યુ ટુ ડોકટર!!!
સરકારી હોસ્પિટલમાં નોકરી કરવામાં પણ ૮૬ ટકા ડોકટરોની ઉદાસીનતા
ભારતમાં ડોકટરોને ભગવાનના બીજા સ્વરૂપ મનાવામાં આવે છે. માનવ સેવા કરવાના ઘ્યેય સાથે સંકળાયેલા આ વ્યવસાયમાં ધીમે ધીમે પ્રોફેશના લીઝમ આવતું જાય છે.
જેના કારણે અમુક ડોકટરો પોતાના સ્વાર્થને પ્રથમ પ્રાધાન્ય આપવા લાગ્યા છે. ગુજરાતની સરકારી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરીને ડોકટર બનેલાઓને રાજયના ગ્રામ્ય વિસ્તારમાં એક વર્ષ સુધી ફરજીયાત સેવા બજાવવાની હોય છે. જે માટે સરકારી મેડીકલ કોલેજમાં સસ્તી ફીમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પાસેથી રૂા ૨૦ લાખના બોન્ડ લેવામાં આવે છે. પરંતુ એમબીબીએસ થયા બાદ સેવાના પર્યાપ્ત ગણાતા ડોકટરોને ગ્રામ્ય વિસ્તારમાં સેવા કરવામાં રસ ન હોય તેમ ડોકટરો આ બોન્ડની રકમ ચૂકવી દઇને પોતાની જવાબદારીથી છટકી રહ્યાનો ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે.
મેડીકલના વિદ્યાર્થીઓ સરકારી મેડીકલ કોલેજમાં પ્રજાના કરના પૈસે વાર્ષિક માત્ર છ હજાર રૂામાં એમબીબીએસની ડીગ્રી મેળવી શકે છે. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ ડોકટર બન્યા બાદ સરકારના નિયમો અનુસાર ત્રણ વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવા જતા ન હોય રાજય સરકારે સરકારી મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી પાંચ લાખ રૂા ના બોન્ડ લેવાની શરુઆત કરી હતી. પરંતુ તેમ છતાં ડોકટરો આ સરકારી જોગવાઇઓનો ભંગ કરતા હોય થોડા સમય પહેલા રાજય સરકારે બોન્ડની રકમ વધારીને ર૦ લાખ રૂા.ની કરી હતી જયારે ત્રણ વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવાના નિયમમાં ઘટાડો કરીને એક વર્ષની જોગવાઇ કરી હતી. તેમ છતાં સરકારી મેડીકલ કોલેજમાંથી એમબીબીએસ બનેલા ડોકટરો ગ્રામ્ય વિસ્તારમાં સેવા બજાવવા તૈયાર નથી જેથી આવા ૩૦૦૦ ડોકટરોના બોન્ડ સરકારે જપ્ત કર્યા છે. તેમ રાજયના આરોગ્ય મંત્રી નીતીનભાઇ પટેલે કોંગ્રેસના ધારાસભય ડો. અનિલ જોષીયારાએ પુછેલા એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું હતું.
ડોક્ટરો પાસેથી બોન્ડ લેવાય છે તેમ છતાંય ડોક્ટરો સરકારી હોસ્પિટલમાં નોકરી કરવા તૈયાર નથી. રાજ્ય આરોગ્ય વિભાગે હજુય રૂા.૬૨૦૭ લાખ જેટલી માતબર રકમ બોન્ડપેટે વસૂલવાની બાકી છે. ૯૩ ડોક્ટરો તો વિદેશ જતાં રહ્યાં છે. સેવામર્યાદાના નિયમનો ભંગ કરીને ડોક્ટરો વિદેશ જતાં રહે છે ત્યાં સુધી આરોગ્ય વિભાગ ઉંઘતુ જ રહે છે. નીતિન પટેલે એમ પણ જણાવ્યું હતું કે, કેટલાંય ડોક્ટરોના નામ,સરનામા ય મળતા નથી. પણ ડોક્ટરો પાસેથી બોન્ડની રકમ વસૂલવા કડકાઇ દાખવવામાં આવશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તો ત્યાં સુધી કહ્યુંકે, સરકાર જો ગામડાઓની હોસ્પિટલમાં સેવા આપવાનું ફરજિયાત નહી બનાવે ત્યાં સુધી ડોક્ટરો સરકારી પૈસે ભણીને ખાનગી પ્રેકટીસ જ કરશે. આમ, સરકારી પૈસે ભણવું અને નાણાં કમાવવાએ જ આજના અમુક ડોક્ટરોનો મંત્ર રહ્યો છે.
નીતિન પટેલ ગૃહમા ખાતરી આપી હતી કે, બોન્ડની રકમ વસૂલવા માટે ડોકટરોની ઘર,જમીન,મિલ્કત સુધ્ધા જપ્ત કરવા નક્કી કરાયુ છે. એટલું જ નહીં, હવે તો બોન્ડની રકમ પણ વધારીને રૂા.૨૦ લાખ સુધી કરી દેવામાં આવી છે.હજુ ત્રણેક હજાર ડોક્ટરો પાસેથી બોન્ડની રકમ વસૂલવાની બાકી છે. અત્યાર સુધીમાં રૂા.૧૯ કરોડની વસૂલાત કરવામાં આવી છે. તેમાના કેટલાંય ડોક્ટરોના નામ-સરનામાં ય મળતા નથી.
આરોગ્ય મંત્રી નીતિન પટેલે એમ પણ જણાવ્યું હતું કે, રાજ્ય આરોગ્ય વિભાગે એમબીબીએસ થયેલા ૨૨૨૮ ડોક્ટરોને નિમણૂંક આપવામાં આવી હતી તે પૈકી ૧૯૦૭ ડોક્ટરો ફરજ પર હાજર થયાં નહી. સરકાર હોસ્પિટલોમાં નોકરી જ સ્વિકારી નહી. માત્ર ૩૨૮ ડોકટરોએ જ સરકારી હોસ્પિટલોમાં નોકરી કરવી પસંદ કર્યુ હતું. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં એમબીબીએસ થયેલાં કુલ ૨૨૨૮ વિદ્યાર્થીઓને સરકારી હોસ્પિટલમાં નિમણૂંક કરાઇ હતી તે પૈકી ૧૯૦૭ ડોકટરો તો હાજર થયા જ નહીં. ગામડાઓમાં સેવા કરવામાં ડોક્ટરોને રસ જ નથી જેના કારણે પ્રાથમિક, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની જગ્યા ખાલી છે.