પરિક્રમામાં યાત્રાળુઓની સુવિધા જળવાઈ રહે તે માટે સાધુ, સંતો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અધિકારીઓની યોજાય બેઠક
ગીરનારમાં તા.23 નવેમ્બર થી તા. 27 નવેમ્બર સુધી યોજાનારી પરંપરાગત લીલી પરિક્રમાની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર એ પૂર્ણ કરી લીધી છે, તે સાથે જૂનાગઢ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગઈકાલે ગિરનારની પરિક્રમાની તૈયારી અંગેની બીજી બેઠક મળી હતી. જેમાં કલેકટર સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને સાધુ, સંતો તેમજ અન્ન ક્ષેત્રોના પ્રતિનિધિઓએ યાત્રાળુ માટે જરૂરી વ્યવસ્થાઓ સુવિધા અંગે સંવાદ કરી પરિક્રમા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને યાત્રાળુઓને અગવડતા ન પડે તે માટે આખરી આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા એ જણાવ્યું હતું કે, ગિરનારની લીલી પરિક્રમામાં યાત્રાળુઓની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત વિભાગોએ આયોજન કર્યું છે. અને તેઓએ પોતે પણ ગિરનારની પરિક્રમા ના રૂટનું અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું છે.
પરિક્રમા દરમિયાન સ્વચ્છતાની તમામ કામગીરી પર દેખરેખ રાખવામાં આવશે, તથા સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જન જાગૃતિ અને સંસ્થાઓ દ્વારા પણ પૂરતા પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપતા કલેકટર એ ગિરનારની લીલી પરિક્રમામાં જંગલ સ્વચ્છ રહે, રૂટ ઉપર ક્યાંય કચરો ન થાય તેમજ અન્નક્ષેત્રો દ્વારા ગંદકી કરવામાં ન આવે તે માટેની વ્યવસ્થામાં તંત્રને સહયોગ આપવામાં આવે તે માટે અનુરોધ કર્યો હતો.
કલેક્ટર એ ભાવિકોના સ્વાસ્થય, સુરક્ષા અને સુવિધા માટે કરેલ આયોજન અંગે જણાવ્યું હતું કે, ગિરનારની પરિક્રમા કરતા યાત્રાળુઓને હાર્ટ એટેક આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ કરાશે. આ ઉપરાંત ફરજ પરના કર્મચારી, અધિકારીઓને સીપીઆરની ટ્રેનીંગ પણ અપાશે. પોલીસ વિભાગ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત એસડીઆરએફ. ની બે ટીમો પણ મંગાવવામાં આવી છે તેવી વિગતો આપતા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા માર્ગો મરામત અને અન્ય સુવિધાઓની પણ તૈયારી કરવામાં આવી છે. બસ સ્ટેશન થી ભવનાથ સુધી એસટી વિભાગ દ્વારા 50 મીની બસ મૂકવામાં આવશે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં 150 થી વધુ એકસ્ટ્રા બસ મુકવાનું પણ આયોજન છે.
આ બેઠક દરમિયાન મહંત હરિ ગીરીબાપુ, મહેશગીરી બાપુ તેમજ મહાદેવ ગીરીબાપુ સહિતના સંતો, મહંતોએ જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત દામોદર કુંડ સહિત વિવિધ સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે તેમજ ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તે માટે સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ સૂચનો કર્યા હતા.
આ મિટિંગમાં મહંત હરિગીરીબાપુ, શૈલજાદેવીજી, મહાદેવ ભારતીબાપુ, મહંત મહાદેવ ગીરીજી, મુચકુંદ જગ્યાના મહંત મહેન્દ્રાનંદગીરીજી, તેમજ અન્ય સંતો મહંતો આ ઉપરાંત ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, માજી ધારાસભ્ય ભીખાભાઈ જોશી, અગ્રણી યોગીભાઈ પઢિયાર, નિર્ભયભાઈ પુરોહિત, અશ્વિનભાઈ મણીયાર, બટુકભાઈ મકવાણા, ભાવેશભાઈ વેકરીયા, ખોડીયાર રાસ મંડળ સંસ્થાના અગ્રણીઓ, તેમજ અન્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓની સાથે ગ્રાન્ટ અધિકારીઓમાં નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, ડીવાયએસપી ઠક્કર, અધિક કલેક્ટર પી.જી. પટેલ, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરીક્રમાર્થીઓની આરોગ્યની તંત્ર દ્વારા કરાશે દરકાર, પરિક્રમાના રૂટ પર સરકારી દવાખાના ઉભા કરાશે
ગિરનાર લીલી પરિક્રમા આગામી તા. 23-11-2023થી પ્રારંભ થશે. જેમાં લાખો ભાવિકો ગરવા ગિરનારની ભાવપૂર્વક પગપાળા પરિક્રમા કરવા ઉમટી પડે છે. ત્યારે યાત્રાળુનું આરોગ્ય ન જોખમાય તે માટે તંત્ર દ્વારા ગિરનાર પરિક્રમાના રૂટ પર આવેલ યાત્રાળુઓના પડાવના સ્થળ એવા ઝીણાબાવાની મઢી, સરકડીયા, મારવેલા, બોરદેવી તથા ભવનાથ વિસ્તારમાં સરકારી દવાખાના ઉભા કરવામાં આવશે.
યાત્રાળુઓએ તેમના આરોગ્યની તકેદારી માટે પરિક્રમાના રૂટ ઉપર વહેંચાતા આરોગ્ય માટે હાનિકારક હોય તેવા ફરસાણ, વાસી કે પડતર ફળો તથા ખરાબ ખાણીપીણીની વસ્તુઓ ન ખાવાની તકેદારી રાખવી, તેમજ ખરાબ પાણી નદી- નાળાનું પાણી પીવામાં ઉપયોગમાં લેવું નહીં. ક્લોરીનેશન કરેલું જ પાણી ઉપયોગમાં લેવું તેવી તકેદારી રાખવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ. આર. સુતરીયાની યાદીમાં જણાવાયું છે.