈ રહ્યો છે તેના પર ખેદ વ્યકત કરતા કહ્યું કે પરમાત્માની પરબ વાણીને આપણે એકલા પીને બીજાને ન પાયા. રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવની પ્રેરણાથી પ્રકાશિત થયેલા જૈન વિશ્ર્વકોશથી ભાવિ પેઢીને તથા જિનશાસનને થનાર ચિરંજીવી લાભ અંગે પોતાનો અહોભાવ વ્યકત કર્યો હતો.
રાષ્ટ્રસંત પૂજયશ્રીએ સર્વ વિદ્ધાનોના પ્રવચનોને શ્રુત ભોજનથી તૃપ્તિનો અહેસાસ કરાવનાર કહીને સર્વ વિદ્ધાનોને બિરદાવતા ફરમાવ્યું કે, શ્રાવકો સંતોને સાંભળે તે સહજ હોય છે પરંતુ આવા વિદ્ધાન શ્રાવકોને સાંભળીને માત્ર શ્રાવકોનો જ નહીં પરંતુ સર્વની સાથે સંતોના સમય પણ સાર્થક થયો છે. રાષ્ટ્રસંત પૂજયશ્રીએ પરમાત્માની વાણીને નદી સમાન બતાવીને કહ્યું કે આ વિદ્ધાનો એવી નહેર સમાન છે જે નદીનું પાણી સેંકડો લોકો સુધી પહોંચાડે છે. કુમારપાળ દેસાઈની વિજ્ઞાન અને જૈન ધર્મનો સમન્વય કરતી લેબોરેટરીની ભાવનાને રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવશ્રીએ પરીપૂર્ણ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠે જ્ઞાનસત્રમાં બે દિવસ સુધી જ્ઞાનપ્રભાવના કરનારા સર્વ વિદ્ધાનોનો આભાર માન્યો હતો. આ જ્ઞાન સુત્રની જ્ઞાનધારામાં ભીંજાઈને અનેક ભાવિકો પ્રભાવિત અને અહોભાવિત થયા હતા.