સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવનમાં ૧૩ થી ૧૮ વર્ષની વિઘાર્થીનીઓ માટે ગુજરાતી, મદ્વાસી, પંજાબી વાનગી બનાવાની સાથે ફેન્સી પોશાકનું પ્રશિક્ષણ અપાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવન દ્વારા વિઘાર્થીનીઓને રસોઇકળાના માહિર બનાવવા માટેના ૧પ દિવસીય વર્કશોપનો શુભારંભ થયો છે. જેમાં હોમ સાયન્સ ભવનની રર જેટલી ૧૩ થી ૧૮ વર્ષની વિઘાર્થીનીઓને ગુજરાતી ઉપરાંત મદ્રાસી અને પંજાબી રસોઇ બનાવવાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વધુમાં મંગળવારથી વિઘાર્થીનીઓને ફેન્સી કપડાની જાણકારી મળે તે માટે તજજ્ઞો દ્વારા અલગ અલગ પ્રકારના પોષાકની સમજણ પણ આપવામાં આવશે.
આ વર્કશોપને સફળ બનાવવા માટે હોમ સાયન્સ ભવનના પ્રો. હેડ નીલામ્બરી દવે તેમજ ભવનના સ્ટાફગણ અને વિઘાર્થીનીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
હોમ સાયન્સ ભવનના પ્રો. હેડ નીલામ્બરી દવેએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે યુનિવસીટી હોમ સાયન્સ ભવન અને એચ.એન. શુકલ ગ્રુપના સંયુકત ઉપક્રમે ૧પ દિવસીય સેમીનારનું આયોજન કર્યુ છે. ૧૪ એપ્રિલ સુધી કુકીંગ, બેઇઝીક કુકીંગ, ગ્રુમીંગ, મેક અપ, મેક ઓવર, ડ્રેસીંગ અને નાની મોટી ઘરની ગોઠવણ આવરી લઇને કોર્ષ શરુ કરવામાં આવ્યો છે. આ વર્કશોપમાં કુલ રર વિઘાર્થીનીઓએ ભાગ લીધો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અત્યારની જનરેશન વધુ પડતી ગેજેટસ તરફ આગળ વધી છે. હવે કરીઅર્સની દ્રષ્ટિએ જોવામાં આવે તો છોકરા અને છોકરીઓને સમાન તકો આપવામાં આવે છે અત્યારે છોકરીઓ ઘરના કામથી અળગી રહે છે તો ઘરનું નાનુ મોટું કામકાજ શીખવાનું રહી જાય છે. તો ફોમર્લ સ્વરુપ આપવા માટે જ આ પ્રકારના વર્ગો શરુ કરવામાં આવ્યા છે. ખાસ તો હોમ સાયન્સ ભવનમાં આ સિવાય નેશનલ કોન્ફરન્સ, આંતર રાષ્ટ્રીય મહીલા દિવસે પણ પોસ્ટર સ્પર્ધા ડીબેર્ટ સ્પર્ધા સ્ત્રી શસકિતકરણ પરના લેકચર પણ ચલાવવામાં આવે છે.